ઓલાહ, જૉર્જ ઍન્ડ્રુ (Olah, George Andrew) (જ. મે 22 1927, બુડાપેસ્ટ, હંગેરી; અ. 8 માર્ચ 2017, બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયા, યુ. એસ.) : 1994નો નોબેલ પુરસ્કાર જીતનાર હન્ગેરિયન – અમેરિકન રસાયણવિદ.
જૉર્જ ઓલાહના પ્રાથમિક શિક્ષણ દરમિયાન તેમને ભાષા તથા ઇતિહાસમાં રસ હતો, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ બાદના હંગેરીમાં આ વિષયો સાથે નિપુણ થઈને ગુજરાન સારી રીતે ચાલી શકે નહિ તેવું લાગતાં તેમણે કાર્બનિક રસાયણનો અભ્યાસ શરૂ કર્યો અને ટેકનિકલ વિશ્વવિદ્યાલય, બુડાપેસ્ટમાંથી બી.એસ. અને 1949માં પીએચ.ડી. પદવી મેળવી. તે જ વર્ષે તેમની લૅબોરેટરી ટેકનિશિયન જુડીથ સાથે લગ્ન કર્યાં. બુડાપેસ્ટ ટેકનિકલ વિશ્વવિદ્યાલયના કાર્બનિક રસાયણ-વિભાગના તેઓ વડા બન્યા અને સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેમૅસ્ટ્રી, હંગેરીની એકૅડેમી ઑવ્ સાયન્સિઝના વૈજ્ઞાનિક એસોસિયેટ ડિરેક્ટર બન્યા. તેમનાં પત્ની પણ રસાયણમાં વધુ અભ્યાસ કરી તેમની સાથે જોડાયાં. 1956માં જ્યારે હંગેરીમાં બળવાનો નિષ્ફળ પ્રયાસ થયો ત્યારે બે લાખ હંગેરિયનો પહેરેલ કપડે હંગેરી છોડી ગયા તેમાં ઓલાહ પણ હતા. અમેરિકામાં આવી સ્થાયી થયા બાદ (1970થી અમેરિકન નાગરિક બન્યા છે.) પણ તેઓ હંગેરીની વારંવાર મુલાકાતો લેતા રહ્યા છે. તેમનાં પત્નીનાં સગાંઓ ઇંગ્લૅન્ડમાં હોવાથી 1956-57માં તેઓ ઇંગ્લેન્ડ આવ્યા અને પ્રો. ક્રિસ્ટોફર ઇન્ગૉલ્ડ સાથે સંશોધન કર્યું. 1957માં તેઓ કૅનેડા તેમની માતા પાસે ગયા. આ સમયે સાયનામાઇડ, યુનિયન કાર્બાઇડ, મોન્સાન્ટો જેવી મોટી મોટી અમેરિકન કંપનીઓ તેમનાં પ્રાથમિક સંશોધન-કેન્દ્રો યુરોપમાં સ્થાપી રહી હતી. સદભાગ્યે, ડાઉ કેમિકલ કંપનીએ સાર્નિયા, ઑન્ટેરિયો(કૅનેડા)માં રિસર્ચ લૅબોરેટરી સ્થાપી જેમાં ઓલાહ સંશોધનવિજ્ઞાની તરીકે 1957-64 સુધી જોડાયેલા રહ્યા અને ત્યાંથી ડાઉ કંપનીના મોટા સંશોધન-કેન્દ્ર, મૅસેચૂસેટ્સ લૅબોરેટરી ફ્રેમિન્ગહેમમાં તબદીલ થયા. હવે ઓલાહે રસાયણવિજ્ઞાનના વડા તથા રસાયણના પ્રાધ્યાપક (1965-69) તરીકે, મેબરી રિસર્ચ પ્રાધ્યાપક (1969-77) – વેસ્ટર્ન રિઝર્વ વિશ્વવિદ્યાલય, ક્લીવલૅન્ડ, ઓહાયોમાં સંશોધન કર્યાં. 1977માં સધર્ન કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલય (USC) લૉસ એન્જેલસના લોકર હાઇડ્રોકાર્બન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિશિષ્ટ પ્રાધ્યાપક (distinguished professor) તથા 1980માં ડિરેક્ટર બન્યા. અમેરિકામાં હાઇડ્રોકાર્બન સંશોધન માટેની આ પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે. તેમણે 1,000 જેટલા વૈજ્ઞાનિક સંશોધન-લેખો લખ્યા છે તથા 100થી વધુ પેટન્ટો મેળવી છે.
પ્રક્રિયા-પ્રક્રમના અભ્યાસ દ્વારા સંશ્લેષણ માટેની નવી અને પ્રમાણમાં સસ્તી રીતો શોધી કાઢવાનો પ્રયત્ન ઓલાહે કર્યો છે. મીરવાઇન નામના રસાયણજ્ઞ પાસેથી પ્રેરણા લઈને ઓલાહે અલ્પજીવી માધ્યમિક ધનાયન(transient cationic intermediate)ની શક્યતા અંગે સંશોધન શરૂ કર્યું. આ માધ્યમિકો હવે કાર્બોકૅટાયનો (અથવા કાર્બોનિયમ આયનો) તરીકે જાણીતાં થયાં છે. તેમણે દ્રાવક પ્રણાલી તરીકે ઍન્ટિમની ફ્લોરાઇડ (SbF5) સૌપ્રથમ વાપરવી શરૂ કરી. સને 1962માં બ્રુકહેવન કાર્બનિક પ્રક્રિયા-પ્રક્રમ કૉન્ફરન્સમાં સૌપ્રથમ દીર્ઘાયુષી કાર્બોકૅટાયન ક્ષાર તૃ. બ્યુટાઇલ હેક્ઝાફલોરોઍન્ટિયોનેટ (V) (CH3)3C+ [SbF6]– બનાવ્યાની જાહેરાત કરી. આવા કાર્બોકૅટાયન અંગે તે વખતના ખૂબ જાણીતા રસાયણજ્ઞો વિનસ્ટાઇન અને હર્બર્ટ બ્રાઉને પણ શંકા દર્શાવેલી. ઓલાહે રાસાયણિક રીતે તેમજ સ્પેક્ટ્રમિતિ દ્વારા કાર્બોકેટાયનનું અસ્તિત્વ પ્રસ્થાપિત કર્યું. તેમણે દીર્ઘજીવી કાર્બોકૅટાયનો મેળવવા નવી નવી રીતો તથા દ્રાવકો શોધી કાઢ્યાં. NMR સ્પેક્ટ્રા દ્વારા હવે આવાં કાર્બોકેટાયનોનું અસ્તિત્વ નિ:શંક પ્રસ્થાપિત થયું છે.
સલ્ફ્યુરિક ઍસિડ કરતાં કરોડોગણા પ્રબળ ઍસિડો ઓલાહે શોધ્યા જેના દ્વારા દીર્ઘજીવી કાર્બોકૅટાયનો મેળવી શકાયાં. આવા ઍસિડોને તેમણે ‘અતિ ઍસિડ’ (superacids) તરીકે ઓળખાવ્યા. દા.ત., ફ્લોરોસલ્ફોનિક ઍસિડ (FSO3H), ટ્રાઇફ્લિક ઍસિડ (CF3SO3H), [પ્રોટીક ઍસિડનો વર્ગ]; HF – SbF5, FSO3H-SbF5, CF3SO3H-SbF5, CF3SO3H-B(O3SCF3)3 [કૉન્જૂગેટ (સંયુગ્મીન) ઍસિડનો વર્ગ]; AsF5, TaF5, NbF5, B(O3SCF3)3 વગેરે ફ્લોરાઇડસ. આ બધાં સુપરઍસિડો છે. FSO3H-SbF5 મૅજિક ઍસિડ કહેવાય છે.
ઓલાહના સંશોધનનો વ્યાવહારિક ઉપયોગ નબળાં જ્વલનશીલ, સરળ શૃંખલાવાળાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનોનું નાના વિભાગોમાં ખંડન કરીને તેમને સસ્તા પેટ્રોલમાં ફેરવવાની રીતમાં છે. કોલસાના વિનાશક નિસ્યંદન દ્વારા હાઇડ્રોકાર્બનો મેળવી તેમને શૃંખલાયુક્ત બનાવવાના મૂળગામી અભિગમો તથા વિવિધ પ્રક્રિયાઓ તથા તેમના પ્રક્રમોનું શોધવાનું સંશોધન ખૂબ આશાસ્પદ છે. ઓલાહે સ્થાયી કાર્બોકૅટાયનોના રસાયણનો પાયો નાંખ્યો છે તથા ઇલેક્ટ્રૉન અનુરાગી હાઇડ્રોકાર્બન રૂપાંતરણો કેવી રીતે થઈ શકે તે બતાવ્યું છે. નવતર સુપર-ઍસિડની મદદથી તેમણે કાર્બનની ચોક્કસ સંજોગોમાં પાંચ યા વધુ પડોશી પરમાણુઓ સાથે એકસાથે જોડાવાની ક્ષમતા શોધી કાઢી. આ ઘટનાને તેઓ કાર્બનનું હાઇપર-કોઑર્ડિનેશન કહે છે. આના દ્વારા મિથેન સહિત સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું તેનાથી ઉચ્ચ, વધુ ઉપયોગી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર શક્ય બને છે. આ ઉપરાંત તેમણે નીચા તાપમાને સરળ શૃંખલાવાળાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનોનું સમવયીકરણ તથા તેમનાં શૃંખલાયુક્ત સંયોજનો બનાવવાની પ્રવિધિઓ વિકસાવી છે, જેના પરિણામે સીસા-મુક્ત ગૅસોલીનના ઑક્ટેન રેટિંગમાં વધારો કરી શકાય. એલિફેટિક તથા એરોમૅટિક હાઇડ્રોકાર્બનના નાઇટ્રેશનનો અભ્યાસ, ઉચ્ચ-ઊર્જા ધરાવતાં નાઇટ્રો-કાર્બનિક સંયોજનો તથા તે કેવી રીતે બને છે તે અંગેના પ્રક્રમોના સંશોધન હાલમાં ચાલુ છે. 1994નું નોબેલ પારિતોષિક ઓલાહને સુપરઍસિડો તથા કાર્બોકૅટાયન રસાયણ માટે એનાયત થયું છે.
તેમનાં પુસ્તકો પૈકી, ‘ઇન્ટ્રોડક્શન ટુ થિયોરેટિકલ ઑર્ગેનિક કેમિસ્ટ્રી’ (જર્મન ભાષામાં) (1960); ‘ફ્રિડેલ-ક્રાફ્ટ્સ ઍન્ડ રિલેટેડ રિઍક્શન્સ’; ‘કાર્બોકૅટાયન્સ ઍન્ડ ઇલેક્ટ્રોફિલિક રિઍક્શન્સ’ તથા પોલ શ્ર્લેયર સાથેના ‘કાર્બોનિયમ આયન્સ (ખંડ I-IV)’ ઉલ્લેખનીય છે.
જ. પો. ત્રિવેદી