ઓપિક, અર્નેસ્ટ જૂલિયસ
January, 2004
ઓપિક, અર્નેસ્ટ જૂલિયસ (જ. 23 ઑક્ટોબર 1893, કુન્દા અસ્તોનિયા, રશિયા; અ. 10 સપ્ટેમ્બર 1985, આયર્લેન્ડ, યુ. કે.) : અસ્તોનિયન આઇરિશ ખગોળશાસ્ત્રી. રશિયાની વાયવ્ય દિશાએ બાલ્ટિક સમુદ્ર તરફ આવેલું અસ્તોનિયા, જે ‘અસ્તોનિયન સોવિયેટ સોશ્યલિસ્ટ રિપબ્લિક’ (અસ્તોનિયન એસ.એસ.આર.) તરીકે ઓળખાતું હતું, તે હવે સોવિયેત સોશ્યલિસ્ટ રિપબ્લિકમાંથી છૂટું પડી સ્વતંત્ર રાષ્ટ્ર બનેલ છે.
તારતૂ (Tartu) સ્ટેટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી 1916માં ઉઝબેકિસ્તાનમાંની તાશ્કંદ વેધશાળામાં અને પછી 1918માં મૉસ્કો યુનિવર્સિટી વેધશાળામાં જોડાયા. એ પછી ઉત્તરોત્તર બઢતી સાથે પુન: તારતૂ યુનિવર્સિટીમાં જ ખગોળશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા; ત્યાં 1944 સુધી રહ્યા. વચ્ચે ચારેક વર્ષ યુનાઇટેડ સ્ટેટ્સની હાર્વર્ડ કૉલેજ વેધશાળામાં અધ્યયન-અધ્યાપન અર્થે રહી આવ્યા. એ પછી હેમ્બર્ગ અને જર્મન બાલ્ટિક યુનિવર્સિટીમાં કામ કર્યું. ત્રણ વર્ષ બાદ ઉત્તર આયર્લૅન્ડમાં આવેલી વેધશાળામાં જોડાયા બાદ એના મુખ્ય સંચાલકપદે નિમાયા. ઉત્તર આયર્લૅન્ડમાં સ્થાયી થવા ઉપરાંત, 1956થી યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો નાતો પણ કાયમી બન્યો અને ત્યાંની મેરીલૅન્ડ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. આ યુનિવર્સિટીમાં જ 1988માં એમને ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપકનું આસન (chair) આપવામાં આવ્યું. આમ ઉત્તર આયર્લૅન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ એમ બંને દેશોમાં તેમણે સમવર્તી હોદ્દા સંભાળ્યા હતા.
ઓપિકને જે કેટલાંક માન-અકરામ મળ્યાં તેમાં 1975માં મળેલો રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીનો સુવર્ણચંદ્રક ઉલ્લેખનીય છે.
ઓપિકનું પ્રારંભિક સંશોધન ઉલ્કાના અભ્યાસ સંબંધી હતું. ઉલ્કાની ગણતરીમાં બે નિરીક્ષકો સાથે મળીને કામગીરી બજાવે એવું સૌપ્રથમ સૂચન કરનાર ઓપિક હતા. આ પદ્ધતિને દ્વિ-ગણના કે યુગ્મ-ગણના (double count) કહેવાય છે. ઉલ્કા-ગણના તથા ઉલ્કાના અભ્યાસમાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી પુરવાર થયેલી છે.
આ ઉપરાંત, અત્યંત વેગથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં ઉલ્કા કે ઉલ્કાપથ્થરોની સપાટી પર થતી અસરોનો એમણે ઘણો ઊંડો અભ્યાસ કર્યો. આવા પિંડો પૃથ્વીના વાતાવરણના ઘર્ષણમાં આવે ત્યારે સળગી ઊઠે છે. એમનાં બાહ્ય પડો પર ઘસારો યા અપક્ષરણ (ablation) થવા ઉપરાંત ઉત્તરોત્તર ખવાણ થતું જોવા મળે છે. ઉલ્કાની જેમ, માનવસર્જિત રૉકેટ યા અંતરિક્ષયાન પણ પૃથ્વીના વાતાવરણમાં પુન: પ્રવેશે ત્યારે આ જ રીતે સળગી ઊઠે છે. અપક્ષરણ કે ખવાણ જેવી અસરો ઓછી અનુભવાય યા નાબૂદ કરી શકાય તે માટે ઉષ્મા-વિક્ષેપી સપાટીઓ (heat-deflective surfaces) કે ઉષ્મા-પરિરક્ષકો (heat-shields) જેવી પ્રયુક્તિઓ યોજવામાં આવે છે. આવી પ્રયુક્તિઓ યોજવામાં ઓપિકનાં આ સંશોધનો અંતરિક્ષ-વૈજ્ઞાનિકોને સહાયરૂપ નીવડ્યાં છે.
ઓપિકનું બીજું મહત્વનું પ્રદાન સૂર્યની પરિકમ્મા કરતા ધૂમકેતુઓ સંબંધી છે. 1930માં ઓપિકે સૂચવ્યું કે આ પૈકી કેટલાક ધૂમકેતુઓની ભ્રમણકક્ષાનો સૂર્યથી મહત્તમ અંતરે આવેલો દૂરસ્થ છેડો – અપસૌર બિંદુ (aphelion) સૂર્યથી એકાદ પ્રકાશવર્ષ જેટલા અંતરે હોવો જોઈએ. એમની આ સ્વીકૃત ધારણાએ પાછળથી બહુચર્ચિત ‘ઓપિક-ઊર્ત વાદળ’ નામના ધૂમકેતુઓના વિશાળ ભંડારરૂપ મેઘની કલ્પનાને સાકાર કરી. (જુઓ ઓપિક-ઊર્ત વાદળ.)
ઓપિકે ઉલ્કાઓ તથા ઉલ્કાપથ્થરો તેમજ ધૂમકેતુઓ સંબંધી લગભગ અડધી સદીથી પણ વધુ સમય સંશોધન કર્યું. આ ઉપરાંત લઘુગ્રહો, યુગ્મતારાઓ અને કૉસ્મિક વિકિરણ ઉપર તથા તારક પ્રકાશમાપન (stellar photometry) વગેરે જેવા સંખ્યાબંધ ખગોળીય વિષયો ઉપર એમણે મહત્વનાં સંશોધન કરેલાં છે.
સુશ્રુત પટેલ