ઑફ-બો સિદ્ધાંત (auf-bau principle) : જર્મન ‘auf-bau prinzip’ ઉપરથી નિલ્સ બ્હોરે પ્રતિપાદિત કરેલો સિદ્ધાંત auf = ઉપર; bau = ચણવું તે ઉપરથી તેનો અર્થ ‘નીચેથી ઉપર તરફ ચણતર’. પરમાણુની ધરા-સ્થિતિ (ground state) એટલે કે ન્યૂનતમ ઊર્જા માટે ઇલેક્ટ્રૉનવિન્યાસની રચના, આ સિદ્ધાંતને આધારે થાય છે.
દરેક પરમાણુમાં ઇલેક્ટ્રૉનના પથરૂપ ઘણી બધી કક્ષકો (orbits) હોય છે, તેમની ઊર્જા ભિન્ન હોય છે. ઊર્જાના વધતા ક્રમમાં તેમનો આલેખ રચી શકાય છે. ઑફ-બો સિદ્ધાંત અનુસાર ઇલેક્ટ્રૉન તેની ધરા-સ્થિતિમાં સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષકમાં પ્રથમ પ્રવેશ કરશે. તે ભરાઈ ગયા પછી વધારાના ઇલેક્ટ્રૉન તેનાથી નજીકની વધુ ઊર્જાવાળી કક્ષકમાં પ્રવેશ કરે છે. આમ ઉત્તરોત્તર વધુ અને વધુ ઊર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રૉન ભરાવાની પ્રક્રિયા ચાલુ રહે છે. પરમાણુઓમાં ઇલેક્ટ્રૉન પ્રથમ 1s-કક્ષકમાં, તેમાં બે ઇલેક્ટ્રૉન ભરાતાં, ત્રીજો અને ચોથો ઇલેક્ટ્રૉન વધુ ઊર્જાવાળી 2s-કક્ષકમાં એ રીતે પરમાણુમાં ઇલેક્ટ્રૉનવિન્યાસ થાય છે. ઑફ-બો સિદ્ધાંત અણુઓના ઇલેક્ટ્રૉનવિન્યાસમાં પણ પ્રવર્તે છે.
લ. ધ. દવે