ઓબોટે, ઍપોલો મિલ્ટન (જ. 28 ડિસેમ્બર 1924, યુગાન્ડા; અ. 10 ઑક્ટોબર 2005, જોહાનીસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : યુગાન્ડાના રાષ્ટ્રવાદી નેતા, સ્વાધીનતા સેનાની, પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રપ્રમુખ. તેમની રાજકીય પ્રવૃત્તિઓને લીધે કૉલેજમાંથી બરતરફ થયા. 1950માં કેન્યામાં જઈ કેનિયા આફ્રિકન યુનિયનના સ્થાપક સભ્ય બન્યા. 1952માં નૅશનલ કૉંગ્રેસ પાર્ટીની સ્થાપના થતાં તેમાં જોડાયા. 1957માં યુગાન્ડા પાછા ફર્યા તથા યુગાન્ડા નૅશનલ કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા. 1958માં વિધાન પરિષદમાં ચૂંટાયા. યુગાન્ડામાં બુગાન્ડાને સામેલ રાખવાની બાબતમાં વિવાદ થતાં નૅશનલ કૉંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડતાં ઓબોટેએ યુગાન્ડા પીપલ્સ કૉંગ્રેસ પક્ષની સ્થાપના કરી, જેનો મુખ્ય ઉદ્દેશ યુગાન્ડામાંથી બુગાન્ડાને બાકાત રાખવાનો હતો.
1961માં બુગાન્ડાને યુગાન્ડાના સમવાયતંત્રના એકમ તરીકે સ્વીકારવા અંગે સમાધાન થતાં યુગાન્ડા પીપલ્સ કૉંગ્રેસના નેજા હેઠળ રચાયેલી મિશ્ર સરકારમાં પ્રધાનમંત્રી બન્યા. 1966માં બુગાન્ડાના પ્રશ્ને ઉત્તેજના વધી, ઓબોટેના સૈનિકોએ બુગાન્ડાના રાજપ્રાસાદ પર હુમલો કર્યો, જેને પરિણામે રાજાએ ઇંગ્લૅન્ડમાં શરણું લીધું. ઓબોટેએ બુગાન્ડાની અલાયદી સરકાર નાબૂદ કરી તથા દેશમાં રાજકીય સત્તાના કેન્દ્રીકરણની નીતિ અખત્યાર કરી. પોતાની સત્તાને અધિકૃતતા અર્પવાના ઇરાદાથી 1967માં ઓબોટેએ દેશ માટે નવા બંધારણની પહેલ કરી. 1969-70માં તેમણે ‘કૉમન મૅન્સ ચાર્ટર’ મારફત ડાબેરી વિચારસરણી અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો. લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ તેનો વિરોધ કર્યો અને રાજાશાહીનું સમર્થન કરતાં બુગાન્ડાનાં બળોના સહકારથી 1971માં ઇદી અમીનના નેતૃત્વ હેઠળ લશ્કરી બળવો થયો. સિંગાપુરની મુલાકાતે ગયેલા ઓબોટેને તેની જાણ થતાં તેમણે ટાન્ઝાનિયામાં રાજકીય શરણું લીધું. 1979માં યુગાન્ડાનાં રાષ્ટ્રવાદી બળોએ ટાન્ઝાનિયાના લશ્કરની મદદથી ઇદી અમીનની નિરંકુશ સત્તાનો અંત આણ્યો, ઇદી અમીન દેશ છોડીને ભાગી ગયા અને નવેસરથી રચવામાં આવેલા યુગાન્ડા નૅશનલ લિબરેશન ફ્રન્ટના નેજા હેઠળ કામચલાઉ સરકારો રચવાના પ્રયાસ થયા. આ પ્રયાસો નિષ્ફળ જતાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવી. મે, 1980માં ઓબોટે સ્વદેશ પાછા ફર્યા અને રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા. તેમના નેતૃત્વ હેઠળ યુગાન્ડામાં બહુપક્ષીય સંસદીય લોકશાહી રાજ્યવ્યવસ્થાનો તથા અર્થવ્યવસ્થાનો ઝડપી વિકાસ હાથ ધરવામાં આવ્યો. જુલાઈ, 1985માં ટિટો ઓકેલોના નેતૃત્વ હેઠળ લશ્કરી બળવો થયો અને તેમાં ઓબોટેને સત્તાસ્થાનેથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ પ્રથમ કેન્યા અને ત્યારબાદ ઝાંબિયામાં દેશનિકાલ ભોગવ્યો હતો અને ત્યાંથી તેમણે પોતાના પક્ષને નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે