ઑસ્ટિન, જેન (જ. 16 ડિસેમ્બર 1775, સ્ટિવેન્ટન હેમ્પશાયર; અ. 18 જુલાઈ 1817, વિન્ચેસ્ટર) : પ્રથમ પંક્તિનાં અંગ્રેજ મહિલા નવલકથાકાર. પિતા પાસેથી મળેલી તાલીમને કારણે તેમના લેખનકાર્યનો ઘણી નાની વયે પ્રારંભ થયો : 14 વર્ષની વયે ‘લવ ઍન્ડ ફ્રેન્ડશિપ’ની રચના થઈ. ‘એ હિસ્ટરી ઑવ્ ઇંગ્લૅન્ડ’ 15 વર્ષની વયે, ‘એ કલેક્શન ઑવ્ લેટર્સ’ 16 વર્ષની વયે. ‘લેસ્લી કૅસલ’ અને ‘લેડી સુસાન’ આ તારુણ્યનાં વર્ષોની જ રચનાઓ છે.

જેન ઑસ્ટિન આજીવન અપરિણીત રહ્યાં. તેમનો ઉછેર ભર્યાભાદર્યા પ્રેમાળ કુટુંબમાં થયો હતો. એટલે તેમનાં લખાણોમાં એકલતાનો કોઈ વિષાદ દેખાતો નથી.

પ્રથમ નવલકથા ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’ના પ્રકાશન માટે કોઈ પ્રકાશકે રસ કે ઉત્સુકતા દાખવ્યાં નહિ એટલે 1811માં તે પોતાના ખર્ચે પ્રગટ કરી. 1795-1796માં ‘ઍલિનોર ઍન્ડ મૅરિયા’ શીર્ષકથી લખાયેલી આ નવલકથા 1797-1798માં ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’ શીર્ષક સાથે પુનર્રચના પામી હતી. 1809માં તેમાં ફરીથી સુધારા કરાયા હતા. ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન’ની રચના 1797માં થઈ હતી અને પ્રકાશકે વાંચ્યા વિના જ તેનો અસ્વીકાર કર્યો હતો. આ નવલકથા 1809માં ‘પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ’ના નામે ફરી લખાઈ હતી અને 1813માં એ જ શીર્ષકથી પ્રગટ થઈ હતી. ‘નૉર્થેન્જર એબી’ની રચના ‘સુસાન’ના નામે 1798-1799માં થઈ અને 1803માં તે પ્રકાશકને વેચવામાં આવી. પ્રકાશકે 10 પાઉન્ડમાં ખરીદેલી આ નવલકથા છાપ્યા વિના રાખી મૂકી હતી.

જેન ઑસ્ટિન

‘નૉર્થેન્જર એબી’ (1818) લખાઈ તથા ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’ નવેસરથી લખાઈ એ સમયગાળાની વચ્ચે તેમણે ‘ધ વાટસન્સ’ નામની નવલકથા અધૂરી રાખી હતી; તેનો પ્રારંભ કદાચ 1804માં થયો અને 1805માં તેમના પિતાના અવસાનના કારણે તે અધૂરી રહી હતી. પિતાના અવસાનના આઘાતથી જન્મેલા તેમના લાંબા મૌન પછી 1809માં બાથ છોડીને કુટુંબ ચાઉટન રહેવા આવ્યું ત્યારે ચાઉટનનો નિવાસ નવલકથાલેખનની ર્દષ્ટિએ વિશેષ ફળદાયી નીવડ્યો. અહીં આવ્યા પછી તેમની અગાઉ લખેલી બે નવલકથાઓ પ્રગટ થઈ અને ઉત્તરાવસ્થાની 3 નવલકથાઓ આરંભાઈ અને પૂરી થઈ. 1811માં ‘મૅન્સફિલ્ડ પાર્ક’, 1814માં ‘એમ્મા’ તથા 1815માં ‘પર્સુએશન’ લખાઈ અને 1817માં (તે અવસાન પામ્યાં તે વર્ષે) ‘સેન્ડિશન’ અધૂરી રહી હતી. આમ ‘નૉર્થેન્જર એબી’ તથા ‘પર્સુએશન’ 1818માં એટલે કે તેમના અવસાન પછી સૌથી છેલ્લી પ્રગટ થઈ, પણ સંપૂર્ણ રીતે લખાયેલી કૃતિઓની ર્દષ્ટિએ તે સૌથી પ્રારંભિક ગાળાની નવલકથાઓ છે. આ બે મરણોત્તર પ્રકાશન ઉપરાંત અવસાન-સમયે અધૂરી રહેલી ‘સેન્ડિશન’ 1925માં પ્રગટ થઈ.

જેન ઑસ્ટિનની નવલકથાઓને પ્રગટ થતાંવેંત સારો આવકાર મળતો રહ્યો હતો. તેમની નવલકથાઓમાં રોજિંદા ગૃહજીવનને લગતા વિષયો, વિવિધ સામાજિક-સાંસારિક સમસ્યાઓ તથા શાંત પ્રાદેશિક વાતાવરણના મુખ્યત્વે ગ્રામીણ મધ્યમવર્ગીય સમાજના અને સંસ્કારી પરિવારોનાં ભાવ-પ્રતિભાવ તથા સંવેદનાઓનું સ્પષ્ટ અને ભાવવાહી આલેખન છે. એમાં કોઈ સંદિગ્ધતા કે નાટકી તત્વનું અવલંબન નથી; ઊલટું તેમની સરળ અને પ્રવાહી શૈલી વિશેષ અસરકારક નીવડી છે. તેમની જાણે નાનકડા હાથીદાંત પર કંડારાયેલી હોય તેવી નવલકથાઓ અંગ્રેજી સાહિત્યનું મૂલ્યવાન નજરાણું છે.

તેમની કલામાં ભારોભાર વાસ્તવિકતા છે. માનવજીવનની સાહજિક લાક્ષણિકતાઓ, વિચિત્રતાઓ તથા વિલક્ષણતાઓ તે પારદર્શક રીતે રજૂ કરે છે. એ માટે તે વ્યંગ, વિનોદ તથા પ્રસંગોપાત્ત, કટાક્ષનો પણ સમુચિત ઉપયોગ કરે છે. પણ એ સમગ્ર નિરૂપણમાંથી નિરંતર વહે છે સમભાવ તથા સહિષ્ણુતાની સરવાણી. તેમના લેખનકાળ દરમિયાન રોમૅન્ટિક વલણની પ્રભાવક અસર હતી છતાં તેમના લેખન પરત્વેના અભિગમમાં પ્રશિષ્ટ સાહિત્યનાં સર્વોચ્ચ લક્ષણો ઊપસી આવે છે. એમાં બૌદ્ધિક તાટસ્થ્ય તથા નિર્લેપભાવ તેમજ પ્રમાણવિવેક મુખ્ય છે.

‘પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ’ની ચપળ અને ચબરાક નાયિકા ઇલિઝાબેથ બેનેટ એ રેસ્ટોરેશન યુગની તથા અઢારમી સદીની વાણીકુશળ મહિલાના પ્રતીકરૂપ છે. પોતાના અનુભવોની તથા સંસારના અભ્યાસની મર્યાદામાં રહીને વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિના તથા હૃદયસ્પર્શી અને વાસ્તવદર્શી સાહિત્યના સર્જક તરીકે અંગ્રેજી નવલકથાક્ષેત્રે તેઓ ઊંચું અને અવિસ્મરણીય સ્થાન પામ્યાં છે.

1977માં જેન ઑસ્ટિને લખેલું શીર્ષક વિનાનું એક નાટક મળી આવ્યું હતું. આર. ડબ્લ્યૂ ચેપમૅને જેન ઑસ્ટિનની નવલકથાઓની પ્રમાણભૂત આવૃત્તિ છ ગ્રંથોમાં પ્રસિદ્ધ કરી છે (1923-1954) અને તેમના પત્રોનું પણ સંપાદન કર્યું છે. જે. ઈ. ઑસ્ટિનલીએ ‘મેમૉઇર ઑવ્ જેન ઑસ્ટિન’ 1871માં પ્રસિદ્ધ કર્યું હતું.

જયા જયમલ ઠાકોર