ઑસ્ટ્રેસિઝમ

January, 2004

ઑસ્ટ્રેસિઝમ : પ્રાચીન ગ્રીસમાં લોકમત દ્વારા કામચલાઉ હદપારી માટે થતો શબ્દપ્રયોગ. ગ્રીક પરંપરા પ્રમાણે ઍથેન્સમાં ઈ. પૂ. છઠ્ઠી સદીના અંતમાં ક્લેસ્થનિસના સમયમાં આ યોજના અમલમાં આવી હતી. હદપાર કરવા માટેની વ્યક્તિનું નામ માટીની કે ઘડાની ઠીકરી (ostriea) ઉપર લખવામાં આવતું, જેની ગણના મતપત્ર તરીકે થતી. ઍથેન્સની આમસભા દરેક વર્ષે બે નિર્ણયો લેતી. તે વર્ષે હદપારીની યોજના અમલમાં મૂકવી કે કેમ અને મૂકવી તો આ યોજના અનુસાર કોને હદપાર કરવા ? કોઈ પણ વર્ષમાં એકથી વધુ વ્યક્તિ હદપાર થઈ શકતી નહિ. હદપારી માટે ઓછામાં ઓછા 6000 મત આવશ્યક રહેતા. હદપારીનો સમય શરૂઆતમાં દસ વર્ષનો હતો, પણ પાછળથી તે પાંચ વર્ષનો કરવામાં આવ્યો હતો. હદપારી તે કોઈ અપરાધ માટેની શિક્ષા ન હતી, પરંતુ કોઈ રાજકીય મહત્વાકાંક્ષી સરમુખત્યાર બનીને લોકશાહીને ભયમાં ન મૂકે તે માટેની યોજના હતી. હદપાર થયેલ વ્યક્તિની મિલકત અને નાગરિકત્વ અકબંધ રહેતાં. આ યોજનાને આધારે 10 વ્યક્તિઓને હદપાર કરાયેલી એમાં એરિસ્ટિડિસ, થેમિસ્ટોક્લિસ અને સિમોનનો સમાવેશ થયો હતો.

જ. જ. જોશી