ઓબર્હુબર, ઑસ્વાલ્ડ (જ. 1 ફેબ્રુઆરી 1931, ટિરોલ, ઑસ્ટ્રિયા; અ. 17 જાન્યુઆરી 2020 વિયેના, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1945માં ઇન્સ્બ્રૂકની ટૅક્નિકલ સ્કૂલમાં શિલ્પનો અભ્યાસ શરૂ કર્યો. 1950માં વિયેના એકૅડમી ઑવ્  આર્ટમાં પ્રો. ફ્રિટ્ઝ વૉર્ટુબા હેઠળ ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો.

આ પછી 1952માં સ્ટુટગાર્ટમાં પ્રો. વીલી બૉમિસ્ટર હેઠળ ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1957 લગી ઓબર્હુબરે વાસ્તવ-આભાસી આકૃતિઓનું ચિત્રણ કર્યું, પણ 1958થી અમૂર્ત ચિત્રણ શરૂ કર્યું. 1964થી 1968 સુધી સ્થાપત્યને લગતા જર્મન સામયિક ‘બાઉ’(BAU)ના સંપાદક રહ્યા. 1966થી શરૂ કરીને પોતાનાં ચિત્રોની સપાટી પર વાક્યો અને શબ્દો લખવા શરૂ કર્યાં. 1966માં પોતાનાં ચિત્રોનું પ્રદર્શન વિયેનામાં કર્યું. 1968માં ‘ઓબર્હુબર ઝીટુન્ગ’ નામનું છાપું શરૂ કર્યું. 1971માં તેમણે ગ્રાઝ ખાતે પોતાનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન કર્યું. 1972માં તેમણે વૅનિસમાં ચિત્રો પ્રદર્શિત કર્યાં. 197૩માં વિયેનાની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટમાં પ્રોફેસર નિમાયા. 197૩માં બાઝેલ ખાતે પોતાનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન કર્યું. 1977માં કાસેલ ખાતે યોજાયેલા ગટેના નાટક ‘ફૉસ્ટ’ માટે રંગમંચસજ્જા કરી. 1979થી 1994 સુધી તેઓ વિયેના ખાતેની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટના આચાર્ય રહ્યા. 1981માં ઇટાલીના ફેરારા નગરમાં, 198૩માં સાઓ પાઓલોમાં, 1986માં વિયેનામાં, 1987માં લિન્ઝમાં અને ફ્રેંકફર્ટમાં તથા 1988માં ડુસેલ્ડૉર્ફમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં.  તેઓ વિયેનામાં રહી કલાસર્જન કરતા હતા

અમિતાભ મડિયા