ઑલિમ્પિક સ્ટેડિયમ – મ્યુનિક : વર્ષ 1972ના ઉનાળાની ઑલિમ્પિક રમતો માટે જર્મનીના મ્યુનિક શહેરમાં બનાવાયેલ અને આશરે 74,૦૦૦ ચોમી. ક્ષેત્રમાં પ્રસરેલ સ્ટેડિયમ. આ પ્રકારની શ્રેણીનાં મકાનોમાં એક ઉલ્લેખનીય રચના છે. આશરે મહત્તમ 8૦,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમની રચના ફ્રાઈ ઓટો તથા ગુંથેર બેહનીશ નામના સ્થપતિ અને તેની ટીમ દ્વારા કરાઈ છે. પાછળથી થોડા ફેરફાર કરી આ ક્ષમતા ઘટાડીને 69,૦૦૦ જેટલી કરાઈ હતી. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખુવાર થયેલ મ્યુનિક શહેરમાં આ સ્થળે બૉમ્બમારાથી ખાડા પડી ગયા હતા અને તે જ ખાડાઓનો ઉપયોગ કરી ત્યાં સ્ટેડિયમ બનાવી દેવાયું. એનાં ખુલ્લાપણાને કારણે અહીં સંગીતના પ્રોગ્રામોનું આયોજન પણ થતું રહ્યું છે. આ સ્ટેડિયમની રચના માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ હતી, જેમાં આ પરિકલ્પના પસંદ પામી, કારણ કે આ રચનામાં ઉપયોગિતા સાથે કળા અને તકનીકનો સમન્વય નવાં જ પરિપ્રેક્ષ્યમાં કરાયો હતો. સન 1972ના ઑલિમ્પિક માટે હેપી ગેઇમ્સ – “આનંદમયી” રમતોનું સ્લોગન રખાયું હતું. આવા આનંદની અભિવ્યક્તિ જાણે સ્થાપત્ય દ્વારા કરવામાં આવી હોય તેમ જણાય છે. આજે સ્ટેડિયમનો ઉપયોગ મુખ્યત્વે સ્થાનિક ઇવેન્ટ્સ અને પ્રવાસન સ્થાન તરીકે કરાય છે. આ એ જ ઑલિમ્પિક રમત હતી જેમાં આરબ ત્રાસવાદીઓએ ઇઝરાયેલના 17 જેટલા ખેલાડીઓની હત્યા કરી હતી.

આ સ્ટેડિયમ તંબુ પ્રકારની, તાણિયા એટલે કે લાઇટ વેઇટ ટેન્સાઇલ સ્ટ્રક્ચરના સિદ્ધાંત મુજબની રચના છે. વિશ્વમાં આ પ્રકારનું આ સૌથી વિશાળ બાંધકામ છે. 105 મીટર X 68 મીટર જેટલા વિસ્તારના આ સ્ટેડિયમમાં બેઠકવ્યવસ્થા ઉપરની છતની રચના વિશાળ માસ્ટ અર્થાત્ થાંભલા ઉપર ગોઠવાયેલ સ્ટીલના કેબલની જાળી સમાન લોખંડના માળખા પર 2.9 મીટર X 29.૦ મીટર માપના 4 મીમીના જાડાં પારદર્શક એક્રેલિકના “કપડાં” જડીને કરાઈ છે. સમગ્ર સપાટીમાં સરખી તાણ આવી રહે તે માટે અહીં દરેક ભાગનું માપ ભૌમિતિક ચોકસાઈ સાથે નક્કી થયું છે. આવાં એક સરખા તાણથી જ તેનો જરૂરી આકાર જળવાઈ રહે અને બાંધકામ મજબૂત રહે. હાઈટેક આર્કિટેક્ચરમાં જેની ગણના થાય છે તેવી આ રચનામાં તાણ માટે વપરાયેલ લોખંડનાં દોરડાં ૬૫થી 400 મીટર જેટલા લાંબાં હતાં. તે સમય માટે ક્રાંતિકારી બાંધકામ શૈલી હતી. ટેન્સાઇલ સ્ટ્રક્ચરની રચનામાં સામાન્ય રીતે છતની કિંમત ઓછી રહે, પણ જ્યારે નવી તકનીક અને નવી સામગ્રીની વાત હોય ત્યારે આ સમીકરણ ક્યાંક ખોટું પણ પડી શકે. પરંતુ અહીં દીવાલો તેમજ બારી-બારણાનું પ્રાવધાન ન હોવાથી આ બાંધકામની લાગત ઓછી આવી હતી. નવીનતા, નરમાશ, તરંગાકાર વળાંકોની સુંદરતા, દૃશ્ય હળવાશ, ઓછી કિંમત, ખુલ્લાપણું, કુદરત સાથેનો સ્વાભાવિક સંપર્ક, એક પ્રકારની સ્વતંત્રતા, ઉત્કૃષ્ટ તકનીકી વિગતીકરણ, રોમાંચક સ્થિરતા અને રચનામાં ઊભરતું ઐક્ય જેવી બાબતો અહીં ઉલ્લેખનીય છે. અન્ય સ્ટેડિયમના બંધિયારપણા સામે અહીં મુક્તતાની અનુભૂતિ શક્ય હતી.
વિશ્વના મોટાભાગનાં ઑલિમ્પિક સ્ટેડિયમ બંધિયાર છે, જેમાં બારી-બારણાં કે તેનાં જેવી રચના થકી તે ઇન્ડોર સ્ટેડિયમ બની રહે. તેની સામે આ સ્ટેડિયમ ચારે તરફથી ખુલ્લું હોવાથી અહીં ખેલાડીઓને અગવડ પણ પડી હતી જેને કારણે સ્ટેડિયમની આ શૈલી આગળ ન વધી. પાછળથી આ રચના માટે અણગમો પણ વ્યક્ત થયો હતો.
એકંદરે સ્થાપત્યના ક્ષેત્રમાં આલેખાયેલું આ એક ‘એન્જિનિયરિંગ માસ્ટરપીસ’ છે.
હેમંત વાળા
