ઓબર્થ હર્મન (જૂલિયસ) (જ. 25 જૂન 1894, નાગ્યસ્ઝબેન ઑસ્ટ્રિયા, હંગેરી; અ. 28 ડિસેમ્બર 1990 પશ્ચિમ જર્મની) : અર્વાચીન અંતરીક્ષયાનવિદ્યા-(astronautics)ના સ્થાપકોમાંના એક જર્મન વૈજ્ઞાનિક. સુખી તબીબના પુત્ર. ઓબર્થે ન્યૂનિકમાં આયુર્વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો, પણ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે સૈન્યમાં જોડાવાને કારણે તેમાં વિક્ષેપ પડ્યો. યુદ્ધમાં ઘાયલ થવાને કારણે અંતરીક્ષયાનવિદ્યા અંગેના સંશોધન માટેનો સમય મળ્યો. લાંબા અંતર માટેના પ્રવાહી-સંચાલિત રૉકેટની યોજના યુદ્ધકાલીન મંત્રીમંડળને મોકલી, પણ કપોલકલ્પિત ગણીને તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. આ યોજના ઉપરનો તેમનો મહાનિબંધ હેડલબર્ગ યુનિવર્સિટીએ પીએચ.ડી. પદવી માટે સ્વીકાર્યો નહિ; આ સંશોધનો તેમને ‘ધ રૉકેટ ઇન્ટુ ઇન્ટરપ્લૅનેટરી સ્પેસ’ નામે પ્રસિદ્ધ કર્યાં. આ પુસ્તક દ્વારા તેમને સારી પ્રસિદ્ધિ મળી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળથી મુક્ત થવા માટે રૉકેટે જરૂરી ઝડપ કેવી રીતે પ્રાપ્ત કરવી તે અંગેનું ગણિત તેમણે આ પુસ્તકમાં ચર્ચ્યું છે.

હર્મન ઓબર્થ (જૂલિયસ)

1922 સુધી યુ.એસ.ના રૉબર્ટ ગોડાર્ડ અને 1925 સુધી રશિયાના કૉન્સ્ટન્ટીન ત્સીઓલ્કોસ્કીના આ વિષય અંગેના કાર્યથી તેઓ અપરિચિત હતા. તેમણે બંને સાથે પત્રવ્યવહાર કર્યો અને અવકાશ ઉડ્ડયન અંગેનાં સમીકરણો નિગમિત કરવાના તેમના કાર્યની અગ્રિમતા સ્વીકારી. ઓબર્થના પુસ્તક ‘Wegezu Raumschiffahrt’ (1929) ‘Ways to Space flight’(1972)ને 10,000 ફ્રાંકનું રૉબર્ટ ઇઝનોલ્ટ પૅલેટરી ટેન્ડ્રે હીર્શ પારિતોષિક મળ્યું.

19૩1માં ઓબર્થને પ્રવાહી-સંચાલિત રૉકેટ માટેની રૂમાનિયન પેટન્ટ મળી અને 7મે 19૩1ના દિવસે બર્લિન નજીક પ્રથમ રૉકેટ છોડવામાં આવ્યું. 1940માં તેઓ જર્મન નાગરિક બન્યા અને 1941માં પીને યુન્ડેના જર્મન રૉકેટ વિકાસ કેન્દ્રમાં જોડાયા; ત્યાં તેમના અગાઉના મદદનીશ વર્નર ફોન બ્રોન સાથે કાર્ય કર્યું. 194૩માં તેમણે ઘન-સંચાલિત ઍન્ટિએરક્રાફ્ટ રૉકેટો પર સંશોધનકાર્ય કર્યું. યુદ્ધ પછી સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીમાં થોડો સમય સંશોધન કરીને 1955થી નિવૃત્ત થતાં સુધી યુ.એસ.માં અવકાશ સંશોધનકાર્ય કર્યું. 1962થી નુર્નબર્ગ નજીક ફ્રેન્કટ ગામમાં સ્થાયી થઈને સૈદ્ધાંતિક અભ્યાસમાં કાર્યરત છે. 1959માં ‘Stuff and Leban’ (Material and Life) નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તેમાં તેમણે આત્મા જેવા મનુષ્યજીવનના અગત્યના પાસાને જડવાદ સમજાવી શકે તેમ નથી તેમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ