ઓલીએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી; ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae); શ્રેણી દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – જેન્શીઆનેલીસ, કુળ – ઓલીએસી. યુરોપના ઓલિવ તેલ આપનાર ફળ ઉપરથી કુળનું નામ ઓલીએસી પડ્યું છે. આ કુળમાં 22 પ્રજાતિ અને 500 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે અને તેનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં, ખાસ કરીને એશિયા અને ઈસ્ટ ઇંડિઝમાં થયેલું છે. તેની જાણીતી જાતિઓમાં Jasminum humile (ચમેલી), J sambac (અરેબિયન જૅ’સ્મિન્), J. officinale (વ્હાઇટ જૅ’સ્મિન્), J. grandiflorum (સ્પૅનિશ જૅ’સ્મિન), Nyctanthus arbor-tristis (પારિજાતક, હરસિંગાર), Syringa emodi (લીલીએક), Schrebera swietenioides (નકટી, મોખ), અને Olea તેમજ Fraxinusની જાતિઓનો સમાવેશ થાય છે.

આ કુળની વનસ્પતિઓ મોટેભાગે વૃક્ષ અથવા ક્ષુપ કે ઉપક્ષુપ સ્વરૂપ ધરાવે છે. કેટલીક જાતિઓ કાષ્ઠીય વળવેલ હોય છે. પર્ણો સાદાં કે પિચ્છાકાર (pinnate) સંયુક્ત, સંમુખ અને ઉપપર્ણીય (stipulate) હોય છે. Jasminumની કેટલીક જાતિઓમાં પર્ણો એકાંતરિક જોવા મળે છે. Olea europeaમાં પર્ણો વક્ષસપાટીએ ભૂખરાં તારાકાર રોમ વડે આવરિત હોય છે. પર્ણની કક્ષમાં સહાયક કલિકાઓ અને બહિષ્પુષ્પીય (extrafloral) મધુગ્રંથિઓ સામાન્યત: છત્રાકાર (peltate) રોમસ્વરૂપે જોવા મળે છે.

પુષ્પવિન્યાસ પરિમિત દ્વિશાખી (dichasial) કે સંયુક્ત અપરિમિત કલગી પ્રકારનો હોય છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, ચતુરવયવી અને અધોજાયી (hypogynous) હોય છે. Fraxinus, Olea અને Phillyreaની કેટલીક જાતિઓમાં પુષ્પો એકલિંગી, દ્વિગૃહી (dioecious) કે વિવિધપુષ્પી-એકલિંગાશ્રયી (polygamo-dioecious) હોય છે.

વજ્ર 4, કેટલીક વાર 5 કે તેથી વધારે વજ્રપત્રો(દા. ત. Jasminumની જાતિઓ)નું બનેલું, વધતેઓછે અંશે યુક્ત, ઘંટાકાર કે નલિકાકાર અને સામાન્યત: નાના દાંતાયુક્ત અથવા લગભગ અખંડિત, દીર્ઘસ્થાયી (persistent) અને ધારાસ્પર્શી (valvate) હોય છે. કેટલીક જાતિઓમાં વજ્ર મુક્ત હોય છે. Fraxinus excelsiorમાં વજ્ર હોતું નથી દલપુંજ 4 કે 5 અથવા તેથી વધારે દલપત્રો(દા.ત., Jasminumની કેટલીક જાતિઓ)નું બનેલું, યુક્ત, ચક્રાકાર, નિવાપાકાર કે દીપકાકાર અને કોરછાદી (imbricate) હોય છે. Fraxinus ornusમાં દલપત્રો મુક્ત હોય છે, અથવા તેનો અભાવ હોય છે.

પુંકેસરચક્ર બે, અથવા કેટલીક વાર Hesperelaea અને Tessarandra જેવી પ્રજાતિઓમાં ચાર, દલપત્રસંમુખ અને દલલગ્ન હોય છે. પુંકેસરના તંતુ ટૂંકા અને પરાગાશય દ્વિખંડી હોય છે. તેમનું લંબવર્તી અને બહિર્મુખી (extrose) સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું હોય છે. તે દ્વિકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં બે અધોમુખી (anatropous) લટકતાં અંડકો જોવા મળે છે. Forsythiaમાં પ્રત્યેક કોટરમાં 4થી 10 અંડકો હોય છે. પરાગવાહિની ટૂંકી અથવા તેનો અભાવ હોય છે. પરાગાસન અગ્રસ્થ, સાદું કે દ્વિશાખી હોય છે.

ફળ વિવરીય (loculicidal) કે અનુપ્રસ્થ (circumsessile) પ્રાવર, સપક્ષ (samara), અનષ્ઠિલ (berry) કે અષ્ઠિલ (drupe) પ્રકારનું જોવા મળે છે. બીજ ભ્રૂણપોષી હોય છે. ભ્રૂણપોષ તૈલી અને ભ્રૂણ સીધો હોય છે.

પુષ્પીય સૂત્ર :

હચિન્સન આ કુળને લોગેનીએલીસ ગોત્રમાં મૂકે છે. તે લોગેનીએસી કુળ સાથે સંબંધ ધરાવે છે. તેના મત પ્રમાણે આ કુળ અસંબંધિત જાતિઓનો સમૂહ છે અને રુબિયેસી અને એપોસાયનેસી કુળ સાથે સંબંધ દર્શાવે છે. દલપુંજનો કલિકાન્તરવિન્યાસ, પુંકેસરોની સંખ્યા, અંડકોનું સ્થાન અને ભ્રૂણપોષના બંધારણ પરથી જૂદું પાડી શકાય છે. આ કુળને બે ઉપકુળમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે : (1) ઓલીઑઇડી અને (2) જૅસ્મિનૉઇડી. ઓલીઑઇડીમાં Jasminum, Menodora અને Nyctanthes સિવાયની બધી પ્રજાતિઓનો અને જૅસ્મિનૉઇડીમાં Jasminum, Menodora અને Nyctanthesનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓલીએસી. ચમેલી (Jasminum humile) : (અ) પુષ્પીય શાખા (આ) પુષ્પ, (ઇ) પુષ્પનો ઊભો છેદ, (ઈ) બીજાશયનો આડો છેદ, (ઉ) પુષ્પારેખ

આ કુળ આર્થિક ર્દષ્ટિએ ઘણી રીતે ઉપયોગી છે :

ઑલિવ(Olea)નો ખોરાક તરીકે ઉપયોગ થાય છે અને તેના ફળમાંથી ઊંચી ગુણવત્તાવાળું ખાદ્ય તેલ પ્રાપ્ત થાય છે. Jasminum, Nyctanthes, Ligustrum, Syringa, Forsythia, Chionanthus, Osmanthus, Phillyrea વગેરે શોભન પ્રજાતિઓ છે. Jasminumની વિવિધ જાતિઓ ઔષધીય ગુણધર્મો ધરાવે છે. Jasminum grandiflorum અને J. sambacમાંથી અત્તર મેળવવામાં આવે છે. Fraxinus excelsior Olea dioica અને O. robustaમાંથી ઇમારતી લાકડું પ્રાપ્ત થાય છે. Fraxinus ornusમાંથી ‘મન્ના’ નામનો શર્કરાયુક્ત રસ અને Nyctanthesના દલપુંજમાંથી નારંગી રંગ મળે છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ