ઑફિસ ઑવ્ ધ યુનાઇટેડ નૅશન્સ હાઇકમિશનર રેફ્યુઝિઝ (જિનીવા)
January, 2004
ઑફિસ ઑવ્ ધ યુનાઇટેડ નૅશન્સ હાઇકમિશનર રેફ્યુઝિઝ (જિનીવા) : નિર્વાસિતોના પુનર્વસવાટ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થાને 1954નું શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. પ્રથમ તેમજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી નિર્વાસિતોના પુનર્વસવાટના પ્રશ્ને ગંભીર સ્વરૂપ લીધું હતું. આ માટે 194૩માં સંયુક્ત રાષ્ટ્રસંઘે યુ. એન. રિલીફ ઍન્ડ રીહેબિલિટેશન એજન્સી(U.N.R.R.A.)ની સ્થાપના કરી હતી. 1947માં આંતરરાષ્ટ્રીય નિર્વાસિત મંડળ(International Refugee Organization)ની સ્થાપના કરવામાં આવી અને 1950માં તે અંગેના હાઇકમિશનરના નામની સંસ્થા શરૂ કરવામાં આવી. નિર્વાસિતોના પુનર્વસવાટ ઉપરાંત તેમનો કામ કરવાનો અધિકાર જળવાય અને તે અંગે તેમને જોઈતી સુવિધા મળે તે જોવાનું કાર્ય આ સંસ્થા કરતી આવી છે.
દેવવ્રત પાઠક