ઑપેરિન, ઍલેક્ઝાન્ડર ઇવેનૉવિચ [જ. 2 માર્ચ 1894, ઉગ્લિક (મૉસ્કો પાસે); અ. 21 એપ્રિલ 1980, મૉસ્કો] : રાસાયણિક દ્રવ્યોમાંથી સજીવની ઉત્પત્તિના ક્ષેત્રે મહત્વનો ફાળો આપનાર મહાન રશિયન જીવવિજ્ઞાની.

ઍલેક્ઝાન્ડર ઇવેનૉવિચ ઑપેરિન

તેમણે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી વનસ્પતિદેહધર્મશાસ્ત્ર(plant physiology)નો મુખ્ય વિષય લઈને ડૉક્ટરેટ મેળવી. અભ્યાસ દરમિયાન વનસ્પતિદેહધર્મશાસ્ત્રી કે. એ. તિમિર્યાઝેવ – જે ડાર્વિનના સંપર્કમાં આવેલ હતા – અને વનસ્પતિશાસ્ત્રી એ. એન. બાખની અસર નીચે આવ્યા હતા. બાખ રશિયન ક્રાંતિ સમયે રશિયા છોડી ગયેલા. તેમણે પાછા ફરી રશિયાને 1935માં બાયૉકેમિકલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં મદદ કરેલી અને જીવનના અંત સુધી તેઓ તેના નિયામક રહ્યા હતા. ઑપેરિનની વિચારસરણી ઉપર ડાર્વિનની વિચારસરણીની આડકતરી અસર છે. આદિકાળના પર્યાવરણમાં નિર્માણ થયેલ જૈવઅણુઓ(biological molecules)માંથી સજીવોની ઉત્પત્તિ અંગેની જાણકારી પ્રાપ્ત કરવા તેમણે ઘણા પ્રયોગો કર્યા હતા. 1922માં રશિયન બૉટેનિકલ સોસાયટીના અધિવેશનમાં આ અંગેના પોતાના વિચારો તેમણે રજૂ કર્યા હતા, જે પરપોષિત પરિકલ્પના (heterotrophic hypothesis) તરીકે ઓળખાય છે. આ પરિકલ્પના મુજબ જૈવરાસાયણિક ઉત્ક્રાંતિની શરૂઆતમાં દરિયાઈ પર્યાવરણમાં સાદાં કાર્બોદિતો, ઍમિનો-ઍસિડો, ન્યૂક્લીક ઍસિડો જેવા કાર્બનિક પદાર્થોની ઉત્પત્તિ થઈ. સમય જતાં ઍમિનો-ઍસિડનું ક્રમબદ્ધ યુગ્મન (ordered coupling) થયું અને પ્રોટીનના અણુ બંધાયા. ઍમિનો-ઍસિડના વિશિષ્ટ બંધારણ તથા વિદ્યુતભારના વિતરણને કારણે આ ક્રમબદ્ધ રચના શક્ય બની. આમાંના કેટલાક અણુઓ ઉત્સેચકના સ્વરૂપના હતા. સમય જતાં આવા સંકીર્ણ અણુઓની ફરતે લિપિડ(ચરબીજ પદાર્થો)નું પડ બંધાયું. આવા અણુઓ ઑપેરિને સહપુંજિતો (coacervates) તરીકે ઓળખાવ્યા. આ સહપુંજિતોના નિર્માણ સમયે પૃથ્વી પરનું વાતાવરણ ઑક્સિજનરહિત હતું. સહપુંજિતો અપચયક્રિયા વડે જરૂરી કાર્યશક્તિ મેળવતા હતા. કાળક્રમે સૂક્ષ્મ બુંદ(droplets)ના સ્વરૂપમાં આવેલા આ સહપુંજિતો કલિકા (budding system) પદ્ધતિથી પોતાના જેવા નવીન સહપુંજિતોનું સર્જન કરવા સફળ નીવડ્યા હતા. તેથી સહપુંજિતો આદ્યજીવોના પુરોગામી ગણાય છે. જિલેટિન અને અરેબિક ગુંદરના બનાવેલ આવા સહપુંજિતો ઉપર ઑપેરિને પ્રયોગો કર્યા હતા. તેમણે સાબિત કર્યું કે ઉત્સેચકો આવા કૃત્રિમ કોષોની સીમામાં વધુ સક્રિય હતા. આ દર્શાવે છે કે ઉત્સેચકોના કાર્ય તથા ચયાપચય માટે સંપૂર્ણ કોષો જરૂરી છે. તેના માટે આદિજીવો પરપોષિત હતા. તેમનો ખોરાક તેઓ રાસાયણિક રીતે બનેલા અણુઓમાંથી મેળવતા. પર્યાવરણમાં આવેલાં તત્વોમાંથી તે ખોરાક સંશ્લેષિત કરી શકતા નથી. તેમના મતે આદિજીવોને ઉષ્માગતિકી(thermodynamics)ના બીજા નિયમનું બંધન ન હતું.

સજીવોની ઉત્પત્તિ અંગે 1953, 1963 અને 1970માં સંમેલનો બોલાવવામાં આવેલાં અને ઑપેરિનને ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ધ સ્ટડી ઑવ્ ધ ઓરિજિન ઑવ્ લાઇફના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ઑપેરિને ઉત્સેચકવિદ્યા (enzymology) અને ઔદ્યોગિક જીવરસાયણશાસ્ત્ર ઉપર પણ સંશોધન કર્યું છે.

તેમને ઑર્ડર ઑવ્ લેનિન, હીરો ઑવ્ સોશ્યાલિસ્ટ લેબર, બાખ પારિતોષિક, કલિંગ પારિતોષિક અને મેચનિકૉવ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા.

મ. શિ. દૂબળે

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ