ઑપ્ટિક અક્ષ (પ્રકાશીય અક્ષ) : અસાવર્તિક (anisotropic) ખનિજોમાં રહેલી સ્પંદનદિશા (axis), જ્યાં દ્વિવક્રીભવનાંકની ક્રિયા બનતી નથી. આ સ્પંદનદિશામાં સામાન્ય અને અસામાન્ય કિરણો એક જ ગતિથી પસાર થાય છે. ટેટ્રાગોનલ અને હેક્ઝાગોનલ સ્ફટિકવર્ગની ખનિજોમાં એક જ પ્રકાશીય અક્ષ હોય છે અને તે ખનિજો એકાક્ષી ખનિજો તરીકે ઓળખાય છે.
એકાક્ષી ખનિજોમાં પ્રકાશીય અક્ષ સ્ફટિકવિદ્યાત્મક (crystallographic) ‘c’ અક્ષ સાથે એકરૂપ બને છે. ઓર્થોરહોમ્બિક, મૉનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક સ્ફટિકવર્ગની ખનિજોમાં બે પ્રકાશીય અક્ષ હોય છે, તેથી તે ખનિજોને દ્વિઅક્ષી ખનિજો કહેવામાં આવે છે. દ્વિઅક્ષી ખનિજોમાં બે પ્રકાશીય અક્ષ એકબીજીને એવી રીતે છેદે છે જેથી એક લઘુકોણ અને એક ગુરુકોણ બને છે.
આ પ્રમાણે દ્વિઅક્ષી ખનિજોમાં પ્રકાશીય અક્ષોના છેદવાથી બનતો લઘુકોણ 2V કે પ્રકાશીય કોણ તરીકે ઓળખાય છે, જે વિવિધ દ્વિઅક્ષી ખનિજોની પરખ માટે અગત્યનો પ્રકાશીય ગુણધર્મ બની રહે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે