ઑર્ગેનિઝેશન ફૉર ઈકોનૉમિક કોઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)
January, 2004
ઑર્ગેનિઝેશન ફૉર ઈકોનૉમિક કોઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD) : આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આર્થિક વિકાસને પ્રોત્સાહન તથા અલ્પવિકસિત દેશોને સહાય આપવાના હેતુથી ઊભી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. યુરોપના 18 દેશો અને અમેરિકા તથા કૅનેડા એમ વીસ દેશોએ 14 ડિસેમ્બર 1960ના રોજ આ સંસ્થાની સ્થાપનાના સંધિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા અને 30 સપ્ટેમ્બર 1961ના રોજ સંસ્થાની વિધિસર સ્થાપના થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન તારાજ થયેલા યુરોપના દેશોના અર્થતંત્રને પુન: સ્થાપિત કરવાના હેતુથી માર્શલ યોજના હેઠળ 1948માં સ્થાપવામાં આવેલી સંસ્થા ઑર્ગેનિઝેશન ફૉર યુરોપિયન ઈકોનૉમિક કોઑપરેશન(OEEC)નો મૂળ હેતુ સિદ્ધ થતાં તેના સ્થાને આ નવી આંતરરાષ્ટ્રીય સંસ્થા (OECD) ઊભી કરવામાં આવી હતી. 1980માં તેના 24 સભ્યો હતા. ઉપરાંત, યુગોસ્લાવિયા વિધિસર સભ્ય ન હોવા છતાં તેને સંસ્થામાં સહ-સભ્ય તરીકે અપનાવવામાં આવેલું. તેના કાયમી વહીવટી મંડળ(council)માં સભ્ય દેશોની સમસ્યાઓની સમીક્ષા કરવામાં આવે છે. સંસ્થાના મહામંત્રી તથા સચિવો(secretariat)ની નિમણૂક કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. સંસ્થાનું મધ્યસ્થ કાર્યાલય પૅરિસ ખાતે છે.
આંતરરાષ્ટ્રીય વ્યાપર તથા આર્થિક વિકાસને પ્રોત્સાહન, વિશ્વમાં રોજગારીની તકોનું વિસ્તરણ, આર્થિક સ્થિરતા તથા લોકોના જીવનધોરણની સતત સુધારણા વગેરે હેતુઓને વરેલી આ સંસ્થા વિકસતા દેશોને અપાતી આર્થિક સહાયનું સંકલન પણ કરે છે. વિશ્વના દેશો વચ્ચે કોઈ પણ જાતના ભેદભાવ વિના વ્યાપાર થાય તેવા પ્રયાસ આ સંસ્થા કરે છે અને તે માટે વ્યાપાર તથા મૂડીની હેરફેરને ઉદાર શરતોથી પ્રોત્સાહન આપે છે.
સંસ્થા દ્વારા ‘The OECD Observer’ નામનું પાક્ષિક પ્રકાશિત કરવામાં આવે છે; તેમાં વિશ્વના અર્થતંત્રનાં વલણોની સમીક્ષા, આંકડાકીય માહિતી તથા સભ્ય દેશોની આર્થિક કામગીરી અને ઉપલબ્ધિઓની વાર્ષિક સમીક્ષાને સ્થાન આપવામાં આવે છે.
વિચારવિનિમય તથા સલાહ-મસલત સિવાય આ સંસ્થા અન્ય કોઈ નક્કર સત્તા ધરાવતી નથી. છતાં નૈતિક બળ, પ્રકાશનો, પરિસંવાદો, ચર્ચાસભાઓ તથા પરિષદોના માધ્યમ દ્વારા તે વિશ્વનાં અને ખાસ કરીને સભ્ય દેશોનાં આર્થિક વલણો તથા તદવિષયક નીતિઘડતર પર પોતાનો પ્રભાવ પાડવામાં ઠીક ઠીક સફળ થઈ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે