ઓ’કીફી, જ્યૉર્જિયા (જ. 15 નવેમ્બર 1887, વિસ્કૉન્સિન, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા; અ. 6 માર્ચ 1986, ન્યૂ મેક્સિકો, યુ. એસ.) : આધુનિક અમેરિકન મહિલા-ચિત્રકાર. પ્રકૃતિમાંથી પ્રેરણા પામી અર્ધઅમૂર્ત (semi-abstract) ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતાં બન્યાં હતાં. આ પ્રકૃતિની પ્રેરણામાં પણ મુખ્ય ચાલકબળ તો ન્યૂ મેક્સિકોનું રણ રહ્યું હતું.
બાળપણ વિસ્કૉન્સિનમાં માબાપના ખેતર પર વિતાવ્યું. 1904થી 1905 સુધી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગો અને 1907થી 1908 સુધી સ્ટુડન્ટ્સ લીગ ઑવ્ ન્યૂયૉર્કમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. આ પછી 1912માં વર્જિનિયા યુનિવર્સિટી અને 1914થી 1916 સુધી કોલમ્બિયા યુનિવર્સિટી ખાતે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. આ પછી 1917થી 1918 સુધી યુનિવર્સિટી ઑવ્ વર્જિનિયા અને સાઉથ કેરોલિનાની કોલમ્બિયા કૉલેજ ખાતે ચિત્રકલાનું અધ્યાપન કર્યું.
1924માં ઓ’કીફીએ પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર આલ્ફ્રેડ સ્ટિગ્લિટ્ઝ સાથે લગ્ન કર્યું. પરિણામે તેઓ ન્યૂયૉર્કના અત્યાધુનિક (avant garde) કલાવર્તુળમાં જાણીતાં બન્યાં અને હવે જ તેમની કલાએ પુખ્ત સ્વરૂપ ધારણ કરવું શરૂ કર્યું. પુષ્પો અને પર્ણોનાં તેઓ મોટાં કદનાં ચિત્રો ચીતરતાં. તેમાં માત્ર થોડી પાંખડીઓને વિશાળ કદમાં (enlarged) આકર્ષક રંગમાં પૂરી છાયા (shading) સાથે ચીતરવામાં આવતી, જે સમગ્ર કૅન્વાસનો પટ આવરી લેતી. આને કારણે ચિત્રો સ્વાભાવિક રીતે જ થોડું અમૂર્ત સ્વરૂપ ધારણ કરતા. આ પુષ્પોની પાંખડીઓ અને પર્ણો હકીકતમાં ગુદા, યોનિ, આંગળીઓ, સ્તન આદિ માનવશરીરનાં અંગોનાં રૂપકો તરીકે પ્રયોજાયાં હોય તેવું દર્શક અનુભવી શકે છે. આને કારણે આ ચિત્રો રતિપ્રેરક-કામમૂલક (sexual) પણ બને છે. ઓ’કીફીનો બીજો પ્રિય વિષય અસ્થિઓ રહ્યો છે. 1931માં તેઓ કૅનેડાના ક્વિબેક પ્રાંતના ગાસ્પે દ્વીપકલ્પ પર રહેવા ચાલી ગયાં. અહીં તેમણે આખલા-બકરાંની ખોપરીઓ, માનવ-અસ્થિઓ વગેરેને પણ સુંદર રંગોમાં મોટા આકારોમાં વિશાળ કૅન્વાસ પર મધુર રંગોમાં આલેખ્યાં. આ અસ્થિઓની ચિત્રશ્રેણીમાંથી 1932માં ચિત્રિત ‘વ્હાઇટ બાર્ન નં. 1’ ખૂબ જ ખ્યાતિ પામ્યું અને હાલમાં તે કૅલિફૉર્નિયાના સાન્તા બાર્બરા નગરના રાઇટ લુડિન્ગ્ટન સંગ્રહમાં તે છે. આ પછી તેમણે ન્યૂ મેક્સિકોના ભેંકાર રણ અને વનસ્પતિ વગરની સૂની ભેખડો તથા નગ્ન પર્વતોનાં ચિત્રો ચીતર્યાં.
1934 પછી તેમણે વિશ્વપ્રવાસો કર્યા અને વિમાનોમાં ઊડતા આકાશમાં અધ્ધરથી જોતાં પૃથ્વી કેવી લાગે છે તે તેમનાં કેટલાંક ચિત્રોનો વિષય બન્યો.
ઓ’કીફીનાં ચિત્રો ન્યૂયૉર્કમાં મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ તથા તે જ નગરના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટમાં સંગ્રહાયેલાં છે.
ઓ’કીફીની આત્મકથા ‘‘જ્યૉર્જિયા ઓ’કીફી’’નું 1976માં પ્રકાશન થયું હતું.
અમિતાભ મડિયા