ઓટાવા કરાર (Ottawa Agreement) : 1932માં ઓટાવા, કૅનેડા ખાતે ઇમ્પીરિયલ ઈકોનૉમિક કૉન્ફરન્સમાં બ્રિટન અને તેનાં રાષ્ટ્રસમૂહનાં સંસ્થાનો વચ્ચે તે સમયે અમલી બનેલા આયાત જકાત અને પૂરક (supplement) વધારા તથા અન્ય વ્યાપારી લાભો, જે પહેલાં શાહી પસંદગીની નીતિના ભાગરૂપે સંસ્થાનો દ્વારા બ્રિટનને આપવામાં આવતા હતા તે, સંસ્થાનોને પણ પ્રાપ્ય બને તે માટે થયેલો કરાર. 1919 અને 1931માં બ્રિટને મુક્ત વ્યાપારનીતિનો ત્યાગ કર્યો. તેથી એ સંસ્થાનો દ્વારા જે લાભ બ્રિટનને મળતા હતા તે આ કરારથી પારસ્પરિક બન્યા; એટલે પહેલાં બ્રિટનમાંથી સંસ્થાનોમાં થતી નિકાસનો જે લાભ સંસ્થાનો આપતા તેવા લાભ હવે સંસ્થાનો બ્રિટનમાં જે નિકાસો કરે તેને પણ મળ્યા. રાષ્ટ્રકુટુંબનાં કેટલાંક સંસ્થાનોએ આવા પસંદગીયુક્ત કરારો તેમની વચ્ચે પણ કર્યા હતા.
પરાશર વોરા