ઑફિયૉગ્લૉસેસી : ત્રિઅંગી વનસ્પતિઓમાં આવેલા સુબીજાણુ-ધાનીય (Eusporangiopsida) વર્ગના ઑફિયૉગ્લૉસેલીસ ગોત્રનું આદ્ય કુળ. આ કુળમાં ચાર પ્રજાતિઓ (Ophioglossum, Botrychium, Helminthostachys અને Rhizoglossum) અને 70 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ ભૌમિક (terrastrial) અને શાકીય વનસ્પતિઓ છે અને કોઈ અશ્મી-ઇતિહાસ ધરાવતી નથી. બીજાણુજનક (sporophyte) ટૂંકી, નાની અને માંસલ ગાંઠામૂળી (rhizome) ધરાવે છે; જેના પર અસ્થાનિક મૂળો અને કેટલીક વાર અસ્થાનિક કલિકાઓ ઉદભવે છે. આ ગાંઠામૂળી શલ્કવિહીન હોય છે. ઉચ્ચ કક્ષાના હંસરાજ(fern)ની જેમ પર્ણવલન અગ્રવલિત (circirate) હોતું નથી. પર્ણો અનુપપર્ણીય (exstipulate) હોય છે. ફળાઉ (fertile) પર્ણો વિચ્છેદિત કે અવિચ્છેદિત હોય છે અને એક જ પર્ણદંડ ધરાવે છે. પર્ણદંડ અને પર્ણદલના સંધિસ્થાન પાસેથી પૃષ્ઠ સપાટીએ ફળાઉ શૂકી (spike) ઉત્પન્ન થાય છે, જેની ધાર ઉપર બીજાણુધાનીઓ આવેલી હોય છે. બીજાણુધાનીનો વિકાસ સુબીજાણુધાનીય (eusporangiate) હોય છે, એટલે કે તે બીજાણુધાનીય આરંભિકો(initials)ના સમૂહ દ્વારા ઉત્પન્ન થાય છે. બીજાણુધાનીની દીવાલ એક કરતાં વધારે સ્તરોની બનેલી હોય છે. પ્રત્યેક બીજાણુધાનીમાં વિપુલ પ્રમાણમાં બીજાણુઓ (લગભગ 2,000 જેટલાં) ઉત્પન્ન થાય છે. તેઓ સમબીજાણુક (homosporous) હોય છે. તેનો જન્યુજનક (gametophyte) કે પૂર્વદેહ (prothallus) ભૂમિગત હોય છે અને કવકમૂલ (mucorrhiza) ધરાવે છે. પુંધાનીઓ (antheridia) જન્યુજનકમાં ખૂંપેલી હોય છે. તેઓ એકગૃહી (monoecious) હોય છે.
આ કુળની મુખ્ય પ્રજાતિ Ophioglossum છે, જેની 45 જેટલી જાતિઓ નોંધાઈ છે. ભારતમાં તેની 16થી 20 જાતિઓ થાય છે. O. palmatum અને O. pendulum પરરોહી (epiphytic) જાતિઓ છે, જેઓ વૃક્ષ ઉપર થાય છે. બાકીની જાતિઓ ભૌમિક છે. O. reticulatumમાં 2n = 1,260 રંગસૂત્રો જોવા મળે છે. O. podophylumમાં 116 અને O. vulgatumમાં 256 રંગસૂત્રો હોય છે. એક મંતવ્ય પ્રમાણે Botrychiumને ઑફિયૉગ્લૉસેસી કુળમાં મૂકવામાં આવતું નથી.
સરોજા કોલાપ્પન