ઑર (placenta) (માનવેતર) : સસ્તનોમાં ભ્રૂણને માતાના ગર્ભ સાથે જોડનારું વહનાંગ (vascular – organ). કેટલીક ગર્ભાશયની પેશીઓ તેમજ ભ્રૂણપેશીઓના સાન્નિધ્યથી બનેલી આ ઑર, માતા તેમજ ગર્ભ વચ્ચે કડીરૂપ બનીને પોષણ, શ્વસન તેમજ ઉત્સર્જનની કામગીરી બજાવે છે. અંશત: ઑર એક પ્રકારની પોષક તથા રક્ષક ગ્રંથિ પણ છે.
અપત્યપ્રસવી (viviparous) સસ્તન માદા જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે ગર્ભનાં આવરણોના જોડાણ તથા ગર્ભાશયની પેશીઓ સાથેના સાન્નિધ્યથી ઑરનો ઉદભવ થાય છે. ગર્ભધારણ અને તેના વિકાસના શરૂઆતના સમયમાં ઑરનું કામ ઉલ્વ (amnion) તથા જરાયુ (chorion) કરે છે. ઑર એક અંત:સ્રાવી ગ્રંથિ છે અને એના અંત:સ્રાવથી ગર્ભાશયનું આંતરિક વાતાવરણ સચવાઈ રહે છે અને ગર્ભનો વિકાસ થાય છે. ઑરની મૂળભૂત કામગીરી પોષણની છે. તે માતાના લોહી મારફતે પોષક તત્વો, ઑક્સિજન તથા પ્રતિરક્ષકો વગેરે ગર્ભને પહોંચાડે છે. સાથે સાથે ગર્ભમાં ઉત્પન્ન થયેલાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યો તેમજ કાર્બનડાયૉક્સાઇડ જેવા ચયાપચીય કચરાનો માતાના લોહી મારફતે નિકાલ કરે છે.
પ્રાણીજગતની વિશાળતા અને વિવિધતાને અનુરૂપ ઑર પણ અનેક પ્રકારની હોય છે. ઑરનાં આકાર તથા રચનાનો આધાર ગર્ભ તથા ગર્ભાશયની પેશીઓના જોડાણના પ્રકાર ઉપર રહેલો છે. ઑરના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે : (1) પ્રસરણાત્મક (diffuse), (2) દલાત્મક (styledonary), (૩) વલયાત્મક (zonary) અને (4) ચક્રાત્મક (discoidal).
ગર્ભનું આવરણ અને ગર્ભાશયની દીવાલ પરસ્પર નિકટ આવીને પ્રસરે ત્યારે તે પ્રસરણાત્મક ઑર કહેવાય છે, જે ઘોડી, ડુક્કર વગેરે પ્રાણીઓમાં જોવામાં આવે છે. ગાય, ઘેટી, હરિણ વગેરેમાં દલાત્મક ઑર બને છે. આ પ્રકારની ઑરનું ગર્ભાશય જોડે મર્યાદિત પ્રમાણમાં જોડાણ થાય છે. વલયાત્મક ઑરમાં ગર્ભ અને ગર્ભાશયનું જોડાણ સેતુરૂપ હોય છે; દા. ત., કૂતરી. અંગુષ્ઠધારી અને રોડેન્ટમાં ચક્રાત્મક પ્રકારની ઑર હોય છે. અહીં ગર્ભ-ગર્ભાશયનો સેતુ વલયાત્મક ઑર કરતાં પણ વધુ નિકટનો હોય છે. આ ઉપરાંત જોડાણ પામેલ ચામડીનાં સ્તર અનુસાર પણ ઑરના પ્રકાર પાડવામાં આવે છે, જેવા કે (1) અધિચ્છદીય જરાયુક (epitheliochorial), (2) અંતશ્ચ્છદીય જરાયુક (endotheliochorial) અને (૩) રુધિર જરાયુક (hemochorial).
ભ્રૂણ અને ઑરની પેશીઓ માતાના લોહી જોડે સીધા સંપર્કમાં આવે તે રીતે રુધિર-જરાયુક ઑરમાં માતાનાં અંતશ્ચ્છદ (endothelium) અને ભ્રૂણના પોષક-અધિચ્છદ(trophoblastic-epithelium)ની વચ્ચે જોડાણ થાય છે.
ઑરનું કામ મુખ્યત્વે પોષણ આપીને ભ્રૂણનો વિકાસ સાધવાનું હોય છે. આને માટે ઑરને ઉત્સેચક ઉત્પન્ન કરવા પડે છે. ભ્રૂણને અમુક રોગથી બચાવવા માટે પ્રતિરક્ષણ-સ્થાનાંતર (immunity- transfer) કરવું પડે છે. માતાના રોગોના ચેપમાંથી પણ તેને બચાવવાનો હોય છે. ઑર આમ, ભ્રૂણ પરિપક્વ થઈને બહાર આવે ત્યાં સુધી તેનું પોષણ તથા રક્ષણ કરે છે.
પ્રસૂતિ વખતે ઑર ખરી જાય છે. જો ઑર ગર્ભાશયની ચામડીની જોડે ખેંચાઈને બહાર આવે તો તે પ્રકારની ઑરને પાતી (deciduate) ઑર કહે છે, પરંતુ જો ઑર અને ગર્ભાશયની પેશીઓ જોડે ઉપરછલ્લો સંપર્ક હોય અને તે ખરતી વખતે ગર્ભાશયની દીવાલને જોડે ન ખેંચી લે તો તેને અપાતી (non-deciduate) ઑર કહે છે.
કેતકી દેરાસરી