ઑર્ગેનોફૉસ્ફરસ વિષાક્તતા (organophosphorus poiso-ning)
January, 2004
ઑર્ગેનોફૉસ્ફરસ વિષાક્તતા (organophosphorus poisoning) : ઑર્ગેનોફૉસ્ફરસ રસાયણોથી થતી ઝેરી અસર. તે જંતુનાશકો (insecticides), કીટનાશકો (pesticides) તથા દવાઓ તરીકે વપરાય છે; દા.ત., ડાઇઆઇસોપ્રોપાઇલ ફ્લુરોફૉસ્ફેટ (DFP), ટેટ્રાઇથાઇલ પાયરોફૉસ્ફેટ (TEPP) અને ઇકોથાયોફેટ જેવી દવાઓ તથા પેરાથિયોન, મેલેઠથિયોન, મિપાફોકસ, ઑક્ટામિથાઇલ પાયરોફૉસ્ફેટ ટેટ્રામાઇડ્ (OMPA), ડાયાઝીનોન જેવાં જંતુનાશકો, ટ્યુબન (tuban), સરીન અને સોમન જેવા ખૂબ જ ઝેરી ચેતાવિષવાયુઓ (nerve gas). જંતુનાશકો કે કીટનાશકોના છંટકાવ કરનારી વ્યક્તિઓમાં એક વ્યાવસાયિક જોખમરૂપે, ક્યારેક છંટકાવ કરેલી ખેતપેદાશ આકસ્મિક કારણસર ખવાઈ જાય તો અથવા આપઘાત કરવાના ઇરાદાથી તેને જાણી જોઈને લેવામાં આવેલ હોય તો આ જૂથના પદાર્થની ઝેરી અસરો જોવા મળે છે. ચામડી, શ્લેષ્મકલા (mucous membrane), શ્વસનતંત્ર કે જઠર અને આંતરડાં દ્વારા તે શરીરમાં પ્રવેશે છે. એસિટાઇલકોલિન નામના ચેતાવાહક(neuro transmitter)નો નાશ કરનાર ઉત્સેચક, એસિટાઇલકોલિન ઇસ્ટરેઝના કાર્યને અટકાવીને તે તેની ઝેરી અસર ઉત્પન્ન કરે છે. મસ્કેરીનિક અને નિકોટિનિક એમ બે પ્રકારની ક્રિયાઓ દ્વારા તેની ઝેરી અસરનાં ચિહનો અને લક્ષણો પ્રગટ થાય છે. જો તે આંખમાં પડે તો કીકી નાની થાય છે, નજીકનું જોવામાં તકલીફ પડે છે, માથું દુ:ખે છે અને આંખ લાલ થઈ જાય છે, તેનો વાયુ શ્વાસમાં લેવાય તો ખાંસી અને શ્વાસ ચઢે છે, શ્વસનિકાઓ(bronchioles)માં પ્રવાહી ઉત્પન્ન થાય છે અને છાતીમાં દબાણ અનુભવાય છે. મોં વાટે લેવાયેલા પદાર્થ સૌપ્રથમ અને મુખ્યત્વે ઊબકા, ઊલટી, ચૂંક, ઝાડા અને વારંવાર હાજત જવાની આશંકા (tenesmus) પેદા કરે છે. આંખ અને શ્વસનમાર્ગની ઉપર જણાવેલી મસ્કેરીનિક અસરો પાછળથી દેખા દે છે. શ્વસનિકાનું સતત આકુંચન (bronchospasm) અને ફેફસીશોફ (pulmonary oedema) પ્રાણઘાતક પણ નીવડે છે. નિકોટિનિક આડઅસરો રૂપે સ્નાયુતંતુઓનાં સંકોચનો (fasciculatiens) અલગ અલગ સ્નાયુતંતુઓનાં સંકોચન (twitchings), આખા શરીરમાં અશક્તિ અને સ્નાયુતંતુઓનો ઘનીભૂત (depolarised) પ્રકારનો લકવો થાય છે. હૃદયના ધબકારા ક્યારેક વધી જાય છે તો ક્યારેક ઘટે છે. કેન્દ્રીય ચેતાતંત્રીય અસરો રૂપે ચક્કર, ચિંતા, માનસિક ગૂંચવણ, અસ્થિરતા, લોહીના દબાણમાં ઘટાડો, શ્વસનતંત્રના કાર્યમાં ઘટાડો, આંચકી અને બેભાનાવસ્થા થાય છે. શ્વસનકાર્યની નિષ્ફળતા મૃત્યુ લાવે છે. આ પ્રકારની ઉગ્ર ઝેરી અસરો ઉપરાંત લાંબા ગાળાના ઝેરીકરણને કારણે ચેતાપથો(nerve tracts)માં શ્વેતાવરણ(myelin sheath)માં ઘટાડો થાય છે અને તેથી મટાડી ન શકાય તેવી રીતે ચેતાતંતુઓના કાર્યમાં વિક્ષેપ ઊભો થાય છે.
ઉગ્ર ઝેરીકરણથી થતું મૃત્યુ અટકાવવા સારવાર તરત કરવામાં આવે છે. દર્દીને ઝેરી વાતાવરણથી દૂર લઈ જઈને મોં વાટે જઠરશોધન (gastric lavage) દ્વારા તેના જઠરમાં રહેલા ઝેરને કાઢી નખાય છે. મોં અને ગળાને આંગળી કે ચૂસકયંત્ર (suction) વડે સાફ કરાય છે. શ્વાસોચ્છવાસનો માર્ગ ખુલ્લો રહે તેની સંભાળ રખાય છે. વિષયુક્ત કપડાં કાઢી નાખીને જંતુનાશક દ્રવ્ય ચોંટ્યું હોય તે ભાગની ચામડીને સાબુ અને પાણીથી સાફ કરાય છે. આંખમાં રસાયણ પડ્યું હોય તો તેને ચોખ્ખા પાણીથી સાફ કરાય છે. શારીરિક ઝેરી અસરો શરૂ થઈ હોય તો ખૂબ મોટા પ્રમાણમાં અને ઘણા લાંબા સમય માટે, લગભગ 7થી 10 દિવસ સુધી, ઍટ્રોપીનનાં ઇંજેક્શનો અપાય છે. ઍટ્રોપીનની યોગ્ય માત્રા નક્કી કરવા કીકી પહોળી થયેલી રહે છે કે નહિ તે સતત જોવામાં આવે છે. નિગ્રહિત (inhibited) ઉત્સેચકને પુન:ઉત્તેજિત કરવા માટે પ્રૉલિડોક્ઝાઇમ (prolidoxime, p-2-AM) અપાય છે. શ્વાસોચ્છવાસનો દર, નાડીના ધબકારા, લોહીનું દબાણ, ચેતાતંત્રીય અવસ્થા તથા શક્ય હોય તો કોલિન ઇસ્ટરેઝનું લોહીમાંનું પ્રમાણ વારંવાર નોંધતા રહીને દર્દીની અવસ્થાનું નિર્ધારણ કરાય છે. જરૂર પડ્યે નસ વાટે પ્રવાહી અને પ્રતિજૈવ ઍન્ટિબાયૉટિક દવાઓ અપાય છે. દર્દીની સંભાળ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રાખવી પડે છે કેમ કે તે વહેલી બંધ કરવામાં આવે તો મૃત્યુકારક ઝેરી અસરો ઊથલો મારે છે.
શિલીન નં. શુક્લ
ભરત જે. પરીખ