ઑઝેત્ઝકી, કાર્લ વૉન (જ. 3 ઑક્ટોબર 1889, હમ્બર્ગ, જર્મની; અ. 4 મે 1938, બર્લિન, જર્મની) : વિશ્વશાંતિના મહાન સમર્થક અને 1935ના શાંતિ માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના લશ્કરમાં સૈનિક તરીકે જોડાયેલા. રણભૂમિ પર પ્રત્યક્ષ થયેલી ખાનાખરાબીથી વિશ્વશાંતિ માટે લગન ર્દઢ બની.
પ્રુશિયાના લશ્કરવાદનો જાહેર વિરોધ કરવા માટે તેમને કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી. 1920માં ‘જર્મન સોસાયટી ફૉર પીસ’ સંસ્થાના તે મંત્રી નિમાયા હતા. 1921માં તે ‘વોલ્ઝેતુંગ’ વૃત્તપત્રમાં વિદેશી બાબતોના સંપાદક તરીકે જોડાયા. આ કાર્ય દરમિયાન આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલરૂપે સમાધાન સાધવાની વિચારસરણી પ્રત્યે તેમની નિષ્ઠા વધુ ર્દઢ બની હતી. 1924માં તે ‘Die weltbuehne’ નામના ઉદ્દામવાદી સામયિકના સહસંપાદક અને 1927માં તેના મુખ્ય તંત્રી બન્યા. તે જ વર્ષે લશ્કરી અધિકારીઓનો ખોટો બચાવ કરનાર સરકારી અધિકારીઓની ટીકા કરતો એક લેખ પ્રકાશિત કરવા માટે તેમને તથા લેખકને કારાવાસની સજા ફરમાવવામાં આવી, જે પાછળથી દંડરૂપે રાખવામાં આવી હતી.
જર્મનીના ગુપ્ત લશ્કરીકરણને અને તેનાં ભયજનક પરિણામોને ખુલ્લાં પાડતો એક લેખ પ્રકાશિત કરવા બદલ તેમને 1914ના જાસૂસીવિરોધી કાયદા હેઠળ અઢાર માસની કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી. આ સજાના વિરોધમાં સમગ્ર દેશમાં પ્રજામત જાગ્રત થયો હતો. કારાવાસની સજામાંથી બચી જવા માટે દેશમાંથી ભાગી જવાની સલાહ મિત્રોએ તેમને આપી હતી, પરંતુ આદર્શો માટેની લડત દેશમાં ચાલુ રાખી શકાય તે માટે તેમણે નાસી જવાને બદલે કારાવાસની સજા પસંદ કરી હતી. સાત માસની સજા ભોગવ્યા પછી ડિસેમ્બર 1932માં તેમને મુક્ત કરવામાં આવ્યા. પછી તરત જ પોતાના સામયિક મારફત નાઝીવાદ સામેની ઝુંબેશ વધુ જોરમાં ઉપાડી. ‘જર્મન લીગ ફૉર હ્યૂમન રાઇટ્સ’ સંસ્થાના નેજા હેઠળ 26 ફેબ્રુઆરી 1933ના રોજ જર્મનીના લેખકોની બંધબારણે યોજાયેલી સભાને સંબોધતાં ઑઝેત્ઝકીએ નાઝીવાદ વિરુદ્ધ બુદ્ધિજીવીઓનો સંયુક્ત મોરચો રચવાની હાકલ કરી હતી. બીજા જ દિવસે રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને નાઝી નજરબંધી છાવણી(concen-tration camp)માં ધકેલી દેવામાં આવ્યા હતા. 1937ના મધ્યમાં તેમને સારવાર માટે કારાવાસની હૉસ્પિટલમાં અને થોડાક સમય પછી ખાનગી નર્સિગ હોમમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ક્ષયરોગથી તેમનું અવસાન થયું હતું. તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું. હિટલરે કોઈ પણ જર્મન નાગરિક કોઈ પણ ક્ષેત્ર માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારી શકશે નહિ એવું ફરમાન બહાર પાડ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે