ઑપેક (Organisation of Petroleum Exporting Countries – OPEC) : ખનિજ-તેલનું ઉત્પાદન તથા તેની કિંમતોનું નિયમન કરવાના હેતુથી ખનિજ-તેલ નિકાસ કરતા દેશોએ 1960માં સ્થાપેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. જાન્યુઆરી, 1961થી સંસ્થાએ ઔપચારિક રીતે કાર્યારંભ કર્યો હતો. પૂરતા પ્રમાણમાં ખનિજ-તેલનો ચોખ્ખો નિકાસયોગ્ય જથ્થો ધરાવતા તથા સમાન આર્થિક હિતોને વરેલા દેશો તેના સભ્ય થઈ શકે છે. ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા, કુવૈત તથા વેનેઝુએલા – આ પાંચ તેના સ્થાપક સભ્યો છે. તેના સભ્યોની કુલ સંખ્યા પછીથી 14 થઈ છે (1988). સભ્ય દેશોના ખનિજ-તેલના કુલ ઉત્પાદન(1979 પ્રતિદિન 310 લાખ બૅરલ)ના આશરે 2 જેટલું ઉત્પાદન સાઉદી અરેબિયામાં થાય છે.

સ્થાપના-સમયે સંસ્થાનું મધ્યસ્થ કાર્યાલય જિનીવા ખાતે હતું, જે 1965માં ઑસ્ટ્રિયાના વિયેના ખાતે ખસેડવામાં આવ્યું હતું. સભ્ય દેશો સંસ્થાના બૉર્ડ ઑવ્ ગવર્નર્સની વરણી કરે છે તથા ચૅરમૅનની ચૂંટણી તેની પરિષદમાં થાય છે. બંધારણ મુજબ સંસ્થાની સામાન્ય સભા વર્ષ દરમિયાન ઓછામાં ઓછી બે વાર મળે છે. એમાં નીતિવિષયક નિર્ણયો લેવામાં આવે છે. સંસ્થાના નિર્ણયો સર્વાનુમતે લેવાય તેવી તંદુરસ્ત પ્રણાલિકા તેમાં પ્રવર્તે છે.

1973-80ના ગાળામાં આ સંસ્થાએ ખનિજ-તેલની કિંમતોમાં અવારનવાર અને ક્યારેક તો ધરખમ વધારો કર્યો હતો અને તે દ્વારા સભ્ય દેશોની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરવા ઉપરાંત વધારાની આવક દ્વારા ઝડપી આર્થિક વિકાસ સાધવાનો તથા વિદેશોમાં મૂડીરોકાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ખનિજ-તેલનું ઉત્પાદન તથા તેની આંતરરાષ્ટ્રીય કિંમતો પર નિયંત્રણનાં પગલાં દ્વારા આ સંસ્થાના સભ્ય દેશોએ વિશ્વના અર્થતંત્ર પર પોતાની પકડ જમાવવાનો તથા ક્રમશ: તે મજબૂત કરવાનો જે પ્રયાસ કર્યો તેના વળતા પગલા તરીકે ખનિજ-તેલની આયાત કરનારા દેશોએ 1980 પછીના ગાળામાં ‘ઑપેક’ દેશો પરનું પોતાનું અવલંબન ઘટાડવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા; દા. ત., ઊર્જાનાં વૈકલ્પિક સાધનોની શોધ, પોતાના દેશમાં ખનિજ-તેલના ઉત્પાદનની શક્યતા માટે સઘન પ્રયાસ, ખનિજ-તેલની વપરાશમાં કરકસર વગેરે. તેના પરિણામે 1982માં ‘ઑપેક’ દેશોને ખનિજ તેલની કિંમતમાં ઘટાડો કરવાની તથા તેના ઉત્પાદન પર અંકુશ મૂકવાની ફરજ પડી હતી. આ રીતે વિશ્વના અર્થતંત્ર પર અને તે દ્વારા રાજકીય બાબતો પર ‘તેલના રાજકારણ’ મારફત પોતાનું વર્ચસ્ જમાવવાના ‘ઑપેક’ દેશોના મનસૂબા હવે નરમ પડ્યા હોય તેમ દેખાય છે.

વિકસતા દેશોના આર્થિક વિકાસ માટે સહાયરૂપ થવાના હેતુથી 1976માં ‘ઑપેક’ દેશોએ એક અલાયદા આંતરરાષ્ટ્રીય વિકાસ ભંડોળ(Fund for International Development)ની સ્થાપના કરી હતી. વિશ્વના ખનિજ-તેલના કુલ જથ્થામાંથી આશરે 75 % ઉપર તેની માલિકી છે, જેમાંથી  જેટલો જથ્થો મધ્ય પૂર્વના દેશોમાં કેન્દ્રિત થયેલો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે