ઓ’નીલ, યુજેન (ગ્લેડ્સ્ટોન) (જ. 16 ઑક્ટોબર 1888, ન્યૂયૉર્ક; અ. 27 નવેમ્બર 1953, બૉસ્ટન) : વિખ્યાત અમેરિકન નાટ્યકાર અને નોબેલ પારિતોષિક વિજેતા. પિતા જેમ્સ ઓ’નીલ સારા અભિનેતા હતા. એમની સાથે પ્રવાસી નાટ્યકંપનીમાં ફરવાને કારણે અને નાનપણથી જ નાટકમાં નાનાં પાત્રો ભજવવાને કારણે નાટકમાં અભિરુચિ. શરૂઆતનો અભ્યાસ ખાનગી શિક્ષકો દ્વારા. ત્યારપછી પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો પણ ગ્રેજ્યુએટ થઈ શક્યા નહીં.

યુજેન ઓ’નીલ

1907 પછીનાં થોડાં વર્ષો દરમિયાન નાવિક તરીકે અમેરિકા ઉપરાંત ઇંગ્લૅન્ડ અને આફ્રિકાનો વ્યાપક પ્રવાસ કર્યો. ત્યારપછી થોડો સમય એક છાપામાં પત્રકાર તરીકેની કામગીરી બજાવી. પરંતુ આ દરમિયાન ટી.બી.નો ભોગ બન્યા અને ઇસ્પિતાલમાં જ નાટ્યલેખનનો રસ કેળવાયો અને તેમણે નાટ્યલેખનને પૂરી ગંભીરતાથી અપનાવ્યું. 1914માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રો. જ્યોર્જ બેકરના હાથ નીચે નાટ્યલેખનની તાલીમ લીધી. 1916માં ‘પ્રૉવિન્સ ટાઉન પ્લેયર્સ’ નામની અવેતન રંગભૂમિની સંસ્થાએ એમને નાટ્યલેખક તરીકે રજૂ કર્યાં. નાટ્યલેખન માટે ચાર ચાર વખત પુલિત્ઝર પારિતોષિક અને 1936માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર આ મહાન નાટ્યકારનાં મહત્વનાં નાટકો નીચે મુજબ છે : ‘બિયૉન્ડ ધ હોરાઈઝન’ (1920), ‘ધ એમ્પરર જૉન્સ’, ‘એના ક્રિસ્ટી’ (1921), ‘ધ હેરી એપ’ (1922), ‘ઑલ ગૉડ્ઝ ચિલ્ડ્રન ગૉટ વિંગ્સ’ (1924), ‘ડિઝાયર અંડર ધ એલ્મ્સ’ (1924), ‘ધ ગ્રેટ ગૉડ બ્રાઉન’ (1926), ‘લાઝારસ લાફડ’ (1927), ‘માર્કો મિલિયન્સ’ (1928), ‘સ્ટ્રેન્જ ઇન્ટરલ્યૂડ’ (1928), ‘મૉર્નિંગ બિકમ્સ ઇલેક્ટ્રા’ (1931), ‘આહ વીલ્ડરનેસ’ (1933), ‘ધ આઇસમૅન કમેથ’ (1946), ‘લૉન્ગ ડેઝ જર્ની ઇન્ટુ નાઇટ’ (1956) અને ‘અ ટચ ઑવ્ ધ પોએટ’ (1958).

બે વખતના નિષ્ફળ લગ્નજીવન પછી કારલોટા નામની અભિનેત્રી સાથે ત્રીજું લગ્ન કરીને સ્થાયી થયા. દેખાવે શરમાળ, સ્વભાવે સૌમ્ય, નરમ અવાજ અને બેથી ત્રીજા માણસની હાજરીમાં અસ્વસ્થ થઈ જનાર યુજેન માટે એમ કહેવાતું કે તેની આસપાસ રહસ્યમય વિષાદનું વાદળ છવાયેલું રહેતું.

યુજેનની લેખક તરીકેની કારકિર્દી તીવ્ર વૈચારિક સંઘર્ષની ગાથા છે. છેલ્લા સૈકા દરમિયાન વિકસતા અમેરિકાના રાજકીય ને સામાજિક પ્રશ્નો અને સમાજના નાનામાં નાના માણસની વ્યથાને એમણે બરોબર ઝીલ્યાં છે.

શરૂઆતનાં નાટકોમાં રોમેન્ટિક સ્વપ્નો જોતાં, એ પામવાની મથામણ કરતાં, નિષ્ફળ જતાં અને વેદના અનુભવતાં પાત્રો છે. બીજા તબક્કામાં અમેરિકન ભૌતિકવાદનું નિરૂપણ અને લાઝારસની રહસ્યમયતાનાં નાટકો લખ્યાં. પછીનાં નાટકોમાં માનવચિત્તની વિકૃતિઓ, ભ્રમ, સપનાંની વિચ્છિન્નતા, સામાજિક કરુણતા, વિસંગતિ અને ઐતિહાસિક પરંપરાનું નિરૂપણ અને અંતિમ તબક્કાનાં નાટકોમાં આ દુ:ખ અને વેદનાને અતિક્રમી જવાની મથામણ છે. 1923માં એમના નાટક ‘એના ક્રિસ્ટી’ પર આધારિત મૂક ચિત્રપટ ઊતર્યું હતું. ત્યારથી આજ સુધી એમનાં અનેક નાટકો પરથી સફળ ફિલ્મો બની છે.

તેમનાં કાવ્યોના સંગ્રહ ‘પોએમ્સ’ (1980)નું મરણોત્તર પ્રકાશન થયું છે.

સુભાષ શાહ