ઓરુ દેશાથિન્તે તેયા (1972) : એસ. કે. પોટ્ટેક્કાટ લિખિત મલયાળમ નવલકથા. આ નવલકથાને કેરળ સાહિત્ય અકાદમી એવૉર્ડ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવોર્ડ(1972)થી નવાજવામાં આવેલ. કાલીકટ નજીકના અથિરાનિપ્પદમ્ નામના પરગણાના ત્રણ દશકા સુધીના સમયગાળાના શ્રમજીવીઓના જીવનનો ચિતાર આપતી આ કથા છે. અહીં મહાનગરની હરણફાળમાં એક ગ્રામીણ વસ્તી હતી-ન-હતી થઈ જાય છે. શ્રીધરણ મુખ્ય પાત્ર છે અને તે તાડીવાળા, સુથાર, કડિયા, ચાની કીટલીવાળા અને લાકડાં વહેરનારાઓની વચમાં પોતાના અનુભવોનું બયાન કાવ્યમય શૈલીમાં કરે છે. છેક બાલ્યકાળથી પુખ્ત ઉંમરે પહોંચેલા શ્રીધરણે કૉલેજનું શિક્ષણ મેળવ્યું છે અને આ બધાંની વચ્ચે જાતનું અવલોકન અને વાસ્તવિક જીવનને નજીકથી જોયું-અનુભવ્યું છે. તે પ્રેમરહસ્ય અને જાતીય આકર્ષણ, પ્રકૃતિદર્શન અને કવિતા તથા સામાજિક વાસ્તવિકતાનું ઝીણું અવલોકન કરે છે. અતિશયોક્તિવાળો કુલૂઝ પરંગોદાન, ગપ્પીદાસ કિટ્ટન, લશ્કરી અનુભવોનું બયાન કરતો શ્રીધરણનો ભાઈ કુંજાપ્પુ, બનાવટી દસ્તાવેજો ઊભા કરનાર ઍન્ડી, છોકરીઓની મશ્કરી કરનાર બલ્લન અને અથિરાનિપ્પદમની અથથી ઇતિ સુધીની તમામ વિગતોથી માહિતગાર વેળુ આ નવલકથાનાં બહુવિધ પાત્રોમાંનાં કેટલાંક છે. એક વખતના ધનાઢ્ય પણ હવે કંગાલ હાલતમાં આવી પડેલ કુંજીક્કેલુ મેલનનું પાત્ર ખૂબ ઝીણવટભરી રીતે આલેખાયું છે. આમ આ નવલકથાની વ્યાપ્તિ અને પાત્રવિવિધતાનું ફલક વિશાળ છે. શ્રીધરણના સ્વાનુભવ અને બદલાતી જતી સામાજિક વાસ્તવિકતાની અહીં કલાત્મક અભિવ્યક્તિ થઈ છે. વિકસતું જતું કાલીકટ જે એક પરગણાના ગામડાને હોઇયાં કરી ગયું તેની પશ્ચાદભૂમાં માનવના મનોભાવની અભિવ્યક્તિ અહીં કરવામાં આવી છે. આ નવલકથાનો નાયક શ્રીધરણ પોતે જ અહીં પોતાના જીવનની કથા રજૂ કરે છે. તેથી તે અનુભવનિષ્ઠ સત્યકથાનું બળ દાખવે છે. આ નવલકથાના શીર્ષકનો અર્થ થાય છે એક શેરીની વાર્તા. અહીં ગામડું મહાનગરની એક ગલી બનતું જાય છે. આ કથા કેવળ કેરળ પ્રદેશ પૂરતી મર્યાદિત ન રહેતાં સમગ્ર ભારતની કથા બને છે.
ચન્દ્રકાન્ત મહેતા
વિ. પ્ર. ત્રિવેદી