ઑલિગોસીન રચના (oligocene system) : ટર્શ્યરી – તૃતીય જીવયુગના પાંચ વિભાગો પૈકીનો ઇયોસીન અને માયોસીન વચ્ચેનો ત્રીજા ક્રમમાં આવતો કાળગાળો અને તે સમય દરમિયાન રચાયેલી ખડક-સ્તરરચના.
ઇયોસીન કાળના અંત વખતે બ્રિટિશ ટાપુઓ સહિત લગભગ આખાય યુરોપનો વિસ્તાર ટેથીઝ મહાસાગરની પકડમાંથી મુક્ત થતો જાય છે. માત્ર યુરોપના વાયવ્ય વિસ્તારમાં ઍન્ગ્લો-ફ્રાન્કો-બેલ્જિયન સમુદ્રી થાળું રહી જાય છે. વળી થોડા સમય માટે હંગામી દરિયાઈ અતિક્રમણ પણ થાય છે. યુરોપીય વિસ્તારમાં આ સંજોગો હેઠળ ઑલિગોસીનની જમાવટનો પ્રારંભ થાય છે; તે દરમિયાન થયેલ માટી અને રેતીની નિક્ષેપક્રિયામાં અસંખ્ય વિશિષ્ટ મૃદશરીરી પ્રાણીઓ મળી રહે છે. તે પછીથી આલ્પાઇન-ગિરિનિર્માણની ક્રમિક ઉત્થાનક્રિયા યુરોપીય વિસ્તારોમાં અવશિષ્ટ રહી ગયેલી દરિયાઈ પીછેહઠ સહિત થતી રહે છે.
ભારતના સંદર્ભમાં ઇયોસીનના અંતિમ ચરણ વખતે હિમાલય ગિરિનિર્માણ માટેના ઊર્ધ્વગમનનો પ્રથમ તબક્કો શરૂ થઈ ચૂક્યો હોય છે. પરિણામે ઊર્ધ્વ-ઇયોસીનના કિરથાર સમયનો સમુદ્ર હિમાલયના દક્ષિણતરફી બાહ્ય વિભાગોમાંથી ધકેલાઈ જાય છે; માત્ર સિંધ, બલૂચિસ્તાન, આસામ અને મ્યાનમારમાં તેના પ્રાદેશિક ફાંટા રહી જાય છે; એમાં દરિયાઈ ઉત્પત્તિવાળા ઑલિગોસીન સમયના નરીશ્રેણી તરીકે ઓળખાતા સ્તરોની જમાવટ થાય છે. આ ફાંટા પણ પછીથી નિમ્ન માયોસીન વખતે હઠી જાય છે; તેનો પુરાવો નદીનાળજન્ય ઉત્પત્તિવાળા ગજશ્રેણીના સ્તરો પરથી મળી રહે છે. સમગ્ર ર્દષ્ટિએ જોતાં, ભારતના ઉત્તરીય ભૂમિભાગનું સ્થળર્દશ્ય મોટા પાયા પર ફેરફારોવાળું બની રહે છે. બલૂચિસ્તાનની પશ્ચિમે ભૂસંનતિમય સમુદ્ર(geosynclinal sea)ના સંજોગો જોવા મળે છે, તો પૂર્વીય ભાગમાં ખંડીય સમુદ્ર(continental sea)ના સંજોગો પ્રવર્તે છે. કાશ્મીર અને પંજાબ હિમાલયના બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તારમાં સમુદ્રનું અસ્તિત્વ રહ્યું ન હોવાથી ઑલિગોસીન ખડકોનો કોઈ સ્પષ્ટ વિકાસ થયેલો જોવા મળતો નથી, તેથી તળ ભારતમાં આ રચનાની પ્રાપ્તિ ખૂબ જ મર્યાદિત છે. આ હકીકત સૂચવી જાય છે કે આ સમયગાળા દરમિયાન નિક્ષેપક્રિયા કરતાં ધોવાણની ક્રિયા વધુ સક્રિય હતી. ભારતમાં માત્ર આસામ અને બ્રહ્મપુત્રની ખીણ જ એવા વિસ્તારો છે જ્યાં ઑલિગોસીનની કહી શકાય એવી બરેઇલ શ્રેણી વિકાસ પામેલી છે. જ્યાં આ રચનાનો પૂર્ણ વિકાસ થયેલો છે એવા વિસ્તારો(ભારતીય સીમા બહારના સિંધ-બલૂચિસ્તાન અને મ્યાનમાર વિસ્તારો)નો ઉલ્લેખ અભ્યાસની ર્દષ્ટિએ ઉપયોગી છે. બલૂચિસ્તાનના મકરાન કિનારાના બહોળા ભાગને આવરી લેતા ગૌણ ચૂનાખડકના આંતરસ્તરોવાળા અને લગભગ જીવાવશેષરહિત એકધારા રેતીખડક અને શેલ ખડકોની રચના મળે છે; તેનું સામ્ય આલ્પ્સમાં સ્વિટ્ઝર્લૅન્ડના ઑલિગોસીન ફ્લીશ સાથે હોવાથી તેનો સહસંબંધ (correlation) સ્થાપિત કરી શકાય છે. પૂર્વીય નિક્ષેપરચના પ્રકાર ખંડીય સમુદ્રના સંજોગોને અધીન હોઈને તે ચૂનાખડકો અને ચૂના-દ્રવ્યયુક્ત શેલના બંધારણવાળો છે, જેનું સિંધમાં પ્રાધાન્ય છે. તે સારી રીતે જળવાઈ રહેલા વિશાળ જૂથવાળા જીવાવશેષોથી યુક્ત છે. આથી જ તો ઑલિગોસીન સ્તરો માટે લાક્ષણિક ગણાતી નરીશ્રેણીને ઉદાહરણ તરીકે લેવામાં આવે છે; તે મુખ્યત્વે ચૂનાખડક અને શેલની બનેલી છે અને મથાળે રેતીવાળા ખડકોમાં ફેરવાઈ જાય છે. આ શ્રેણીમાં નમ્યુલાઇટ્સ અને લેમીલિબ્રૅંકના ઘણા જીવાવશેષો જળવાયેલા મળે છે.
સિંધની નરીશ્રેણી : સિંધમાં નરી અને ગજ નદીના વિસ્તારમાં વિશિષ્ટ વિકાસ પામેલા ઑલિગોસીન-માયોસીન ખડકોને બે વિભાગમાં વિભક્ત કર્યા છે; તે પૈકીનો નિમ્ન વિભાગ નરીશ્રેણી (ઑલિગોસીન) અને ઊર્ધ્વ વિભાગ ગજશ્રેણી (માયોસીન) તરીકે ઓળખાય છે. બંનેમાં રેતીખડકો અને શેલના આંતરસ્તરોવાળા જથ્થામય ચૂનાખડકોનું બંધારણ છે. નરીશ્રેણી સંગતપણે કિરથાર શ્રેણીની ઉપર જામેલી છે. મધ્યસ્થ કોણીય અસંગતિને કારણે નરીશ્રેણીના પણ નિમ્ન-નરી અને ઊર્ધ્વ-નરી એમ બે વિભાગ પાડેલા છે. જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જાડાઈવાળા (સરેરાશ 550 મીટર) નિમ્ન-નરી સ્તરો માર્લ, શેલ અને રેતીયુક્ત ચૂનાખડકોવાળા છે, જ્યારે 1200-1500 મીટરની જાડાઈવાળા ઊર્ધ્વ-નરી સ્તરો શેલ-કોંગ્લૉમરેટ સહિત મુખ્યત્વે રેતીખડકથી બનેલા છે. વચ્ચે સ્પષ્ટ અસંગતિને કારણે નિમ્ન-નરીને ઑલિગોસીનમાં અને ઊર્ધ્વ-નરીને માયોસીનમાં મૂકવામાં આવી છે. આસામ અને મ્યાનમારમાં પણ આ નિક્ષેપવિરામને સમકક્ષ ગણેલો છે.
ઑલિગોસીન રચનામાં વિશાળ કદના (5.75 સેમી. વ્યાસવાળા) લેપિડોસાઇક્લિના મુખ્ય જીવાવશેષ છે; જ્યારે નિમ્ન-નરી માટે ન્યૂમુલાઇટ્સ ‘ઇન્ટરમીડિયસ-ફિશ્તેલી’ નિર્દેશક જીવાવશેષ (index fossil) ગણાયું છે. સાઇપ્રીઆ, સીરિથિયમ જેવાં ગૅસ્ટ્રોપોડ; ઑસ્ટ્રિયા, પેક્ટન, આર્કા અને વિનસ જેવાં લેમીલિબ્રૅંક; એકિનોલૅમ્પસ, ક્લીપીઆસ્ટર જેવાં એકિનોઇડ; મોન્ટલિવાલ્શિયા જેવાં પરવાળાં; અને વિવિધ ન્યૂમુલાઇટ્સ તથા વિવિધ લેપિડોસાઇક્લિના જેવાં ફોરામિનિફર આ રચનાના અગત્યના જીવાવશેષો છે.
આસામની બરેઇલ શ્રેણી : ઑલિગોસીનનો પૂર્ણ વિકાસ સિંધ અને મ્યાનમારમાં થયેલો હોવા છતાં સંભવિતપણે નિમ્ન-નરીને સમકક્ષ ઑલિગોસીન વયની કહેવાતી બરેઇલ શ્રેણી (જીવાવશેષો જૂજ પ્રમાણમાં હોવાથી તેનો ચોકસાઈપૂર્વક વયનિર્ણય થઈ શકતો નથી.) ભારતના આ પૂર્વીય ભાગમાં મળતી મધ્ય ઇયોસીનની જેન્તિયા શ્રેણીની ઉપર સંગતપણે અને ઉપરના નિમ્ન માયોસીન (સુરમા શ્રેણી) સાથે અસંગતિ અને જીવાવશેષવિરામ સહિત રહેલી છે. આ કક્ષાએ જીવાવશેષવિરામ (palacontological break) થયો હોવાનું નકારી શકાય તેમ નથી. આ શ્રેણી સાથે કોલસાના સ્તરો અને તેલ સંકળાયેલાં હોવાથી તેનું સવિશેષ આર્થિક મહત્વ છે. કોલસાવાળા વિસ્તારો નજીક મળી આવેલા જીવાવશેષો આ શ્રેણી માટે ઊર્ધ્વતમ ઇયોસીન કે ઑલિગોસીન વય સૂચવી જાય છે. બરેઇલ શ્રેણી જાડા સખત રેતીખડકોનો સમાવેશ કરતી બરેઇલ હારમાળા રચે છે; તે આસામની કરોડરજ્જુ ગણાય છે.
મ્યાનમારમાં મળી આવતી નિમ્ન-પેગુશ્રેણી ઑલિગોસીન વયની છે. તે પણ નિક્ષેપવિરામ અને જીવાવશેષ વિરામ દ્વારા ઊર્ધ્વ પેગુ શ્રેણીથી જુદી પડે છે.
ગુજરાતમાં સૂરત નજીક બોધાન પાસે સારી રીતે વિવૃત થયેલા અને ઉત્તર-દક્ષિણ વિસ્તરેલા ગ્રેવલ સહિત લોહદ્રવ્યયુક્ત માટીના સ્તરો, રેતીખડકો અને ચૂના-ખડકોના બંધારણવાળા વિભાગને તાપીશ્રેણી નામ સૂચવેલું છે. તેમાં ફોરામિનિફર પેલાતિસ્પિરા હોવાથી ઊર્ધ્વતમ ઇયોસીનની સમકક્ષ છે. પરંતુ સિંધના કિરથાર કરતાં નવા હોવાથી ઑલિગોસીનતરફી વય-વલણવાળા ગણાય. આ સ્તરોની ઉપર 1200 – 1500 મીટરની જાડાઈવાળા કોંગ્લૉમરેટ લક્ષણોવાળા ગ્રેવલ સ્તરો અને માટી તેમજ લોહદ્રવ્યયુક્ત રેતીખડકો ભરૂચ પાસે રતનપુરામાં વિવૃત થયેલા છે. ગ્રેવલ – શિંગલ સ્તરોમાં કેલ્સિડોનીના લઘુગોળાશ્મ પણ ઘણા છે; તે અકીક તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ખડકોના ઉપલા સમૂહનું વય સિંધની ગજશ્રેણી સાથે કરેલું હોવાથી નીચલો સમૂહ ઑલિગોસીન વયનો ગણાય. સુરત અને ભરૂચના ન્યૂમુલાઇટયુક્ત ખડકો ઉપર રહેલા આ ઘણી જાડાઈવાળા ‘અકીક કોંગ્લૉમરેટ’ ખડકો તાપીના કિનારા પર તાડેકેશ્વર પાસે ખડકછેદોના સ્વરૂપે સ્પષ્ટ વિવૃતિ પામેલા છે. તે ઑલિગોસીન – નિમ્ન માયોસીન વયના હોવાનું તેમાં પ્રવર્તમાન લેપિડોસાઇક્લિના ફોરામિનિફર પરથી નક્કી થાય છે.
ડેક્કન ટ્રૅપ ઉપર રહેલા નિમ્ન તૃતીય ખડકો વાયવ્ય ગુજરાતના વિશાળ વિસ્તારો ઉપર પથરાયેલા છે. સંભવિતપણે સૂરતથી પાલનપુર સુધી પથરાયેલું સપાટી પરનું કાંપમય આવરણ મુખ્યત્વે નદીજન્ય અને અંશત: દરિયાઈ ઉત્પત્તિવાળું હોય. તેની નિક્ષેપક્રિયા ખંભાતના અખાતને કચ્છના રણ સાથે જોડતા સમુદ્રના એક પહોળા ફાંટામાં બની હોવાની શક્યતા છે. ખંભાતનો અખાત પ્લાયસ્ટોસીનના પ્રારંભકાળ સુધી તો ખંડીય સમુદ્ર હતો. આ નિક્ષેપો પૈકીનો કેટલોક ભાગ ઑલિગોસીન કાળનો હોવાની વાતને સમર્થન મળી રહે છે. એ જ રીતે સૌરાષ્ટ્રના પૂર્વ અને પશ્ચિમ છેડા ઉપર ઑલિગોસીનથી પ્લાયોસીનના સ્તરો ટ્રૅપ ઉપર રહેલા મળે છે, જે પૈકી પશ્ચિમનો વિવૃત ભાગ દ્વારકા સ્તરો તરીકે ઓળખાય છે. ઈયોસીનથી માયોસીન (ન્યૂમુલિટિકથી ગજ) વયના સ્તરો ખંભાતના અખાતની બંને બાજુએ પશ્ચાત્-તૃતીય કાંપ હેઠળ દટાયેલા હોવાની શક્યતા છે. વડોદરાની આજુબાજુના ભાગોમાં અને સૌરાષ્ટ્રના પૂર્વ કિનારા પર કુદરતી વાયુનાં છૂટક સંચયસ્થાનોના અસ્તિત્વ પરથી આ અનુમાન કરેલું છે. પંજાબ, આસામ અને મ્યાનમારનાં મુખ્ય પેટ્રોલિયમયુક્ત સ્થાનો આ રચનાઓ (ઇયોસીન – માયોસીન) પૂરતાં મર્યાદિત છે. કચ્છમાં (અને સૉલ્ટ રેઇન્જમાં પણ) ઑલિગોસીન ખડકસ્તરો જોવા મળતા નથી.
ગિરીશભાઈ પંડ્યા