ઑરોઝ્કો, જોસે ક્લૅમેન્ત (જ. 23 નવેમ્બર 1883, ઝાપોત્લાન, જાલિસ્કો, મેક્સિકો; અ. 7 સપ્ટેમ્બર 1949, મેક્સિકો નગર, મેક્સિકો) : વિશ્વવિખ્યાત મેક્સિકન ચિત્રકાર; સમાજવાદી વાસ્તવમૂલક શૈલીના પ્રણેતાઓમાંનો એક.
ચાર વરસનો હતો ને કુટુંબે ઝાપોત્લાન ગામેથી મેક્સિકો નગરમાં સ્થળાંતર કર્યું. બાર વરસની ઉંમરે કૃષિશાળામાં દાખલ થયો અને એકવીસ વરસની ઉંમરે પ્રેપરેટરી સ્કૂલમાં ગણિતના અભ્યાસ માટે દાખલ થયો, કારણ કે તેની મહત્ત્વાકાંક્ષા સ્થપતિ બનવાની હતી. પછી અકાદમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં દાખલ થયો પણ લાઇફ સ્ટડી અને ન્યૂડ સ્ટડી (માનવદેહની શરીરરચના જાણવા માટેના વિગતવાર અભ્યાસો) કર્યાં નહિ. વિદ્યાર્થીકાળમાં અકસ્માતમાં તેણે એક ડાબો હાથ અને એક આંખ ગુમાવ્યાં. તેની ઉપર જોએ ગ્વાદાપુલે પોસાદાનાં છાપચિત્રો (ઍન્ગ્રેવિન્ગ્સ)ની ઊંડી અસર પડી. 1915માં તેનાં ચિત્રોનું પ્રથમ પ્રદર્શન યોજાયું હતું. ઓરિઝાબાથી પ્રકાશિત થતા ‘જંગલ ગ્રૂપ’ પ્રકાશનમાં ત્રીસ વરસના ઑરોઝ્કોનાં કટાક્ષચિત્રો-ઠઠ્ઠાચિત્રો (caricature) પ્રકાશિત થતાં ઑરોઝ્કોની નામના એક કલાકાર તરીકે થઈ. આ કટાક્ષચિત્રોમાં લૂંટાતાં અને સળગાવાતાં ઘરો, ખૂન, બળાત્કાર જેવાં યુદ્ધનાં બિહામણાં પરિણામો તાદૃશ કરવામાં આવેલાં. એ વખતે કૅરેન્ઝાની મેક્સિકન સરકાર ક્રાંતિકારીઓને બંદૂકની અણીએ દબાવી રહી હતી. ઑરોઝ્કોનાં આ કટાક્ષચિત્રોમાં પીધેલા ઘાતકી સૈનિકોને જુગુપ્સાપ્રેરક મહિલાઓથી વીંટળાયેલા બતાવવામાં આવ્યા છે. મેક્સિકન સરકારે તુરત અર્થઘટન કર્યું કે આ ચિત્રો પોતાની ટીકા છે તેથી ઑરોઝ્કાને દેશનિકાલનો હુકમ કર્યો. 1917માં ઑરોઝ્કો યુ.એસ.ના કૅલિફૉર્નિયામાં ચાલ્યો ગયો અને બે વર્ષ પછી 1919માં મેક્સિકોમાં પાછો ફર્યો. 1920 સુધી બજારુ છોકરીઓનાં અશ્લીલ ચિત્રો ચીતરનાર તરીકે જ એની ઓળખ સ્થાપિત થયેલી. મેક્સિકોથી પ્રકાશિત થતા સામયિક ‘ઍલ મૅલોર’(અર્થ : માથાનો દુખાવો)માં ઑરોઝ્કોનાં બીજાં એક સો ઠઠ્ઠાચિત્રો છપાયાં. યુ.એસ.ના કસ્ટમ વિભાગે આ સામયિકના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. મેક્સિકોના કચડાયેલા દલિતો અને પીડિતો જ ઑરોઝ્કોની કલાના મુખ્ય નાયકો હતા. ભીંતચિત્રકાર સિક્વિરોસે સ્થાપેલી કલામંડળી ‘સિન્ડિકેટ ઑવ્ મ્યુરલ પેઇન્ટર્સ’નો ઑરોઝ્કો 1922માં સભ્ય બન્યો; આમ છતાં સામ્યવાદી પક્ષનો સભ્ય બન્યા વિના જ, સામ્યવાદ કે સમાજવાદ પ્રત્યે કટિબદ્ધ થયા વિના જ ઑરોઝ્કોએ અદના આદમી તરફ પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી. ‘મેટર્નિટી’ શીર્ષક હેઠળ એણે પોતાનું પહેલું ભીંતચિત્ર ચીતર્યું. બીજા ભીંતચિત્રમાં ‘સ્પ્રિન્ગ’માં માથું નીચે અને પગ ઉપર એવી ઊંધી માનવઆકૃતિ વિષય હતી. ત્રીજા ભીંતચિત્રમાં ખભે કુહાડી લટકાવેલા જાડી ગરદનવાળા ઈસુ ચીતર્યા. પછી બીજા અને ત્રીજા ભીંતચિત્રનો જાતે જ નાશ કર્યો. એ પછી પ્રમુખ ઓબ્રેગોનના શાસનકાળમાં 1923માં પ્રેપરેટરી સ્કૂલના નૉર્થ કોરિડોરમાં ભવ્ય ભીંતચિત્ર ‘ધ ટ્રેન્ચ’ ચીતર્યું. તેમાં ખુલ્લી સ્નાયુબદ્ધ, શક્તિશાળી અને મદાર્ના છાતી ધરાવતા સૈનિકો નિરૂપ્યા. કૅથલિક ચર્ચના ચુસ્ત અનુયાયીઓએ તેનો નાશ કરવા પ્રયત્ન કર્યો. એવામાં 1924માં નવા પ્રમુખ કૅલસે (Calles) પ્રજાના પરસેવાનાં નાણાં કલા પાછળ વેડફવાનું બંધ કરતાં ઑરોઝ્કોનાં બાકીના ભીંતચિત્રો ચીતરાવાં બાકી રહી ગયાં, પણ 1926માં શિક્ષણમંત્રીએ ઑરોઝ્કોને બાકીનાં ભીંતચિત્રો ચીતરવાનું કામ મૂળ યોજના અનુસાર આગળ ધપાવવા ઇજન આપ્યું. ઑરોઝ્કોએ પ્રેપરેટરી સ્કૂલના નૉર્થ કોરિડોરના ઉપરના માળે અને દાદરાને સમાવતા ખંડમાં ભીંતચિત્રો ચીતર્યાં. કોઈ પણ વિષયના ઓઠા વગર જ મજબૂત સ્નાયુઓથી ફાટફાટ થતી ફૂલેલી છાતીઓ, ફૂલેલાં બાવડાં અને ફૂલેલી જાંઘો ધરાવતી આરામ કરતી માનવ-આકૃતિઓ ચીતરી.
1930માં ઑરોઝ્કો પોતાની મરજીથી અમેરિકાના કૅલિફૉર્નિયા ગયો અને ત્યાં કૉલેજ બિલ્ડિંગમાં ભીંતચિત્ર ‘પ્રોમિથિયસ’માં શારીરિક સૌષ્ઠવ ધરાવતી સ્નાયુબદ્ધ માનવ-આકૃતિ ચીતરી. ન્યૂયૉર્ક શહેરની ન્યૂ સ્કૂલ ફૉર સોશિયલ રિસર્ચમાં ‘મૅનકાઇન્ડ્ઝ સ્ટ્રગલ’ ભીંતચિત્ર ચીતર્યું. 1932માં હેનોવરની ડૅર્ટમાઉથ કૉલેજની બેકર લાઇબ્રેરીના ભોયરામાં ભીંતચિત્ર ‘અમેરિકન સિવિલાઇઝેશન’ ચીતર્યું. આ કૉલેજમાં તે ભીંતચિત્રકલાનો પ્રાધ્યાપક પણ બન્યો અને એ જ વર્ષે એણે યુરોપની યાત્રા પણ કરી. ‘અમેરિકન સિવિલાઇઝેશન’ ચિત્રમાં તેણે પ્રાગૈતિહાસિક કાળમાં મેક્સિકોમાં સ્થળાંતર કરતા મૂળ નિવાસીઓ(ઇન્ડિયન્સ)ને તથા અર્વાચીન મેક્સિકો નગર નજીક આવેલા પ્રાચીન નગર તિઓટીહુઆકેનમાં ઊંચાં પિરામિડો અને મંદિરો વચ્ચે વધેરાતા માનવબલિને તથા પ્રાચીન ટૉલ્ટેક ઇન્ડિયન્સના શ્વેતરંગી ત્વચા અને શ્વેતરંગી દાઢી ધરાવતા દેવ ક્વેત્ઝલ્કોતલને પણ ચીતર્યા. ક્વેત્ઝલ્કોતલની બંને બાજુ કદરૂપા મુખોટા ધારણ કરેલાં દેવદેવીઓ પણ ચીતર્યાં. મેક્સિકોના મૂળ ટૉલ્ટેક અને આઝ્તેક નિવાસીઓ દેવ ક્વેત્ઝલ્કોતલના પુનરાગમનની અપેક્ષા રાખતા. શ્વેતરંગી ત્વચા ધરાવતા કોર્તેસને તેમજ એક ફ્રાન્સિસ્કન સાધુને ક્રૂસનું મેક્સિકન ભૂમિમાં આરોપણ કરતા ચીતર્યા. શ્વેતરંગી ત્વચાધારી, ક્રૂર અને ઘાતકી સ્પૅનિશ આગંતુકોને મૂળ મેક્સિકનોના નિવાસીઓએ દેવ ક્વેત્ઝલ્કોતલના નવા અવતારો માની લીધેલા એ ઘટનાનો અહીં સંદર્ભ જોઈ શકાય છે. એ બધા સાથે અર્ધ-અમૂર્ત મહાયંત્રો અને કંટાળેલા નીરસ બીબાંછાપ ચહેરા ધરાવતા માણસો ચીતરી અમેરિકાનું અર્વાચીન જીવન ચીતર્યું છે. તેમાં અધૂરા માસે અવતરેલો એક સુકાઈ ગયેલો માનવગર્ભ પણ સમાવી લીધો છે.
ભીંતચિત્ર ‘ક્રાઇસ્ટ ડિસ્ટ્રૉઇંગ હિઝ ઓન ક્રૉસ’માં પોતાના ક્રૂસનો નાશ કરતા ઈસુને ચીતરીને લોકોનો ખોફ ઑરોઝ્કોએ વહોરી લીધો. આ ભીંતચિત્ર દ્વારા ઑરોઝ્કોએ પોતાની નિરાશાની ચરમસીમા વ્યક્ત કરી.
એ પછી મેક્સિકો પાછા ફરી મેક્સિકો નગરમાં પૅલેસ ઑવ્ ફાઇન આર્ટમાં રિવેરાએ ચીતરેલાં ભીંતચિત્રોની સામેની દીવાલે ઑરોઝ્કોએ કોઈ વિષયના ઓઠા વગર જ એક ભીંતચિત્ર ચીતર્યું અને તેમાં વેશ્યાઓથી લપેટાયેલા નગ્ન સૈનિકોનું આલેખન કર્યું. પછી મેક્સિકોના જાલિસ્કો પ્રાંતના નગર ગ્વાદાલાહારામાં તેણે ત્રણ વિરાટ કદનાં ભીંતચિત્ર ચીતર્યાં, જે તેનાં માસ્ટરપીસ ગણાય છે. આ ત્રણમાંથી એક ભીંતચિત્ર સ્થાનિક યુનિવર્સિટીની ભીંત પર, બીજું સરકારી મકાનની ભીંત પર અને ત્રીજું હૉસ્પિટલ ‘હોસ્પિચિયો કેબેનાસ’ની ભીંત પર છે. આ ચિત્રોમાં તેણે ક્રાંતિકારી સામ્યવાદી માર્ક્સિસ્ટ ચળવળની આકરી ટીકા કરી છે. કપાયેલાં અંગોપાંગો ધરાવતાં અને માત્ર હાડચામ જ ધરાવતાં સેંકડો ભૂખ્યાં માનવદેહો હૃષ્ટપુષ્ટ નેતાઓની હેઠળ કચડાતાં દેખાય છે. નેતાઓ તેમની તરફ નજર પણ ફેંકતા નથી. ગ્વાદાલાહારાની યુનિવર્સિટીની ભીંતે ચીતરેલ ચિત્ર ‘બેગરી’(BEGGARY)માં ત્રણ ભિખારીઓનું ચિત્ર પણ દર્શકને યાતનાપ્રેરક થઈ પડે એવું છે. તેમાં લાચાર વદન અને રક્ત-મજ્જાહીન અશક્ત શરીર માત્ર હાડકાં અને ચામડીના ઢગલારૂપ જ રહ્યાં છે. સરકારી મકાનની ભીંત પર પ્રજાના સાચા સાથીદાર નેતા પાદરી ફાધર મિગ્વેલ હિડાલ્ગો ઈ કોસ્ટિલો(Father Migael Hidalgo Y Costillo)ની નેતાગીરી હેઠળ ક્રાંતિસંઘર્ષનું ચિત્ર ‘બૅટલ ઑવ્ ધ રેવોલૂશન’ ચીતર્યું છે. આ જ ફાધરની દોરવણી હેઠળ મેક્સિન પ્રજાએ 1810માં બળવો શરૂ કરેલો જે આખરે મેક્સિકો દેશની સ્વતંત્રતામાં પરિણમ્યો. દુર્ભાગ્યે, આ ચિત્રના તેજસ્વી નીલા, પીળા અને જાંબલી રંગો ફિક્કા પડી ગયા છે. સરકારી મકાનની છત પર એનું સૌથી વધુ ચર્ચાસ્પદ ભીંતચિત્ર ‘ધ કૉન્ગ્રેસ ઑવ્ નેશન્સ’ છે. તેમાં તત્કાલીન વિશ્વનાં સૌથી વધુ ક્રૂર, ઘાતકી અને નિષ્ઠુર તથા નફ્ફટ નેતાઓ હિટલર, મુસોલીની, ટ્રૉટ્સ્કી, સ્ટેલિન અને મિકાડોને ચીતર્યા છે. સાથે સાથે તેમનાં પ્રતીકો – દાતરડું, હથોડી, સ્વસ્તિક અને ક્રૉસ પણ – ચીતર્યાં છે. એ નેતાઓનાં વરવાં આલેખનો દ્વારા તેમની હેવાનિયત ઑરોઝ્કોએ ખુલ્લી પાડી છે; આમ છતાં એ નેતાઓ નારાજ નહોતા થયા. આ ચિત્રનો ફોટો જોઈ સ્ટેલિને ઑરોઝ્કોને અભિનંદન પાઠવેલા અને ટ્રૉટ્સ્કીએ જાહેર કરેલું : ‘‘સ્ટેલિન અંગે મારે આ જ કહેવું છે.’’
હિસ્પિચિયો કૅબેનાસનાં ભીંતો પર એણે ભીંતચિત્રો ચાલુ કર્યાં અને તુરત જ સમાચાર મળ્યા કે જાલિસ્કોના નવા ગવર્નર ચૂંટાયા છે, જે કલા પાછળ નાણાં વેડફવાની વિરુદ્ધમાં છે. તેથી ઉતાવળે કામ પૂરું કરવાને કારણે અહીં ઑરોઝ્કોની કલાનાં શ્રેષ્ઠ પરિણામો જોવા મળતાં નથી. અહીં તેણે મહાન સ્પૅનિશ સાહિત્યકાર સર્વાન્ટિસ અને મહાન સ્પૅનિશ ચિત્રકાર અલ ગ્રેકોનાં વ્યક્તિચિત્રો, ઉપરાંત જે ચિત્રો ચીતર્યાં તેમાં ‘રિકલેક્શન ઑવ્ ઍઝ્તેક ડેઝ’, અને ‘ધ ફોર એલિમેન્ટ્સ’ સમાવેશ પામે છે. આ ચિત્રોમાં એઝ્તેક સંસ્કૃતિ નાશ પામી તે માટેની ઑરોઝ્કોની વેદના વ્યક્ત થયેલી જોઈ શકાય છે. સ્પૅનિશ વિજેતાઓની તેણે કડક આલોચના પણ અહીં કરી છે. સ્પૅનિશ વિજેતાઓના ઘોડાની ખરીઓ નીચે બાલસહજ નિર્દોષતા ધરાવતા ચહેરાવાળા મૂળ નિવાસીઓને ભયથી હેબતાઈ જઈને કચડાઈ જતા ચીતર્યા છે. (સ્પૅનિશ લોકો ઘોડા લાવ્યા તે અગાઉ મેક્સિકોના મૂળ નિવાસીઓએ ઘોડા કદી જોયા નહોતા, તેઓ ઘોડા જોઈ હેબતાઈ ગયેલા.) પાદરીઓએ કરેલા અત્યાચાર પણ ચીતર્યા છે.
1940માં ન્યૂયૉર્કના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટે ઑરોઝ્કો પાસે થોડાં તૈલરંગી ચિત્રો ચિતરાવ્યાં હતાં.
ઑરોઝ્કો મેક્સિકોનો અતિ મહત્ત્વનો ભીંતચિત્રકાર ગણાય છે.
અમિતાભ મડિયા