ઑફિશિયલ રિસીવર : દેવાદારની અથવા વિવાદગ્રસ્ત મિલકતની કાયદેસર માલિકીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેનો કામચલાઉ વહીવટ કરવા માટે અદાલત દ્વારા નિમાયેલ અધિકારી અથવા નાદાર જાહેર થનાર વ્યક્તિ, પેઢી કે અન્ય એકમ પાસેથી વસૂલ કરવા લાયક નાણાનું હિત ધરાવનાર પક્ષકારોએ અથવા અદાલતે નાદારની મિલકતો અને દેવાંની કાર્યવિધિ માટે નિયુક્ત કરેલી વ્યક્તિ. આમ બીજાની મિલકતનો કબજો મેળવી તેનું રક્ષણ, સંપાદન, સંચાલન કરવું કે તેનો વહીવટ સંભાળવો એ રિસીવરનું કાર્યક્ષેત્ર ગણાય.

ભારતમાં નાદારીના કિસ્સાઓને લગતા પ્રવર્તમાન કાયદામાં રિસીવરની નિયુક્તિ અંગે જોગવાઈ છે. (1) મુંબઈ, કોલકાતા, ચેન્નઈ જેવાં મહાનગરો માટે રાજ્યની વડી અદાલત જેની નિમણૂક કરે છે, તેને ઑફિશિયલ ઍસાઇની (Official Assignee) કહેવામાં આવે છે. (Presidency Towns Insolvency Act, 1909). (2) મહાનગરો સિવાયનાં સ્થળોમાં ઉદભવતા નાદારીના કિસ્સાની કાર્યવિધિ માટે સ્થાનિક અદાલત દ્વારા રિસીવરની નિયુક્તિ કરી શકાય છે. (Provincial Insolvency Act, 1920). (૩) મહાનગરો બહારના નાદારીના કિસ્સાઓની કાર્યવિધિ માટે અદાલત દ્વારા વિસ્તારદીઠ ઑફિશિયલ રિસીવર નિમાતા હોય છે. (4) 1908ના સિવિલ પ્રોસિજર કોડમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જ્યારે કોઈ ભાગીદારમાં વિવાદ ઊભો થાય ત્યારે જો ભાગીદારીનું કામકાજ ચાલુ રાખવાનો પક્ષકારોનો હેતુ હોય તો વિવાદગ્રસ્ત મિલકતનો કામચલાઉ હવાલો સંભાળવા માટે અદાલત દ્વારા રિસીવરની નિમણૂક કરવામાં આવે છે. (5) 1956ના કંપની કાયદાની જોગવાઈ (કલમ 421 અને 424) મુજબ આવા હેતુ માટે અદાલત દ્વારા નિમાતી વ્યક્તિને લિક્વિડેટર કહેવામાં આવે છે. આવી મિલકતના આવક તથા ખર્ચનું તારણ (abstract) રાખવું એ રિસીવરની/લિક્વિડેટરની ફરજ છે.

પેઢીના લેણદારો અથવા ડિબેન્ચરધારકો પોતાનાં નાણાં પરત મેળવવા માટે તથા પેઢીની મિલકતના વેચાણ દ્વારા જામીનગીરી(security)ની સાગ્રહ અમલબજવણી કરાવવા (enforce) માટે દેવાદાર સામે દાવો કરી શકે છે. આવા કિસ્સામાં પણ અદાલત દ્વારા રિસીવર નિમાય છે. ડિબેન્ચર બહાર પાડતી વેળાએ કંપનીએ ધારકોને જરૂરી સત્તા આપી હોય તો ડિબેન્ચરધારકો રિસીવરની સીધેસીધી નિયુક્તિ કરી શકે છે. તેમ છતાં આવા રિસીવરને સ્થાને અદાલત અન્ય રિસીવર નીમી શકે છે. બધા જ કિસ્સામાં અદાલત દ્વારા નિમાતા રિસીવર અદાલતના અભિકર્તા (agent) ગણાય છે.

નાદારીના કિસ્સામાં રિસીવરનાં બે મુખ્ય કાર્યો હોય છે : (1) સંબંધિત એકમની તમામ મિલકત હસ્તગત કરવી, અને (2) લેણદારોની અગ્રતા મુજબ તેની વહેંચણી કરવી. રિસીવરની નિમણૂક થયેથી 15 દિવસમાં રજિસ્ટ્રાર ઑવ્ કંપનીઝને તેની જાણ કરવાની હોય છે. પેઢીની આવક તથા ખર્ચની વિગતોનું તારણ રજૂ કરવાની પણ રિસીવરની ફરજ છે.

અદાલતમાં સેવા આપતા અધિકારી, સ્થાનિક સત્તાક્ષેત્ર ધરાવતા સરકારી અધિકારી, અથવા અન્ય કોઈ ખાસ વ્યક્તિ રિસીવરની નિમણૂક માટે પાત્ર ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે