ઑસ્ટ્રેલિયન ચલચિત્ર

January, 2004

ઑસ્ટ્રેલિયન ચલચિત્ર : 1970 પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકેલો ઑસ્ટ્રેલિયાનો ચલચિત્ર-ઉદ્યોગ. ઑસ્ટ્રેલિયાના ચલચિત્ર-ઉદ્યોગની પ્રગતિ એક લાંબા સંઘર્ષ પછી થઈ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરતાં તેને ઘણો સમય લાગ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં જોકે વૃત્તાંતચિત્રો અને દસ્તાવેજી ચિત્રોની સમૃદ્ધ પરંપરા રહી છે. ચલચિત્રોનો પ્રારંભ ઑસ્ટ્રેલિયામાં પણ 1896માં થઈ ચૂક્યો હતો. એ વખતે થોડાં સમાચાર-ચિત્રો બન્યાં બાદ 1901માં સર વિલિયમ બાલ્ડવિન સ્પેન્સરે મધ્ય ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓ પર 66 મિનિટનું એક દસ્તાવેજી-કથાચિત્ર ‘ધ સ્ટૉરી ઑવ્ ધ કેલી ગૅંગ’નું સર્જન કર્યું હતું. તે વિશ્વનું પ્રથમ કથાચિત્ર હોવાનું માનવામાં આવે છે.

ઑસ્ટ્રેલિયન ચિત્રોના પિતામહ ગણાતા રેમન્ડ લૅંગફૉર્ડે 1920 સુધી 19 જેટલાં ચિત્રોનું સર્જન કર્યું હતું. તેમના એક ચિત્ર ‘ધ સેન્ટિમેન્ટ બ્લૉક’ને એવા સંજોગોમાં ખ્યાતિ મળી હતી, જ્યારે ઑસ્ટ્રેલિયામાં હૉલિવુડનાં ચિત્રોની બોલબાલા હતી. ઑસ્ટ્રેલિયાનું પ્રથમ સવાક ચિત્ર ‘આઉટ ઑવ્ ધ શૅડોઝ’ 1930માં બન્યું હતું. એ દરમિયાન અનેક સ્ટુડિયો ખૂલી ચૂક્યા હતા, પણ માત્ર એક સ્ટુડિયો ‘સિનેસાઉન્ડ’માં જ નિયમિત ચિત્રનિર્માણ થતું હતું. આ સ્ટુડિયો પણ બીજા વિશ્વયુદ્ધ બાદ બંધ થઈ ગયો હતો. 1945માં કૉમનવેલ્થ ફિલ્મ યુનિટ દ્વારા સંચાલિત નૅશનલ ફિલ્મ બૉર્ડની સ્થાપના થઈ હતી. તેણે દસ્તાવેજી અને શૈક્ષણિક ચિત્રોની આયાત કરવા માંડી પણ તેને જોઈએ એવો આવકાર મળ્યો નહોતો. જે ચિત્રોનું નિર્માણ ઑસ્ટ્રેલિયામાં થયું તે બહારના દેશોમાં કોઈ સિદ્ધિ હાંસલ કરી શક્યાં નહોતાં. ઘરઆંગણે પણ ઑસ્ટ્રેલિયાને અમેરિકન ફિલ્મોની આયાત પર આધાર રાખવો પડતો હતો. બ્રિટનના ઇઆલિંગ સ્ટુડિયોને ઑસ્ટ્રેલિયામાં ફિલ્મનિર્માણ માટે આમંત્રણ આપવું પડ્યું હતું.

એ પછી છેક સાઠના દસકામાં ઑસ્ટ્રેલિયન ચિત્ર-ઉદ્યોગમાં પ્રાણ પુરાયો હતો અને લગભગ ચાલીસ વર્ષના સંઘર્ષના અંતે આંતરરાષ્ટ્રીય ધોરણે ઑસ્ટ્રેલિયન ચિત્રોનું નામ ગાજતું થયું હતું. માઇકલ પૉવેલનું હાસ્યચિત્ર ‘ધે આર અ વિયર્ડ મૉબ’ 1966માં પ્રદર્શિત થયું હતું. એ પછી ઇંગમાર બર્ગમૅનથી પ્રભાવિત થઈને ટિમ બર્સ્ટોલે ‘2000 વીક્સ’(1968)નું નિર્માણ કર્યું હતું. 1970માં બનેલાં બે ચિત્રો ‘વૉક એબાઉટ’ અને ‘વેક ઇન ફાઇટ’ પણ નોંધપાત્ર રહ્યાં. આ ચિત્રોએ ઑસ્ટ્રેલિયન ચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એ પછી સાઉથ ઑસ્ટ્રેલિયન ફિલ્મ કૉર્પોરેશને બનાવેલાં બે ચિત્રો ‘સન્ડે ટૂ ફાર અવે’ અને ‘પિકનિક ઍટ હગિંગ રૉક’ સાથે ઑસ્ટ્રેલિયન ચિત્રોની વિશ્વભરમાં નોંધ લેવાઈ. તે સાથે નિર્માતાઓને સરકારી રાહે પણ ચિત્રો બનાવવા માટે સહાય મળવી શરૂ થઈ. ઑસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન ગૉર્ટન અને વ્હિટલામે ફિલ્મ-ઉદ્યોગના વિકાસ માટે નાણાકીય ભંડોળની વ્યવસ્થા કરી આપી. આ આર્થિક મદદ મળતાં જ તેજસ્વી પ્રતિભાઓ ચમકી ઊઠી. સાતમા અને આઠમા દાયકામાં ઑસ્ટ્રેલિયન ચિત્રપટો આંતરરાષ્ટ્રીય બજારમાં બરાબર જામી ચૂક્યાં હતાં. ઘણાં સફળ ચિત્રો બનવા માંડ્યાં હતાં. પીટર વિયર, ફ્રેડ શેપેશી, કેન હાન્નમ, બ્રુસ બૅટ્સફૉર્ડ, માઇકલ થૉર્નહિલ, ડૉનાલ્ડ ક્રૉમ્બી, ટીમ બર્સ્ટોલ જેવા પ્રતિભાશાળી દિગ્દર્શકોનાં નામ વિશ્વસિનેમામાં ગાજતાં થયાં. ફિલ્મ-લેખનમાં પણ ઑસ્ટ્રેલિયન ચિત્રોએ સિદ્ધિ હાંસલ કરી. જૉન લૉગ, ડેવિડ વિલિયમસન, ક્લિફ ગ્રીન અને જૉન ડિંગવૉલ જેવા લેખકોએ તેને ગૌરવ અપાવ્યું છે. કલાકારો અને છબિકારો પણ ઝળક્યા. ઑસ્ટ્રેલિયન ચિત્રોના ઉત્કર્ષ માટે સરકારે ઑસ્ટ્રેલિયન ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની સ્થાપના કરી. 1975માં ઑસ્ટ્રેલિયન ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને ફિલ્મ ઑસ્ટ્રેલિયા આ બંને સંસ્થાઓનું એકીકરણ કરીને ઑસ્ટ્રેલિયન ફિલ્મ કમિશન નામ અપાયું.

1992નું વર્ષ વિશ્વખ્યાત ફિલ્મ ‘ધ પિયાનો’ માટે ઉલ્લેખનીય બની રહ્યું. એ પછીનાં બે વર્ષો પણ ઑસ્ટ્રેલિયન ચિત્રો માટે ઉપલબ્ધિઓની ર્દષ્ટિએ મહત્વપૂર્ણ બન્યાં. અનેક આંતરરાષ્ટ્રીય ચિત્ર-સમારોહોમાં ઑસ્ટ્રેલિયન ચિત્રો પુરસ્કૃત થયાં છે. ઑસ્ટ્રેલિયન ચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવામાં જે સર્જકોનો ફાળો રહ્યો છે તેમાં પૉલ કોક્સ અગ્રણી છે. 1963માં તેઓ હોલૅન્ડથી એક વિદ્યાર્થી તરીકે આવીને અહીં જ રહી ગયા હતા. તેમનાં કેટલાંક નોંધપાત્ર ચિત્રોમાં ‘ઇલ્યુમિનેશન’ (1977), ‘ઇનસાઇડ લુકિંગ આઉટ’ (1978), ‘લોન્લી હાટર્સ’ (1982), ‘મૅન ઑવ્ ફ્લાવર્સ’ (1983), ‘માઇ ફર્સ્ટ વાઇફ’ (1984), ‘કેક્ટસ’ (1985) અને ‘ધ નન ઍન્ડ ધ બૅન્ડિટ’(1992)નો સમાવેશ થાય છે. એ જ રીતે કાર્લ શુલ્ઝે પ્રારંભ ટેલિવિઝન માટે ધારાવાહિકો બનાવીને કર્યો હતો. પણ પછી ‘ગુડ્બાઇ પૅરડાઇસ’ (1982) અને ‘માઇટ હિયર યુ’ (1983) જેવાં નોંધપાત્ર ચિત્રો બનાવ્યાં હતાં. ઑસ્ટ્રેલિયાનાં પ્રથમ મહિલા દિગ્દર્શિકા ગિલિયન આર્મસ્ટ્રૉંગનાં ચિત્રોએ પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. તેમના ચિત્ર ‘સિંગર ઍન્ડ ધ ડાન્સર’ (1976)ને સિડની ચિત્ર-મહોત્સવમાં ‘ગ્રેટર યુનિયન એવૉર્ડ’ મળ્યો હતો. પીટર વીયરે પણ ‘પિકનિક ઍટ હગિંગ રૉક’ (1975), ‘ધ પ્લમ્બર’ (1978) અને ‘વિટનેસ’ (1985) જેવાં નોંધપાત્ર ચિત્રો બનાવ્યાં હતાં.

પીયૂષ વ્યાસ

હરસુખ થાનકી