ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ (જ. 26 એપ્રિલ 121, ઇટાલી; અ. 17 માર્ચ 180, વિયેના, ઑસ્ટ્રિયા) : નિગ્રહી (stoic) તત્ત્વચિંતક, રોમન બાદશાહ. તે ધનવાન કુટુંબમાં જન્મ્યો હતો અને બાદશાહ હેડ્રિયને તેને ભાવિ રોમન શાસક તરીકે પસંદ કર્યો હતો. વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા તેને વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવ્યું હતું. એપિક્ટેટસે ઉદબોધેલ નિગ્રહવાદ અને તજ્જન્ય સમદર્શિતા ઓરેલિયસના જીવનમાં છવાઈ ગયેલાં હતાં. 1૩8માં એન્ટોનિનસ પાયસે તેને દત્તક લીધો હતો. 161માં તે રોમનો પાદશાહ બન્યો. તેનું સાસન ફિલસૂફ પ્લેટોએ કલ્પેલું ‘આદર્શ નગરરાજ્ય’ બનશે એવી ધારણા બંધાઈ. કારણ કે તે તત્વચિંતક શાસક હતો.
તે રોમન સામ્રાજ્યનો કાર્યરત અને ઉદ્યમી સમ્રાટ હતો. પૂર, દુષ્કાળ, રાજકીય બળવા જેવા કટોકટીના પ્રસંગોએ કાયદો અને સામાજિક વ્યવસ્થા જાળવી રાખવામાં તે સફળ બન્યો. તે પોતાની જાતને પ્રજાનો સેવક માનતો. નાગરિકોની નોંધણી, જાહેર ખર્ચમાં ઘટાડો, નીતિમત્તાનાં ધોરણો સાચવવાં વગેરે કાર્યોમાં તે સતત રોકાયેલો રહેતો. તે સ્ટૉઇક વિચારસરણીનો હિમાયતી હતો અને ધ્યાન તથા અભ્યાસમાં ઘણો સમય ગાળતો. તેનો સમય રોમન સામ્રાજ્યનો સુવર્ણકાળ કહેવાતો. તેના પછી રોમન સામ્રાજ્યમાં અવ્યવસ્થાનો ગાળો શરૂ થયો હતો.
તેણે યુદ્ધની છાવણીઓમાં લખેલ ‘મેડિટેશન્સ’ ગ્રીક ભાષાની એક સુંદર સાહિત્યકૃતિ છે. તેના બાર વિભાગ છે. તેનું ચિંતન એકાંતમાં માણસના આત્મમંથન અથવા સ્વગતોક્તિ સમાન છે. એપિક્ટેટસે તેને વિધાતા(providence)માં માનતો કર્યો હતો. તર્કવિચારને તે પૂજે છે. ‘હિસ્ટોરિયા ઑગસ્ટા’માં તેના જીવન વિશેની હકીકતો છે પણ તેની વિચારધારાને સમજવા માટે તેમાં કશી સામગ્રી નથી.
જ. જ. જોશી
કૃષ્ણવદન જેટલી