ઓડર-નીસે રેખા (Oder-Neisse Line) : બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની અને પોલૅન્ડની સરહદ નિર્ધારિત કરતી રેખા. 1919ની વર્સાઇલ્સની સંધિએ ઓડર નદીનું આંતરરાષ્ટ્રીય મહત્વ સ્વીકારી આંતરરાષ્ટ્રીય ઓડર કમિશનની નિમણૂક કરી હતી. 1945માં પોટ્સ્ડૅમ પરિષદે ઓડર-નીસે રેખાને યુદ્ધોત્તર જર્મનીની પૂર્વ તરફની કામચલાઉ સરહદ તરીકે જાહેર કરી હતી. તે પહેલાં યોજાયેલી યાલ્ટા પરિષદ(1945)માં ઓડર-નીસે રેખાને જર્મની તથા પોલૅન્ડ વચ્ચેની કાયમી સરહદ તરીકે સ્વીકારવાનો પ્રસ્તાવ રશિયાએ રજૂ કર્યો હતો, પરંતુ તેમ થતાં વિવાદગ્રસ્ત વિસ્તારમાં વસવાટ કરતા ઘણા જર્મન નાગરિકોને સ્થળાંતર કરવું પડે, પરિણામે જર્મન રાષ્ટ્રમાં તીવ્ર અસંતોષ ભભૂકી ઊઠે અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જોખમાય, એ બહાના હેઠળ ગ્રેટ બ્રિટન તથા અમેરિકાએ રશિયાના ઉક્ત પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો. પરંતુ યાલ્ટા તથા પોટસ્ડૅમ પરિષદના વચ્ચેના સમયગાળામાં રશિયા દ્વારા પ્રસ્તાવિત ઓડર-નીસે રેખાનો પૂર્વ તરફનો સમગ્ર વિસ્તાર રશિયાના લશ્કરે પોતાના કબજામાં લીધો હતો તથા તેનો વહીવટ પોલૅન્ડની રશિયાપરસ્ત કામચલાઉ સરકારને સોંપ્યો હતો. પોટસ્ડૅમ પરિષદમાં ઇંગ્લૅન્ડ તથા અમેરિકાના પ્રતિનિધિઓએ રશિયાના આ પગલાનો વિરોધ કર્યો, છતાં જર્મની અને પોલૅન્ડની કાયમી સરહદો નિર્ધારિત કરવાનું કાર્ય ભવિષ્યમાં યોજાનાર શાંતિ પરિષદને સોંપવામાં આવે એ શરતે અનિવાર્ય હકીકતો ધ્યાનમાં લઈને ઓડર-નીસે રેખાને કામચલાઉ સરહદ તરીકે માન્યતા આપી. દરમિયાન પોલૅન્ડના કબજા હેઠળ મૂકવામાં આવેલા વિસ્તારમાંથી જર્મન નાગરિકોને દેશનિકાલ કરવાની છૂટ પોલૅન્ડની સરકારને આપવા અંગે પોટસ્ડૅમ પરિષદમાં સમજૂતી સધાઈ.

જુલાઈ 1950માં જર્મન લોકશાહી પ્રજાસત્તાક (GDR) સરકારે ઓડર-નીસે રેખાને કાયમી સરહદ તરીકે માન્યતા આપવા પોલૅન્ડ સાથે નવી સંધિ કરી હતી. પશ્ચિમ જર્મનીને કાયમી સરહદ તરીકે આ રેખા માન્ય ન હતી, તેમ છતાં 1970માં રશિયા તથા પોલૅન્ડ સાથે કરેલાં અલગ અલગ સંધિપત્રો દ્વારા પશ્ચિમ જર્મનીએ પણ આ રેખાને કાયમી સરહદ તરીકે માન્યતા આપી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે