ઑરવેલ, જ્યૉર્જ (જ. 25 જૂન 190૩, મોતીહારી, બંગાળ; અ. 21 જાન્યુઆરી 1950, લંડન) : અંગ્રેજી નવલકથાકાર, નિબંધકાર અને વિવેચક. મૂળ નામ એરિક આર્થર બ્લેર. ઈસ્ટ એંગ્લિયામાં આવેલી ઑરવેલ નામની સુંદર નદી પરથી આ તખલ્લુસ અપનાવ્યું. તેમના પિતા ઇન્ડિયન સિવિલ સર્વિસમાં અધિકારી હતા; ડોળદ્યાલુ વાતાવરણમાં તેમનો ઉછેર થયો. નાની વયે માતાપિતા સાથે ઇંગ્લૅન્ડ આવ્યા. 1911માં સસેક્સના કાંઠે આવેલી નિવાસી પ્રાથમિક શાળામાં દાખલ થયા. વેદનાભર્યાં એ વર્ષોનો વૃત્તાંત ‘સચ વેર ધ જૉયઝ’(195૩)માં આલેખાયો છે. ઇંગ્લૅન્ડની બે અગ્રગણ્ય શાળા વિન્ચેસ્ટર અને ઈટનમાં અભ્યાસ કરવાની શિષ્યવૃત્તિ મેળવી, પણ આગળ અભ્યાસ માટે ઈટનમાં જવાનું પસંદ કર્યું; ત્યાં આલ્ડસ હક્સલીના શિક્ષણનો લાભ મળ્યો. પ્રાથમિક શિક્ષણની જેમ અહીં પણ સિરિલ કોનોલી તેમના સહાધ્યાયી હતા. 1917થી 1921 સુધીનાં ઈટન ખાતેનાં વર્ષો દરમિયાન, કૉલેજ સામયિકમાં તેમનાં સૌપ્રથમ લખાણો પ્રગટ થયાં. તેમની પ્રથમ પત્ની ઇલીનનું 1945માં અવસાન થયું. 1949માં તેમણે પુનર્લગ્ન કર્યું.
યુનિવર્સિટી ખાતેના ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ સ્વીકારવાને બદલે કૌટુંબિક પરંપરા જાળવી રાખીને તેમણે ઇન્ડિયન ઇમ્પીરિયલ પોલીસમાં આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક સ્વીકારી. 1922માં બર્મા ગયા. બ્રિટિશ સામ્રાજ્યના અધિકારી તરીકેની તેમની કારકિર્દી ર્દષ્ટાંતરૂપ બની રહી, પણ નાનપણથી જ તેઓ લેખક બનવા ઝંખતા હતા. વળી 1922થી 1927ના બર્મા(મ્યાનમાર)ના આ સેવાકાળ દરમિયાન તેમણે જોયું કે બ્રિટિશ શાસકો બર્મી પ્રજાનો વિરોધ છતાં તેમના પર સત્તા ચલાવી રહ્યા હતા. તેથી એક વિદેશી પોલીસ અધિકારી તરીકેની પોતાની કામગીરી બદલ તેઓ ક્ષોભ અને અપરાધભાવ અનુભવવા લાગ્યા. આ વ્યથાપૂર્ણ અનુભવોને અને શાહીવાદી શાસન પ્રત્યેના પ્રત્યાઘાતોને પાછળથી તેમણે પોતાની પ્રથમ નવલકથા ‘બર્મીઝ ડેઝ’(19૩4)માં તથા ગદ્યના સુંદર નમૂનારૂપ આત્મકથાત્મક નિબંધો ‘શૂટિંગ એન એલિફન્ટ’ તથા ‘એ હૅગિંગ’(1950)માં વાચા આપી છે.
1927માં ઇંગ્લૅન્ડમાં રજા ગાળ્યા પછી બર્મા પાછા જવાને બદલે 1 જાન્યુઆરી, 1928ના રોજ ઇમ્પીરિયલ પોલીસની સેવામાંથી રાજીનામું આપ્યું. પ્રાયશ્ચિત્ત રૂપે ગરીબ તથા તરછોડાયેલા લોકો સાથે સમભાવ દાખવવા અને તેમના પ્રશ્નો સમજવા ફાટ્યાં-તૂટ્યાં કપડાં પહેરીને લંડનના ઈસ્ટ એન્ડના મજૂરો તથા ભિખારીઓ સાથે વસવાટ કર્યો, પૅરિસની ઝૂંપડપટ્ટીમાં રહ્યા, ફ્રાન્સની હૉટેલોમાં વાસણો ધોવાનું વૈતરું કર્યું અને ઇંગ્લૅન્ડના રસ્તા પર આવારાઓ સાથે રઝળપાટ કરી, ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા અને પુસ્તકવિક્રેતાને ત્યાં ગુમાસ્તાગીરી પણ કરી. ગરીબી વિશેના આ બહુરંગી અનુભવની સામગ્રીમાંથી ‘ડાઉન ઍન્ડ આઉટ ઇન પૅરિસ ઍન્ડ લંડન’ (19૩૩) તથા ‘ધ રોડ ટુ વિગન પીઅર’ (19૩7) જેવી આત્મકથાત્મક રચનાઓ અને ‘કીપ ધ ઍસ્પિડિસ્ટ્રા ફ્લાઇંગ’ (19૩6) નવલકથા લખાઈ.
શાહીવાદ પ્રત્યેના ઉગ્ર પ્રત્યાઘાત તરીકે બર્માથી પાછા આવ્યા પછી તેમણે પોતાને અરાજકતાવાદી (anarchist) તરીકે ઓળખાવ્યા; થોડાં વર્ષો પછી ત્રીસીના દાયકામાં તે સમાજવાદી બની રહ્યા. એ સમાજવાદી વિચારસરણીના રાજકીય પ્રબંધરૂપ રચના તે ‘ધ રોડ ટુ વિગન પીઅર’ એ પુસ્તક છપાતું હતું તે દરમિયાન 19૩6માં સ્પેનના આંતરવિગ્રહનો હેવાલ લેવા ગયા અને ત્યાં રિપબ્લિકનના પક્ષે રહી યુદ્ધમાં જોડાયા અને ઘવાયા. આ અનુભવોથી સામ્યવાદ પ્રત્યે જે આશંકા અને ભીતિ જન્મ્યાં તે તેમની એક શ્રેષ્ઠ ગણાતી કૃતિ ‘હૉમેજ ટુ કેટેલોનિયા’(19૩8)માં આલેખાયાં છે. સામ્યવાદ સામેની જેહાદથી તેમને જીવ બચાવવા સ્પેન છોડીને ભાગવું પડ્યું. ત્યારથી તે સામ્યવાદ અને ફાસીવાદના સક્રિય અને ઉગ્ર વિરોધી બન્યા. બીજા વિશ્વયુદ્ધની ધમકીઓને લીધે તેમણે ‘કમિંગ અપ ફૉર ઍર’ (19૩9) નવલકથા લખી. તેમાં જ્યૉર્જ બૉલિંગ નામના કારકુનની નિષ્ફળતા અને રાજકીય મતમતાંતરોની વાત છે. ઑરવેલના જીવનમાં છેક સુધી આ સંઘર્ષ ચાલુ રહ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે 194૩ સુધી બી.બી.સી.માં સેવા આપી, પછી ડાબેરી સમાજવાદી અખબાર ‘ટ્રિબ્યૂન’માં સાહિત્યવિભાગના સંપાદક તરીકે જોડાયા. 1944માં તેમની કીર્તિદા કૃતિ ‘ઍનિમલ ફાર્મ’નું લેખનકાર્ય પૂરું થયું. શરૂઆતમાં પ્રકાશક મેળવવામાં મુશ્કેલી પડી, પણ 1945માં પ્રગટ થતાં તે પુસ્તકથી તેમને પ્રતિષ્ઠા અને પૈસો બંને મળ્યાં. સામ્યવાદ વિશેની રાજકીય કટાક્ષિકા સમી ‘ઍનિમલ ફાર્મ’ સુંદર લઘુ રૂપકકથા બની રહી છે. મુખ્યત્વે રશિયન ક્રાંતિ અને વ્યાપક ભાવે ક્રાંતિ સમસ્તની વ્યર્થતા પરત્વેના કટાક્ષની વાત આમાં પ્રાણીજગત નિમિત્તે આલેખાઈ છે. જોન્સ નામના પશુપાલકના પશુવાડાનાં પ્રાણીઓ માનવશાસકોના ત્રાસ સામે બળવો કરી તેમને ભગાડી મૂકે છે.
વિષય અને માવજતની ર્દષ્ટિએ ‘ઍનિમલ ફાર્મ’ તેમની સૌથી સુંદર કૃતિ ગણાતી હોવા છતાં 1949માં પ્રગટ થયેલ તેમની છેલ્લી નવલ ‘નાઇન્ટીન એઇટી-ફોર’ને વધારે બહોળી પ્રસિદ્ધિ મળી છે. જોકે બંને ઘોર નિરાશામાંથી નીપજેલ રાજકીય જુલ્મ સામેના તીવ્ર કટાક્ષો છે. વર્ષોના ચિંતનના નિચોડ રૂપે લખાયેલી રાજકીય વિષયની આ બીજી નવલકથામાં સંભવિત પોલીસ રાજ્યના આતંક સામે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ‘નાઇન્ટીન એઇટી-ફોર’માં સામ્યવાદના દુષ્પ્રભાવ નીચે જીવનારા સમાજનું ભાવિ સ્વરૂપ કેવું હશે તેની ભીષણ કલ્પના છે. સામ્યવાદ ડાબેરી હોય કે જમણેરી, મનુષ્યના વ્યક્તિત્વવિકાસ માટે તે હાનિકારક જ છે એમ ઑરવેલ માને છે. આમાં તેમણે એવું કલ્પ્યું છે કે આખું વિશ્વ યુરેશિયા, ઓશિયાજિયા તથા ઈસ્ટેશિયાનાના ૩ વિભાગોમાં વિભાજિત હશે અને યુદ્ધ રોજિંદી ઘટના બની જશે તથા યુરેશિયામાં સર્વસત્તાવાદી ‘બિગ બ્રધર’ની આણ હેઠળ માણસને સ્વતંત્ર વાણી તો શું વિચારનો પણ અધિકાર નહિ હોય અને ‘થૉટ પોલીસ’ બધું જ જાણી શકશે. અહીં ‘ન્યૂસ્પીક’ ભાષામાં લાગણીનિર્દેશક શબ્દો તો નહિ જ હોય, એ સમાજમાં લાગણી પણ નહિ હોય. અબાધિત સત્તા ભોગવનારા રાજ્ય અને એકહથ્થુ શાસનતંત્ર વિશેની આવી આગાહીઓની આ કથાનો અંતિમ ભાગ ઑરવેલે ક્ષયના ઊથલા વખતે હૉસ્પિટલમાં હતા ત્યારે આલેખ્યો છે. એ ક્ષયની માંદગીમાં જ છેવટે લંડનની હૉસ્પિટલમાં તેઓ અવસાન પામ્યા (1950). તેમના મરણ બાદ 1968માં ‘ધ કલેક્ટેડ એસેઝ, જર્નાલિઝમ ઍન્ડ લેટર્સ’ 4 ગ્રંથો રૂપે પ્રગટ થયા હતા. તેમાં સાહિત્ય રાજકારણ અને અંગ્રેજ રહેણીકરણીના 200થી વધુ નિબંધો છે.
ઑરવેલે એક સ્થળે કહ્યું હતું કે ‘બારીના કાચ જેવું ગદ્ય’ લખવાની તેમની ઇચ્છા હતી અને તેમની રચનાઓમાં આ ઇચ્છા બહુધા પાર પડી છે. પત્રકાર, વિવેચક અને આત્મકથાત્મક લખાણોના કર્તા તરીકે તેઓ શ્રેષ્ઠ શૈલીકાર હતા.
રમેશ ઓઝા