ઑલૅકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ મુજબ તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મૉનોક્લેમિડી, શ્રેણી – એક્લેમિડોસ્પોરી, કુળ – ઑલૅકેસી. આ કુળમાં લગભગ 25 પ્રજાતિઓ અને 150 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Olax (35 જાતિઓ) જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોની સૌથી મોટી પ્રજાતિ છે. દ્વીપકલ્પીય ફ્લોરિડામાં Schoepfia (15 જાતિઓ) અને Ximenia (5 જાતિઓ) નામની બે પ્રજાતિઓ થાય છે.

આ કુળની વનસ્પતિઓ વૃક્ષ, ક્ષુપ કે આરોહી લતાસ્વરૂપે જોવા મળે છે. પર્ણો સાદાં, મોટેભાગે અખંડિત, એકાંતરિક અને અનુપપર્ણીય (estipulate) હોય છે. પુષ્પવિન્યાસ પરિમિત (cymose) કે પર્ણિતગુચ્છી કલગી (thyrse) પ્રકારનો હોય છે. પુષ્પો દ્વિલિંગી [કેટલીક વાર વિવિધપુષ્પી એકલિંગાશ્રયી (polygamodioecious)] હોય છે. પરિદલપુંજ દ્વિચક્રીય હોય છે. બાહ્ય ચક્ર 4થી 6 પરિદલપત્રોનું બનેલું અને કોરછાદી (imbricate) હોય છે. અંતશ્ચક્ર 4થી 6 પરિદલપત્રોનું બનેલું, મુક્ત કે વિવિધ રીતે જોડાયેલું અને ધારાસ્પર્શી (valvate) હોય છે. પુંકેસરચક્ર 4થી 12 પુંકેસરોનું બનેલું, એકચક્રીય હોય તો અંદરનાં પરિદલપત્રોની સંમુખ ગોઠવાયેલું, મુક્ત અથવા ક્વચિત્ એકગુચ્છી (monoadelphous) હોય છે. કેટલીક વાર વંધ્ય પુંકેસરોની હાજરી જોવા મળે છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી કે અગ્રસ્થ છિદ્ર દ્વારા થાય છે. બિંબ ઘણી વાર વલયાકાર હોય છે. સ્ત્રીકેસરચક્ર 3થી 4 સ્ત્રીકેસરોનું બનેલું હોય છે અને બીજાશય ઊર્ધ્વસ્થ (કેટલીક વાર બિંબ સાથે બીજાશય જોડાતાં અધ:સ્થ જેવું લાગે છે) હોય છે અને 3થી 4 કોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. જો બીજાશય એકકોટરીય હોય તો મુક્તકેન્દ્રસ્થ જરાયુવિન્યાસ જોવા મળે છે. પ્રત્યેક કોટરમાં એક નિલંબી (pendent) અંડક હોય છે. પરાગવાહિની એક અને પરાગાસન 2થી 5-શાખી હોય છે. ફળ અનષ્ઠિલ કે અષ્ઠિલ પ્રકારનું અને દીર્ઘસ્થાયી (persistent) અને વર્ધનશીલ (accrescent) પરિદલપુંજ સાથે હોય છે. બીજ પુષ્કળ પ્રમાણમાં ભ્રૂણપોષ ધરાવે છે.

આકૃતિ 1 : ઑલૅકેસી. Ximenia americana : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પ, (ઇ) પુષ્પનો ઊભો છેદ, (ઈ) બીજાશયનો આડો છેદ

સ્મિથ (1942), અગ્લર અને સ્ક્લેનબર્ગના મત પ્રમાણે, ઑલૅકેસી લૉરેન્થેસી કરતાં વધારે આદ્ય છે અને બંને કુળ સૅન્ટેલેલિસ ગોત્રમાં મૂકવામાં આવ્યાં છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ