ઑસ્ટિન, જૉન (જ. 3 માર્ચ 1790, સફૉલ્ક, ઇંગ્લૅન્ડ; અ. 1 ડિસેમ્બર 1859, સરે) : ઇંગ્લૅન્ડના રાજ્યશાસ્ત્રી તથા કાયદાવિદ. જેરીમી બૅન્થામ દ્વારા તેમની લંડન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક થઈ (1826), ત્યાં 1832 સુધી અધ્યાપનકાર્ય કર્યું.
કાયદાની વિભાવનાનું પદ્ધતિસર વિશ્લેષણ કરીને તેમણે સાર્વભૌમત્વના સિદ્ધાન્તનું સચોટ નિરૂપણ કર્યું. કાયદાની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું : ‘કાયદો એટલે ઉપરનું સ્થાન ભોગવનાર તરફથી નીચેનું સ્થાન ભોગવનારને આપવામાં આવતો હુકમ કે આજ્ઞા.’ સાર્વભૌમત્વનો ઉપયોગિતા આધારિત સિદ્ધાન્ત રજૂ કરતાં તેમણે તેની વ્યાખ્યા બાંધી : ‘જો કોઈ ચોક્કસ શ્રેષ્ઠ વ્યક્તિ પોતાની સમકક્ષ વ્યક્તિની આજ્ઞા પાળવા ટેવાયેલી ન હોય અને સમાજની મોટા ભાગની પ્રજા પાસે આજ્ઞાનું ટેવપૂર્વક પાલન કરાવે તો તે વ્યક્તિ, તે સમાજમાં સર્વોપરી ગણાય છે અને તે સમાજ (સર્વોપરી સાથે) રાજકીય અને સ્વતંત્ર સમાજ, એટલે કે રાજ્ય ગણાય છે.’
સાર્વભૌમત્વની આ વિભાવનામાંથી નીચેના મુદ્દા તારવી શકાય : (1) જ્યાં રાજ્ય હોય છે ત્યાં સાર્વભૌમત્વ પણ હોય છે. રાજ્ય એવી કાનૂની વ્યવસ્થા છે જેમાં નિશ્ચિત વ્યક્તિ કે વ્યક્તિનું જૂથ અંતિમ નિદાનમાં સત્તાનું મૂળ હોય છે. (2) સાર્વભૌમ સત્તા ધારણ કરનાર સર્વોપરી છે; તેની સત્તા અમર્યાદિત અને અવિભાજ્ય છે. (3) સાર્વભૌમ સત્તાધારી કાયદાનું ઘડતર કરે છે. કાયદો સર્વોપરીનો આદેશ હોવાથી તેના આદેશનું વિરોધ વગર પાલન થવું જોઈએ. આદેશ એ કાયદાનું સારતત્વ છે.
ઑસ્ટિને કાનૂની ર્દષ્ટિએ સાર્વભૌમ સત્તાને સંપૂર્ણ, ચોક્કસ અને નિરંકુશ સત્તા તરીકે રજૂ કરી છે. આ ખ્યાલને સ્પષ્ટ કરતાં તેમણે સાર્વભૌમત્વની ઉપયોગિતા ઉપર જ ભાર મૂક્યો છે. તેથી તેમણે રજૂ કરેલા સિદ્ધાન્તને સાર્વભૌમત્વના ઉપયોગિતાવાદી સિદ્ધાન્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. બૅન્થામ અને જૉન મિલ સાથે તે ગાઢ સંપર્કમાં હતા. 1832માં તેમનાં વ્યાખ્યાનો ‘ધ પ્રૉવિન્સ ઑવ્ જ્યુરિસપ્રુડન્સ ડીટરમિન્ડ’ તરીકે પ્રસિદ્ધ થયાં. તેમના મૃત્યુ બાદ બીજું પુસ્તક ‘લેક્ચર્સ ઑન જ્યુરિસપ્રુડન્સ’ પ્રગટ થયું (1863). પછીનાં બે વર્ષ જર્મનીમાં રોમન લૉના અભ્યાસ માટે ગાળ્યાં.
સરમણ ઝાલા