ઓટેલિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા જલજ કુળ હાઇડ્રૉકેરિટેસીની એક પ્રજાતિ. તે નિમજ્જિત (submerged) કે અંશત: તરતી શાકીય જાતિઓની બનેલી છે અને પુરોષ્ણકટિબંધીય (paleotropic) પ્રદેશો અને બ્રાઝિલમાં થાય છે. તેની બે જાતિઓ નોંધાઈ છે.
Ottelia alismoides Pers. માંસલ, શિથિલ (flaccid) જલજ શાકીય જાતિ છે અને ભારતમાં તળાવો, ખાબોચિયાં, ધીમાં વહેતાં ઝરણાં અને ડાંગરનાં ખેતરોમાં થાય છે. ગુજરાતમાં ધરમપુર, વલસાડ, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, હિંમતનગર પાસે હાથમતી નદી અને પ્રાંતિજ પાસે બોખમાં અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. પર્ણો વિવિધ આકારનાં, સાંકડાં કે લંબચોરસ અને ટોચ ઉપર જતાં ક્રમશ: શુંડાકાર (tapering) બને છે. તેઓ વર્તુળાકાર (orbicular), હૃદયાકાર (cordate) અથવા તલપ્રદેશેથી વર્તુળાકાર હોય છે. પુષ્પો સફેદ રંગનાં હોય છે અને નલિકાકાર પૃથુપર્ણ(spathe)માં ગોઠવાયેલાં હોય છે. બીજાશય ઘણાં સ્ત્રીકેસરોનું બનેલું, એકકોટરીય અને અધ:સ્થ હોય છે અને ચર્મવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પરિદલપુંજ (perianth) દીર્ઘસ્થાયી હોય છે. બીજ લંબચોરસ અને બીજાવરણ ગરયુક્ત હોય છે.
તેનાં પર્ણો અને પર્ણદંડો સરસ સુગંધ ધરાવે છે અને તેમનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. બાળકો દ્વારા તેનાં ફળ ખાવામાં આવે છે. જલધર(aquarium)માં ઉગાડતાં તે Etroplus sp. નામની માછલીની જાતિને ખોરાક પૂરો પાડે છે. વનસ્પતિ રક્તિમાકર (rubefacient) ગુણધર્મ ધરાવે છે. તેનાં પર્ણો મસામાં ઉપયોગી છે. તાવ આવે ત્યારે હાથે અને પગે તેની પોટીસ લગાડવામાં આવે છે.
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ