ઑલપોર્ટ, એફ. એચ. (જ. 22 ઑગસ્ટ 1890, મિલવૉકી, વિસ્કોન્સીન, યુ. એસ.; અ. 15 ઑક્ટોબર 1979, કેલિફોર્નિયા, યુ. એસ.) : સામાજિક મનોવિજ્ઞાનની શાખાના સંસ્થાપક. આખું નામ ઑલપોર્ટ ફ્લોઇડ. 1919માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી અને ઇન્સ્ટ્રક્ટર તરીકે 1922 સુધી ત્યાં જ રહ્યા. ત્યારબાદ તે યુનિવર્સિટી ઑવ્ નૉર્થ કેરોલિનામાં સહપ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. 1924માં સિરેક્યુસ યુનિવર્સિટીમાં સામાજિક વિજ્ઞાનો માટેની નવી સ્થપાયેલી સ્કૂલમાં આમંત્રણ મળતાં ત્યાં ગયા. મેક્સર્વલ ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑવ્ સિટિઝનશિપ અને પબ્લિક વકર્સમાં પ્રોફેસર તરીકે તેમણે કામગીરી બજાવી. અમેરિકામાં સામાજિક મનોવિજ્ઞાનમાં 1956માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે સિરેક્યુસમાં જ કામગીરી બજાવી હતી.

ઑલપોર્ટ પર મેક્ડૂગલ અને રોસનાં પ્રારંભિક સૈદ્ધાંતિક કાર્યોની અસર જોવા મળે છે. ઑલપોર્ટ પરિષ્કૃત વર્તનવાદમાં માનતા હતા. તે જ્યારે હાર્વર્ડમાં સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા હતા ત્યારે એડ્વિન હૉલ્ટ અને હ્યૂગો મુન્સ્ટર બર્ગની તેમના પર પ્રમુખ બૌદ્ધિક અસર હતી. હૉલ્ટ પાસેથી તે જ્ઞાનમીમાંસા, વૈજ્ઞાનિક સમજ અને સામાજિક વર્તનવાદનું શિક્ષણ પામ્યા. મેક્ડૂગલના વિદ્યાવાદ સામે તેમણે બળવો પોકાર્યો હતો. તેને લીધે બ્રિટિશ ઉત્ક્રાન્તિવાદીઓની જે આંતરસૂઝ તેમણે પ્રાપ્ત કરી હતી તેને લીધે રચનાત્મક સુધારણા તરફ પણ તે આગળ વધી શક્યા હતા.

ઑલપોર્ટની પ્રમુખ રચનાઓમાં મનુષ્યના મનુષ્ય સાથેના સંબંધ પર આધારિત ‘સોશિયલ સાઇકૉલોજી’ 1924માં પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તક સામાજિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કીર્તિસ્તંભ બની રહ્યું. 1931માં કાર્ટ્ઝ ડેનિયલની સાથે ‘સ્ટુડન્ટ ઍટિટ્યૂડ : એ રિપૉર્ટ ઑવ્ ધ સિરેક્યુસ યુનિવર્સિટી’ પ્રસિદ્ધ થયો હતો. 1932માં ડીકન્સ મિલ્ટન સી અને શેંક રિચાર્ડ એલ. સાથેનો લેખ ‘સાઇકૉલોજી ઇન રિલેશન ટુ સોશિયલ ઍન્ડ પોલિટિકલ પ્રૉબ્લેમ્સ’ પાછળથી ‘સાઇકૉલોજી ઍટ વર્ક’ તરીકે પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયો હતો. 1933માં ‘ઇન્સ્ટિટ્યૂશનલ બિહેવિયર’ પ્રસિદ્ધ થયું હતું. 1955માં ‘થીયરિઝ ઑવ્ પરસેપ્શન ઍન્ડ ધ કૉન્સેપ્ટ ઑવ્ સ્ટ્ર્ક્ચર’ પ્રસિદ્ધ થયું હતું.

ઑલપોર્ટની રચનાઓમાં સામાજિક વિશ્લેષણ કરતાં મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ વધારે ધ્યાન ખેંચે છે. ફ્રૉઇડની સંઘર્ષ (conflict) વિશેની સંકલ્પના અને સામાજિક સમસ્યાઓના સંબંધમાં ફ્રૉઇડિયન અને ગ્રીક અભિગમોનો ઉપયોગ જોવા મળે છે.

સામાજિક મનોવિજ્ઞાનના ક્ષેત્રને અલાયદું સ્વરૂપ આપવાના હેતુથી તેમણે સામાજિક સમસ્યાઓ સાથે સંબંધ ધરાવતાં ક્ષેત્રોમાં વ્યક્તિગત ધોરણે પણ માપનો થવાં જોઈએ એમ કહ્યું અને સામાજિક વિજ્ઞાનોમાં વાર્તનિક પ્રવાહો માટે તેમણે બૌદ્ધિક અભિગમ તથા ઉદાહરણો પૂરાં પાડ્યાં તે એ ક્ષેત્રનું તેમનું મુખ્ય પ્રદાન ગણાયું છે.

શાંતિલાલ છ. કાનાવાલા