ઓઝોન (O3) : ઑક્સિજનનું ત્રિપરમાણુક (triatomic) અપરરૂપ (allotrope). વીજળીના કડાકા પછી વાતાવરણમાંની તથા વીજળીનાં યંત્રોની આસપાસ આવતી વિશિષ્ટ વાસ અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થતા ઓઝોનને કારણે હોય છે (સૌપ્રથમ નોંધ 1785). ઓઝોનનું બંધારણ 1872માં નક્કી થયું હતું. શુષ્ક ઑક્સિજનને શાંત વિદ્યુત-ભાર(discharge)માંથી પસાર કરતાં લગભગ 10 % ઑક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર થાય છે. 3O2 → 2O3 આ પ્રક્રિયામાં 142 કિ. જૂલ/મોલ જેટલી ઊર્જા શોષાય છે. વિદ્યુત-ભારમાં તણખા થાય તો ઉષ્માને કારણે ઓઝોનનું વિઘટન થાય છે.

ઓઝોનાઇઝર

સામાન્ય ઉપયોગ માટે આટલું સાંદ્રણ પર્યાપ્ત છે. ઑક્સિજન-ઓઝોન મિશ્રણને ઠારતાં 25 % O3વાળું એક સ્થાયી સ્તર મળે છે. બીજું સ્તર ઘેરા જાંબલી રંગનું 70 % O3વાળું મળે છે, જે વિસ્ફોટનીય (explosive) હોય છે. શુદ્ધ O3 પ્રવાહી (ઉ.બિં. -1120 સે.) રૂપમાં ઘેરા વાદળી રંગનું અને વિસ્ફોટનીય હોય છે. ઘન ઓઝોન (ગ.બિં. -193 સે.) જાંબલી કાળા રંગનું હોય છે. ઓઝોનની વાસ વિશિષ્ટ પ્રકારની કંઈક દાહક (irritating) હોય છે. O3નું પ્રમાણ હવામાં 100 ppm ઉપર હોય તો વ્યક્તિને બેચેની થાય છે અને માથું દુ:ખે છે. ઉષ્માગતિકીય ર્દષ્ટિએ ઓઝોન અસ્થાયી છે. 2O3 → 3O2, ΔH = −142 કિ. જૂલ/મોલ છે. તાપમાન વધતાં વિઘટન ઝડપી થાય છે.

ઓઝોન અણુને નીચે પ્રમાણે દર્શાવી શકાય.

O-O અંતર 1.49 Δ અને O = O અંતર 1.21 Δ છે તેથી ઓઝોન અણુમાં દ્વિબંધનું પ્રમાણ વધુ છે. ઑક્સિજનની સરખામણીમાં ઓઝોનની ઘનતા 1.5 જેટલી છે. O3 ઉગ્ર ઉપચાયક છે. ફ્લોરિન, પરઝેનોન આયન, O પરમાણુ અને OH મૂલક જ તેનાથી વધુ પ્રબળ ગણાય. તે લેડ સલ્ફાઇડ(PbS)નું લેડ સલ્ફેટ (PbSO4) અને આયોડાઇડ આયન(I)નું આયોડિનમાં ઉપચયન કરે છે.

ઓઝોન વિરંજક (bleaching agent), જીવાણુનાશક, પાણીના નિર્જંતૂકરણ (sterilising) તથા અણગમતી વાસ અને સોડમ (flavour) દૂર કરવામાં વપરાય છે.

જયંતિલાલ જટાશંકર ત્રિવેદી