ઑર્થોરહોમ્બિક વર્ગ (orthorhombic system) : સ્ફટિકરૂપ પદાર્થો(ખનિજ વગેરે)ના છ સ્ફટિકવર્ગો પૈકીનો એક. આ સ્ફટિકવર્ગમાં સમાવિષ્ટ તમામ ખનિજ સ્ફટિકોમાં ત્રણ અસમાન લંબાઈના a, b, c સ્ફટિક અક્ષ હોય છે; તે અરસપરસ 900ને ખૂણે છેદે છે. સ્ફટિકની આગળથી પાછળ જતો અક્ષ ‘a’ નામથી અને (કેટલાક અપવાદ સિવાય) ટૂંકો હોવાથી ‘brachy’ તરીકે ઓળખાય છે. જમણેથી ડાબે જતો અક્ષ ‘b’ નામથી અને એકમ લંબાઈનો હોવા છતાં ‘a’ કરતાં લાંબો હોઈને ‘macro’ તરીકે ઓળખાય છે. ઉપરથી નીચે તરફ જતો અક્ષ ‘c’ નામથી ઊભા અક્ષ તરીકે ઓળખાય છે. ‘c’ અક્ષ એકમ લંબાઈની અપેક્ષાએ ટૂંકો કે લાંબો પણ પ્રત્યેક ખનિજ સ્ફટિક માટે ચોક્કસ લંબાઈનો હોઈ શકે છે. આ કારણે અક્ષીય ગુણોત્તર સ્ફટિકભેદે બદલાતો રહે છે. આ વર્ગના બધા જ સ્ફટિકોમાં ‘b’ અક્ષને એકમ લંબાઈનો ગણવામાં આવે છે. આ વર્ગમાં સ્ફટિકીકરણ પામતા ખનિજ સ્ફટિક બેરાઇટને સંદર્ભ લઈને તેના ત્રણ અક્ષ, તેમનો લંબાઈનો ગુણોત્તર અને ધ્રુવો આકૃતિ સહિત આપવામાં આવેલાં છે.
સ્ફટિકની પરખ માટે તેની ધારણ-સ્થિતિ (orientation) મહત્વની બની રહે છે. a અને b બંને ક્ષિતિજ સમાંતર હોવાથી સ્ફટિકને એવી રીતે પકડવો જોઈએ કે b અક્ષ નિરીક્ષકને પોતાને સમાંતર ગોઠવાઈ રહે, જેથી ‘a’ આગળ-પાછળ અને ‘c’ ઊભી સ્થિતિમાં આપોઆપ ગોઠવાઈ રહે.
ઑર્થોરહોમ્બિક વર્ગના સ્ફટિકોનું સમતાનાં તત્વો મુજબ ત્રણ વિશિષ્ટ સમમિતિ (symmetry) પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે.
(1) બેરાઇટ પ્રકાર : બેરાઇટ નામના ખનિજ સ્ફટિક પરથી આ સમમિતિ પ્રકારનું નામ આપેલું છે. આ પ્રકાર ઑર્થોરહોમ્બિક વર્ગમાં સમમિતિનાં મહત્તમ તત્વો ધરાવતો હોવાથી તેને સામાન્ય પ્રકાર પણ કહેવાય છે. તેમાં ત્રણ સમમિતિ તલ, ત્રણ સમમિતિ અક્ષ અને સમમિતિ કેન્દ્રનો સમાવેશ થાય છે. બેરાઇટ સમમિતિ પ્રકારવાળા ખનિજ સ્ફટિકો બેઝલ પિનેકોઇડ, બ્રેકી પિનેકોઇડ, મેક્રો પિનેકોઇડ, પ્રિઝમ, બ્રેકીડોમ, મેક્રોડોમ અને પિરામિડ જેવાં કોઈ પણ બે કે તેથી વધુ સ્વરૂપો(forms)થી બંધાયેલા હોય છે. બેરાઇટ ઉપરાંત ઑલિવિન, સ્ટોરોલાઇટ, ટોપાઝ, ઍન્ડેલ્યુસાઇટ, ઝોઇસાઇટ, કોર્ડિયેરાઇટ, ગંધક વગેરે ખનિજો આ પ્રકારની સમમિતિવાળાં હોય છે.
(2) કૅલેમાઇન પ્રકાર અથવા અર્ધરૂપ પ્રકાર : આ પ્રકારની સમમિતિનાં તત્વોમાં બે સમતાનાં તલ અને એક સમમિતિ અક્ષનો સમાવેશ થાય છે. સમતાનું કેન્દ્ર આ પ્રકારમાં હોતું નથી, પરિણામે આ પ્રકારની સમમિતિવાળા ખનિજ સ્ફટિકોમાં બેઝલ પ્લેઇન તેમજ બેરાઇટ પ્રકારનાં અન્ય સ્વરૂપો જોવા મળે છે. કૅલેમાઇન અને સ્ટ્રુવાઇટ આ પ્રકારની સમમિતિવાળા સ્ફટિકોનાં ઉત્તમ ઉદાહરણ છે.
(3) ઍપ્સોમાઇટ પ્રકાર અથવા સ્ફીનૉઇડલ પ્રકાર : આ પ્રકારની સમમિતિનાં તત્વોમાં માત્ર ત્રણ સમમિતિ અક્ષ જ હોય છે, જ્યારે સમમિતિ તલ અને સમમિતિ કેન્દ્ર હોતાં નથી. સામાન્યત: આ પ્રકારની સમમિતિ ધરાવતા સ્ફટિકોમાં સ્ફીનૉઇડ અને પ્રિઝમ જેવાં સ્વરૂપો જ જોવા મળે છે.
ઍપ્સોમાઇટ ખનિજના સ્ફટિકો આ પ્રકારની સમમિતિ ધરાવે છે.
રાજેશ ધીરજલાલ શાહ