ઓજાપાલી : અસમિયા લોકનાટ્યનો એક પ્રકાર. એ ગીતનાટ્ય છે. એ નાટકમાં જે કથાનક પ્રસ્તુત થતું હોય છે તેને ‘પાંચાલી’ કહે છે. ઓજાપાલી બે પ્રકારનાં હોય છે. એકમાં રામાયણ, મહાભારત, તથા ભાગવતમાંથી ઘટનાઓ લેવામાં આવે છે. બીજા પ્રકારમાં શક્તિવિષયક કથાઓ પ્રસ્તુત થતી હોય છે. ઓજાપાલીમાં ઓછામાં ઓછાં પાંચ પાત્રો હોય છે. એમાં મુખ્ય પાત્ર ઓજા (ભુવો) હોય છે. તે નાટકમાં પ્રવક્તાનું કાર્ય કરે છે. ગીતની સાથે હાથની મુદ્રાઓ તથા પગના તાલ ચાલતા રહે છે. અન્ય પાત્રો ગાતી વખતે મંજીરાં વગાડતાં હોય છે. આ રીતે ઓજાપાલીમાં ગીત, નૃત્ય, વાદ્યવાદન, સંવાદ ઇત્યાદિનો સમન્વય હોય છે. ઓજાપાલી કોઈ ને કોઈ પ્રકારે બંગાળમાં પણ પ્રચલિત હતું. શંકરદેવે ઓજાપાલીને સંસ્કૃત નાટકોના જેવું પરિમાર્જિત રૂપ આપ્યું અને ઓજાપાલીનું ‘અંકિયાનાટ’ નામકરણ કર્યું.
ઇન્દિરા ગોસ્વામી
અનુ. ચન્દ્રકાન્ત મહેતા