ઓવેન્સ, જેસી (જ. 12 સપ્ટેમ્બર 1913, ડેન્વિલ, આલાબામા, યુ.એસ.; અ. 31 માર્ચ 1980, ફિનિક્સ, ઍરિઝોના) : વીસમી સદીના વિખ્યાત અમેરિકન દોડવીર; મૂળ નામ જેમ્સ ક્લીવલૅન્ડ ઓવેન્સ. કપાસ પકવનાર સાધારણ કુટુંબમાં જન્મ. કપાસનો પાક નિષ્ફળ જતાં ઑવેન્સકુટુંબ આલાબામા છોડીને ક્લીવલૅન્ડ આવ્યું. ગરીબાઈમાં ભણવાની સાથોસાથ ઑવેન્સે બૂટપૉલિશ માટેની દુકાનમાં કામ કરેલું.
શાળામાં તેમની વેગીલી દોડ તથા આદર્શ દોડવીર તરીકેના તેમના શારીરિક બાંધા તરફ સૌપ્રથમ તેમના શિક્ષકનું ધ્યાન દોરાયું. પંદરમે વર્ષે તેમની ઊંચાઈ 178 સેમી. હતી અને વજન આશરે 68 કિગ્રા. હતું. એ વખતે તે 10 સેકન્ડમાં 100 વાર દોડી શકતા અને 7 મી. લાંબો કૂદકો લગાવી શકતા. આવી સાનુકૂળ શારીરિક ક્ષમતા ઉપરાંત તેમનામાં ઊંચી કક્ષાના ઍથ્લીટ થવાની મહત્વાકાંક્ષા હતી. તેમને ચાર્લી રીલે નામના આયરિશ વસાહતીનાં માર્ગદર્શન અને તાલીમ મળવાથી અને તેમાં તેમની પોતાની ધગશ અને તત્પરતા ભળવાથી દોડવીર તરીકેનું તેમનું સંગીન ઘડતર થયું.
તેમના આ સામર્થ્યની પ્રથમ જાહેર પ્રતીતિ થઈ 1933માં. શિકાગો ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ઇન્ટરસ્કોલૅસ્ટિક ચૅમ્પિયનશિપમાં 3 સ્પર્ધામાં જીત મેળવી અને 100 વારની દોડમાં વિશ્વવિક્રમ સ્થાપ્યો. તેથી અમેરિકાની 28 યુનિવર્સિટી તરફથી તેમને આમંત્રણ મળ્યું. તેમણે ઓહાયો યુનિવર્સિટી પસંદ કરી. દિવસે શિક્ષણવિષયોનો અભ્યાસ તથા દોડની તાલીમની સાથોસાથ રાતે લિફ્ટમૅનની નોકરી કરીને તે 150 ડૉલર કમાઈ લેતા અને અડધી રકમ કુટુંબને મોકલતા. યુનિવર્સિટીએ તેમને શિષ્યવૃત્તિ પણ આપી હતી. દોડવીર તરીકે યુનિવર્સિટીમાં સૌએ તેમને ‘બુકે બુલેટ’ ઉપનામ આપ્યું હતું.
1935માં મિશિગન યુનિવર્સિટી ખાતે યોજાયેલી આંતર-કૉલેજ સ્પર્ધામાં તેમણે 100 વારની દોડમાં 9.4 સેકન્ડના વિશ્વવિક્રમની બરાબરી કરી. ત્યારપછી લાંબા કૂદકામાં 8.13 મીટરનો નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો. આ સ્પર્ધામાં 8 મીટર કરતાં વધારે લાંબો કૂદકો મારવાનો એ પહેલવહેલો પ્રસંગ હતો અને લગાતાર 25 વર્ષ સુધી એ આંક કોઈ પાર કરી શક્યું ન હતું. 20 મિનિટ પછી 220 મી.ની દોડ 20.3 સેકન્ડમાં પૂરી કરી તેમણે બીજો નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો. છેલ્લે 220 મીટરની નીચી વિઘ્નદોડ 22.6 સેકન્ડમાં પાર કરી ત્રીજો વિશ્વવિક્રમ પોતાના નામે ચઢાવ્યો. 4 વિશ્વવિક્રમને લગતી આ અસામાન્ય ઘટના માત્ર કલાકેકના ગાળામાં જ બની અને ઑવેન્સને પડી જવાને લીધે વાગવાથી દુખાવો થતો હતો છતાં આ સિદ્ધિ તેમણે હાંસલ કરી હતી.
ઑગસ્ટ, 1936માં બર્લિનમાં યોજાયેલી અગિયારમી ઑલિમ્પિક રમતસ્પર્ધામાં તેમણે અમેરિકા તરફથી ભાગ લીધો અને 100 મીટરની દોડ 10.3 સેકન્ડમાં તથા 200 મીટરની દોડ 20.7 સેકન્ડમાં પૂરી કરી અને 8.06 મીટર લાંબો કૂદકો લગાવ્યો અને એ રીતે એ પ્રત્યેક સ્પર્ધા પૂરતા ઑલિમ્પિકના અનેક વિશ્વવિક્રમ સ્થાપ્યા. વળી અમેરિકાની 400 મીટર રિલે ટીમની છેલ્લા ભાગની દોડ 39.8 સેકન્ડમાં પૂરી કરી વિશ્વવિક્રમ તોડ્યો અને અમેરિકાને 4 સુવર્ણચંદ્રક અપાવ્યા. વ્યક્તિગત રીતે 3 સુવર્ણચંદ્રકો મેળવવાની સિદ્ધિ 1924માં ફિનલૅન્ડના પાવો નર્મીએ હાંસલ કરી હતી. તેમાં 1936માં જેસી ઑવેન્સ પણ યશભાગી બન્યા. દોડવીર તરીકેની એ યશસ્વી સિદ્ધિને દુનિયાભરનાં અખબારોએ તથા વિવિધ પ્રજાસમૂહોએ બિરદાવી. લોકોએ તેમને ‘બ્લૅક ફ્લૅશ’ અથવા ‘ધ એબની ઍન્ટિલોપ’ જેવાં ઉપનામ આપ્યાં, જ્યારે ફ્રેન્ચ લોકોએ તેમને ‘સ્ટેડિયમનો દેવ’ કહીને બહુમાન કર્યું. પણ જર્મનીના ચાન્સેલર અને કટ્ટર જાતિભેદના હિમાયતી ઍડોલ્ફ હિટલર આ બિન-આર્ય વિજેતાને અભિનંદન આપ્યા વિના મુખ ફેરવીને સ્ટેડિયમમાંથી જતા રહ્યા. જોકે ઑવેન્સે આ ઑલિમ્પિકની આવી કડવી યાદ રાખવાને બદલે લાંબા કૂદકાની એ જ સ્પર્ધા માટેના જર્મનીના જ રમતવીર લુઝ લાગના ઉમદા વર્તનની નોંધ લીધી છે. લાગે એ સ્પર્ધામાં સૌથી લાંબો કૂદકો લગાવ્યો હતો એ પ્રસંગે ઑવેન્સના બે ફાઉલ થયા હતા અને ત્રીજો ફાઉલ થાય તો ઑવેન્સે સ્પર્ધામાંથી બહાર નીકળી જવું પડે એવા સંજોગો સર્જાયા હતા. છતાં લાગે ઑવેન્સને તેમના દોડપથના માપની ભૂલ બતાવી અને ઑવેન્સે પોતાની કૂદ સુધારી લઈ ઇતિહાસ સર્જ્યો.
સ્વદેશ પાછા ફરતાં તેમનું વીરોચિત સન્માન થયું, પણ તેમની આર્થિક હાલતમાં કશો સુધારો ન થયો. કમાણી મેળવવા તે વ્યવસાયી દોડવીર બન્યા. ઘોડા સાથે દોડ-સ્પર્ધામાં ઘોડાને હરાવીને નાણાં કમાઈ લેતા. પણ આર્થિક સંકટ ટળ્યું નહિ. દેવું વધતું જવાથી બીજાં નાનાં કામો પણ કર્યાં. ઑલિમ્પિકના આ શ્રેષ્ઠ રમતવીરે મેદાનો સંભાળવાની કામગીરી પણ સ્વીકારી જીવનસંઘર્ષમાં હાર્યા વિના ટકી રહ્યા.
પોતાની શક્તિઓને તેમણે લોકહિતનાં કાર્યોમાં પણ જોતરી. તેમની વક્તૃત્વશક્તિ તથા લોકસંપર્કની આવડતને કામે લગાડીને તેમણે અનેક ધર્માદા સંસ્થાઓ માટે, ઑલિમ્પિક સ્પર્ધાઓના પ્રચાર માટે નાણાં ઉઘરાવવાની કામગીરી સ્વીકારી. આ રીતે તેમણે વર્ષમાં બે લાખ માઈલ ફરીને 10 લાખ ડૉલર એકત્રિત કર્યા હતા.
1955માં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ઉપક્રમે તેમણે ભારત તથા દૂર પૂર્વના દેશોનો શુભેચ્છા પ્રવાસ ખેડ્યો અને દોડ માટે અનેક નિદર્શનો યોજીને એ રમતના પ્રશિક્ષકો તથા દોડવીરો માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું. 1970માં તેમણે ‘બ્લૅક થિંક’ તથા 1972માં ‘આઈ હૅવ ચેન્જ્ડ’ નામનાં પુસ્તકો પ્રગટ કર્યાં. અન્ય અશ્વેત નાગરિકોની જેમ તેમને પણ જાહેર જીવનમાં રંગભેદનો કડવો અનુભવ થતો રહ્યો હતો. 1976માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કાર્ટરે તેમને વ્હાઇટ હાઉસમાં નિમંત્રી ‘લિવિંગ લિજન્ડ એવૉર્ડ’ અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું હતું.
વાસુદેવ મહેતા