ઓવન (વિદ્યુત) : વિદ્યુતપ્રવાહની ઉષ્માજનક અસરથી કાર્ય કરતું સાધન. ઓવન બે પ્રકારની હોય છે, એક સાદી અને બીજી સ્વયંસંચાલિત. સાદી ઓવનમાં એક અથવા બે ઉષ્માજનક એલિમેન્ટ, કૉઇલના રૂપમાં ગોઠવેલી હોય છે. આ એલિમેન્ટ નાઇક્રોમ તારમાંથી ગૂંચળાના રૂપમાં બનાવેલ હોય છે. એક કૉઇલવાળી ઓવનમાં રોટરી સ્વિચની મદદથી બંને કૉઇલનું શ્રેણીમાં જોડાણ કરવાથી ઓછી ઉષ્ણતા, કોઈ પણ એક કૉઇલનો ઉપયોગ કરવાથી મધ્યમ ઉષ્ણતા અને બંને કૉઇલનું સમાન્તર જોડાણ કરવાથી વધુ ઉષ્ણતા મેળવી શકાય છે.
સ્વયંસંચાલિત ઓવનમાં ઉપર પ્રમાણેની એક કે બે ગૂંચળાના એલિમેન્ટવાળી સાદી ઓવનમાં થર્મોસ્ટેટ સ્વિચ રાખેલી હોય છે. જ્યારે ઓવન વધુ પડતી ગરમ થઈ જાય ત્યારે થર્મોકપલ કાર્ય કરીને એલિમેન્ટથી પરિપથને ખુલ્લો કરે છે અને જોઈતી ઉષ્ણતાએ ગરમી મળતાં, ફરી આપોઆપ કાર્ય કરે છે.
વસ્તુને હૂંફાળી અથવા લાંબો સમય ગરમ રાખવાની જરૂર પડતી હોય તે માટે અથવા ભૂંજવા (baking) માટે ઓવનનો વપરાશ થાય છે.
ઉદ્યોગમાં વપરાતી મોટી ઓવનમાં તાપમાન એકસરખું રહે તે માટે પંખા દ્વારા સતત હવા ફેરવવાની વ્યવસ્થા હોય છે. કેટલીક ઓવનને ગરમ કરવા પાણીની વરાળનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક પદાર્થો ઊંચા તાપમાને ગરમ કરતાં વિઘટન પામતા હોય તે માટે શૂન્યાવકાશ (vacuum) ઓવનનો ઉપયોગ કરવામાં આવે છે.
એન. યુ. મોદી