ઑપેરા : મુખ્યત્વે પશ્ચિમની રંગભૂમિ પર લોકપ્રિય નીવડેલું સંગીત-મઢ્યું નાટ્યરૂપ. આ સંગીત રિચર્ડ વૅગ્નરનાં ઑપેરાની જેમ આખાય ર્દશ્યમાં સળંગ-સતત ગુંજતું રહે છે અથવા સંવાદ તથા ગાયનરૂપ ઉદગારોની વચ્ચે વચ્ચે પીરસાતું રહે છે.

લૅટિન ભાષામાં ‘ઑપેરા’ બહુવચનનો શબ્દ છે; તેનું એકવચન તે opus એટલે કાર્ય; અર્થાત્ સંગીતકારની સ્વરરચના કે રચના. યુરોપમાં મધ્યયુગ દરમિયાન દેવળોમાં કે જાહેર પ્રાર્થનાસ્થળોએ ભજવાતાં નાટકો નિમિત્તે આ સ્વરૂપનો ઉદભવ થયો હતો. સોળમી સદીમાં ફ્લૉરેન્સમાં ગ્રીક ટ્રૅજેડીની પ્રશિષ્ટ પરંપરા સાથે ઑપેરાનો સુમેળ સધાયો. રિનુસિનીનું ‘દાફને’ (1594) આ પ્રકારનો સૌથી પ્રારંભિક પ્રયોગ ગણાય છે. ગ્રીક ટ્રૅજેડીના નાટ્યરૂપની ઑપેરા પર ગાઢ અસર પડેલી છે; એ જ રીતે માસ્કના રંગભૂમિપ્રયોગોએ પણ તેના વિકાસમાં મદદ કરી છે. જેકોપો પેરી, જેકોપો કોરસી, ફ્રાન્સિસ્કો કાવલી તથા ક્લૉડિયો મૉન્ટેવર્ડી જેવા શરૂઆતના ઑપેરા-નિયોજકોએ જૂની દંતકથાઓના વિષયો પસંદ કરવાનું વલણ રાખ્યું હતું. તેમાં રોમના ઇતિહાસનાં પાત્રો-પ્રસંગો અપવાદ રૂપે ક્યારેક પસંદગી પામતાં.

પૅરિસમાં લુઈ ચૌદમાના રાજદરબારમાં બાપ્ટિસ્ટ લલીની જાજરમાન રચનાઓએ આ નાટ્યપ્રકારને વિકસાવવામાં ઠીક ઠીક પ્રોત્સાહન આપેલું; એ જ રીતે વિયેનાના રાજદરબારમાં ઇટાલિયન ઑપેરા ભજવાતાં હતાં. ઇંગ્લૅન્ડમાં ઑપેરાનો પ્રારંભ વ્યવસ્થિત રીતે થયો જણાતો નથી. છેક અઢારમી સદીના મધ્યભાગમાં લંડનમાં ઑપેરા લોકપ્રિય થયું અને તે પણ ઇટાલીથી આવેલા સંગીતનાટ્ય તરીકે. અલબત્ત, જર્મનીમાં જન્મેલા સંગીતરચનાકાર જી. એફ. હૅન્ડલે તેને નવાં રૂપઘાટ આપ્યાં હતાં.

આ સાથે વિશેષ વાસ્તવજીવનને સ્પર્શતાં કૉમિક ઑપેરાનો પ્રવાહ પણ વહેતો થયો હતો. ઇંગ્લૅન્ડમાં જૉન ગેનું ‘દ બેગર્સ ઑપેરા’ સામાજિક તથા રાજકીય કટાક્ષની વેધકતાને કારણે લોકપ્રિય નીવડ્યું હતું. હૅમ્બર્ગમાં પણ સામાન્ય સ્તરના લોકજીવનના વિષયોનાં ઑપેરા લખાતાં હતાં.

ક્રિસ્ટોફ ગ્લકે આ નાટ્યરૂપને વિકસાવવામાં ગણનાપાત્ર ફાળો આપ્યો; તેમણે નિષ્ણાત ગાયક-પાત્રનું મહત્વ ઘટાડીને નાટ્યતત્વ પર વિશેષ ઝોક આપ્યો. મોઝાર્ટે પણ પોતાની શ્રેષ્ઠ રચના ‘ઇદોમિમિયો’માં આ જ વલણ અપનાવ્યું, પરંતુ એ પછીની તેમની ત્રણ સુંદર કૃતિઓમાં તેમણે તેમના પુરોગામી સર્જકોની વિશેષતાઓને કૉમિક ઑપેરા સાથે વણી લેવાની શૈલી સફળતાપૂર્વક અપનાવી.

ઑપેરા – એક દર્શન

લુઈગી ચેરુબિનીએ ગંભીર પ્રકારનાં ઑપેરામાં પ્રભાવક સોપાન સર કર્યાં અને તેની વિશેષ અસર ઝીલી બીથોવને. ઑપેરાના ઇતિહાસમાં તેમની રચના ‘ફિદેલિયો’ અનન્ય લેખાય છે. રોઝિનીએ પણ સંખ્યાબંધ સફળ કૉમિક ઑપેરા લખ્યાં. તેમની ઉત્તરાર્ધની રચનાઓમાં તેમણે ઉદાત્ત અને રંગદર્શી શૈલી અપનાવેલી છે. તેમની શૈલી કરતાંય વિશેષ ઉદાત્તતા અને ભવ્યતા જિયાકોમો મેયરબીરની રચનાઓમાં આસ્વાદવા મળે છે.

ઓગણીસમી સદીમાં ઑપેરાનો વિકાસ રાષ્ટ્રીય લાક્ષણિકતાઓ પ્રમાણે થતો રહ્યો છે. જિયૉવેની બેલિનીની મનોવેધક રચનાઓ તથા દોનિઝેતીની (60 ઉપરાંત) કૉમેડી તથા ટ્રૅજેડી રચનાઓએ પછી આવનાર ગિસેપી વરદીની સંગીતનાટ્યરચનાઓને કીર્તિદા સિદ્ધિ અપાવી છે. જર્મનીમાં વેબરની રોમૅન્ટિક ઑપેરાએ તથા માર્શનરની રચનાઓએ રિચર્ડ વૅગ્નર જેવી સમર્થ પ્રતિભા માટે ભૂમિકા પૂરી પાડી હતી; વૅગ્નરનાં સંગીતનાટકોએ ખરેખર એક ક્રાંતિ સર્જી; તેમની કેટલીક રચનાઓમાં ઑપેરાની સર્વોચ્ચ સિદ્ધિ હાંસલ થયેલી છે. ફ્રાન્સમાં સર્જકોએ પોતાની કૃતિઓમાં ભવ્ય ઑપેરા તથા ‘ઑપેરા-કૉમિક’ની લાક્ષણિકતાનો કુશળતાપૂર્વક સમન્વય કરી બતાવ્યો છે. એકમાત્ર હેક્ટર બર્લિયૉઝ પોતાની નિજી શૈલીમાં ઑપેરા રચતા રહ્યા, અને છેક વીસમી સદીના ઉત્તરાર્ધમાં તેમની સર્જક પ્રતિભાનો સ્વીકાર થયો. રશિયા અને અન્ય દેશોમાં ઑપેરા ઉપર રાષ્ટ્રભાવનાએ પણ ઠીક ઠીક પ્રભાવ પાડ્યો હતો. રશિયા, સ્પેન તથા હંગેરી જેવા દેશના સર્જકોએ પોતપોતાના દેશોની લોકસંગીતનિર્ભર પરંપરાઓને પ્રાધાન્ય આપ્યું. ઇટાલીમાં ‘વેરિસ્મો’ નામનો કંઈક વાસ્તવલક્ષી પ્રવાહ વહેતો થયો; એમાં પ્રસિની તથા મસ્કાગ્નિ જેવા નિયોજકો અગ્રેસર રહ્યા. જર્મનીમાં રિચાર્ડ સ્ટ્રૉસે ‘સલોમી’ તથા ‘ઇલેક્ટ્રા’ જેવી રચનાઓની રજૂઆત દ્વારા સંગીતનાટકનો ઉદ્દેશ સુપેરે પાર પાડ્યો. આ ઉપરાંત મૉરિસ રેવેલ, આનૉર્લ્ડ શૉએનબર્ગ, અલ્બન બર્ગ, ઇગોર સ્ત્રાવિન્સ્કી, કર્ત વેઇલ તથા બેન્જામિન બ્રિટેનની રચનાઓ પણ ઑપેરાના આધુનિક પ્રવાહમાં નોંધપાત્ર લેખાઈ છે.

બહુ ઓછા સાહિત્યકારોને અને એથીય ઓછા કવિઓને ઑપેરાના લેખક તરીકે સર્જન કરવાનું આકર્ષણ થયું છે. બીજી બાજુ ઑપેરાના કથાલેખકો અને રચનાકારો નાટકો તથા અન્ય કૃતિઓની સામગ્રીનો છૂટથી ઉપયોગ કરતા જ રહ્યા છે. જ્યાં સહયોગ સધાયો છે ત્યાં સુંદર ર્દષ્ટાંતો પણ મળી રહ્યાં છે. બર્તોલ્ડ બ્રેખ્ત તથા કર્ત વેઇલના સહયોગથી ‘ધ થ્રી પેની ઑપેરા’ (1928), ‘ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑવ્ સિટી ઑવ્ મહૉગની’ (1927-29) તથા ‘ધ સેવન ડેડલી સિન્સ’ (1933) જેવી સુંદર રચનાઓ સાંપડી, વળી ઑડેન અને કાલમેને સ્ત્રાવિન્સ્કી સાથે સહયોગ સાધીને ‘ધ રેક્સ પ્રોગ્રેસ’ (1951), હેનરી જેમ્સનું ‘ધ ટર્ન ઑવ્ ધ સ્ક્રૂ’ (1953), જ્યૉર્જ ગ્રેબનું ‘ધ બરો’ (1945), હરમાન મેલવિલનું ‘બિલી બડ’ (1951) નોંધપાત્ર ઑપેરા છે.

સમગ્રપણે જોઈએ તો ઑપેરામાં સાહિત્ય, સંગીત તથા ર્દશ્યકલાનો અર્થવાહી અને આહલાદક સમન્વય સિદ્ધ થાય છે. પ્રધાનતયા ઑપેરા એક મંચન-પ્રકાર રહ્યું છે અને દેખીતી રીતે જ નાટ્યગૃહોના સ્થાપત્યવિધાનમાં પણ તે પરોક્ષ રીતે નિર્ણાયક ભાગ ભજવતું રહ્યું છે.

કૃષ્ણવદન જેટલી