ઓલપ્પમન્ન (જ. 10 જાન્યુઆરી 1923, ઓલપ્પમન્ન મના, જિ. પાલઘાટ, કેરળ; અ. 10 એપ્રિલ 2000) : મલયાળમ કવિ. તેમના ‘નિષ્લાન’ નામક કાવ્યસંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો એવૉર્ડ મળ્યો છે.

ઓલપ્પમન્ન
તેમનો પરિવાર કલાપ્રેમ તથા સ્વાતંત્ર્ય-આંદોલનમાંના સક્રિય સહયોગ માટે ખૂબ પ્રખ્યાત હતો. હાલ પાલઘાટમાં નિવાસ કરી ખેતી તથા રબર-ઉત્પાદનમાં તેઓ રસ લઈ રહ્યા છે.
વિપુલ સર્જન કરનાર આ કવિની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ તેઓ હાઇસ્કૂલમાં હતા ત્યારથી જ થયો. તેમણે 19 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે અને તેમને એવૉર્ડ પણ અનેક મળ્યા છે; તેમાં ઉલ્લેખનીય તે કેરળ સાહિત્ય પરિષદનો એવૉર્ડ છે. કેરળના સાહિત્યિક તથા સાંસ્કૃતિક જીવનમાં તે સક્રિયતાથી ભાગ લેતા રહ્યા છે અને કેરળ કલામંડલમના ઉપાધ્યક્ષ તથા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ સાહિત્ય-પ્રવર્તક કો-ઑપરેટિવ સોસાયટીના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા. તેમણે કેરળની સંગીત નાટક તેમજ સાહિત્ય અકાદમી એ બંને સંસ્થાઓની તેમજ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ કલ્ચરલ રિલેશન્સની પ્રવૃત્તિઓમાં નિર્ણાયક ફાળો આપ્યો છે.
મલયાળમ ભાષાની તેમની આ પુરસ્કૃત કૃતિમાં તેમનાં અદ્યતન કાવ્યોનો સંગ્રહ છે. સૂક્ષ્મ સૌંદર્યગ્રાહિતા તેમજ વાસ્તવ અને રંગદર્શિતાને એકરસ કરતી શૈલી એ આ સંગ્રહની લાક્ષણિકતા છે. સુરુચિપૂર્ણ રચનાકૌશલ્ય તથા ભરચક અને સંસ્કારી સંવેદનશીલતા જેવી વિશેષતાને કારણે આ કાવ્યસંગ્રહ મલયાળમ કાવ્યસાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન મનાય છે.
મહેશ ચોકસી