ઑલિગો ડાયનૅમિક અસર : ધાતુઓનાં લવણોની ક્રિયાશીલતા, ઉપચયન-અપચયન (oxidation-reduction) તંત્રની અસર હેઠળ તીવ્ર બને તે પ્રક્રિયા. ધાતુઓના ટુકડાના સંપર્કથી અથવા તેના સાંનિધ્યમાં બૅક્ટેરિયાનો નાશ કરી પાણી જેવાં પીણાંઓને જંતુરહિત કરવાનો આ એક તરીકો છે. અત્યંત અલ્પ પ્રમાણમાં (ચાંદી 1 : પાણી 100,000,000) આવેલી ચાંદીમિશ્રિત રેતીમાંથી પાણીને પસાર કરવાથી, તેનું નિર્જીવીકરણ થાય છે. કૅટેડિન પ્રવિધિ અનુસાર આવાં કલિલરૂપ દ્રાવણો સિલ્વર ધ્રુવો વચ્ચે, પાણીની સપાટી નીચે વિદ્યુત-ચાપ પ્રગટાવવાથી બનાવી શકાય છે. પીવાનું પાણી, દૂધ, સરકો, દારૂ, ફળના રસો વગેરેના નિર્જીવીકરણમાં ચાંદી-કલિલ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે.

નિર્જીવીકરણ સાથે સંકળાયેલા આ કલિલતંત્રમાં અન્ય ભારે ધાતુઓ (દા.ત., તાંબું; પ્રમાણ તાંબું 1 : પાણી 77,000,000) પણ વાપરી શકાય છે.

હરિવદન હીરાલાલ પટેલ