ઑસ્ટિન, ફ્રાંઝ

January, 2004

ઑસ્ટિન, ફ્રાંઝ (જ. 23 ડિસેમ્બર 1876, મ્યુનિખ; અ. 2 ડિસેમ્બર 1956, જર્મની) : સુપ્રસિદ્ધ જર્મન ફિલ્મસર્જક. મૂંગી ફિલ્મોના જમાનામાં સંઘર્ષ કરી ચૂકેલા પણ પછી વીસરાઈ ગયેલા ફિલ્મસર્જકોમાંના એક ફ્રાંઝ ઑસ્ટિન છે. તે હિમાંશુ રાયની જાણીતી ફિલ્મ ‘લાઇટ ઑવ્ એશિયા’ના દિગ્દર્શક હતા. 1937માં તેમણે બોલતી ફિલ્મ ‘અછૂત કન્યા’નું દિગ્દર્શન કર્યું હતું. આ દિગ્દર્શક ફિલ્મની આયોજન-કલાના નિષ્ણાત હતા. જર્મનીમાં ફિલ્મો બનાવ્યા પછી તેઓ ભારત આવ્યા હતા અને ‘લાઇટ ઑવ્ એશિયા’ ઉપરાંત ‘શીરાઝ’ (1928) અને ‘થ્રો ઑવ્ ડાઇસ’ (1929) નામની બે મૂંગી ફિલ્મોનું પણ તેમણે દિગ્દર્શન કર્યું હતું. હિમાંશુ રાયને વિદેશી મદદથી ‘લાઇટ ઑવ્ એશિયા’ ફિલ્મ બનાવવી હતી. તેમની ‘અછૂત કન્યા’ ફિલ્મ ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં ‘ક્લાસિક’નું બિરુદ પામી છે. બ્રિટન અને જર્મની વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ભારતમાં તેમની ધરપકડ કરવામાં આવેલી. 1940માં મુક્તિ મળતાં તે સ્વદેશ પાછા ફર્યા હતા. ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં ફ્રાન્ઝ ઑસ્ટિનનું નામ સ્મરણીય છે.

પીયૂષ વ્યાસ