ઑપ્ટોફોન : અંધ વ્યક્તિ માટે, પુસ્તકો અથવા સમાચારપત્ર જેવી સામાન્ય છાપકામવાળી માહિતી અંગેની જાણકારી ધ્વનિ દ્વારા મેળવવાની સુવિધાવાળું સાધન. છાપકામની હારમાળા પરથી આ સાધનને પસાર કરતાં, ભિન્ન ભિન્ન અક્ષરોને અનુરૂપ ચોક્કસ પ્રકારની સંગીતમય સૂરાવલીની રચના (જેના એકમને સંગીતમય પ્રધાનસૂર કહે છે.) ટેલિફોનના રિસીવરમાં ઉત્પન્ન થાય છે. આમ ર્દષ્ટિ અનુભૂતિનું શ્રવણ અનુભૂતિમાં રૂપાંતર કરવામાં આવે છે.

આ સાધનના શોધક ડૉ. ઈ. ઈ. ફોર્નિયર ડી’ એલ્બે હતા અને એનો વિકાસ ગ્લાસગોની મેસર્સ બાર ઍન્ડ સ્ટ્રાઉડ લિમિટેડ નામની વેપારી સંસ્થામાં થયો હતો. બર્ઝેલિયસ નામના સ્વીડિશ રસાયણશાસ્ત્રીએ 1817માં સેલેનિયમ નામનું રાસાયણિક તત્વ શોધ્યું. ઑપ્ટોફોનની રચના આ તત્વના એક વિશિષ્ટ ગુણધર્મને અવલંબીને કરવામાં આવેલી છે. ઉચ્ચ અવરોધ હોવા છતાં, રાખોડી રંગના સ્ફટિકમય સ્વરૂપમાં રહેલા સેલેનિયમ પર આપાત થતા પ્રકાશની તીવ્રતાના પ્રમાણ અનુસાર તેની વીજવાહકતામાં ફેરફાર થાય છે.

બૅટરી અને ટેલિફોન રિસીવર સાથે યોગ્ય રીતે તૈયાર કરેલા સેલેનિયમ બ્રિજને શ્રેણીમાં જોડવામાં આવે છે અને પ્રતિ સેકન્ડે કેટલાક હજાર વખત પ્રકાશને વારાફરતી ચાલુ-બંધ કરતાં, ટેલિફોન મારફતે વીજપ્રવાહને અનુરૂપ સ્પંદનો ઉત્પન્ન થાય છે. તેમાંથી સ્પંદનોને અનુરૂપ સ્વર તથા ગુણવત્તાવાળો શ્રાવ્ય ધ્વનિ પેદા થાય છે.

કે. ટી. મહેતા