ઑક્સિડેશન આંક : કોઈ તત્વ કે આયનની ઉપચયન સ્થિતિ કે અવસ્થા દર્શાવતો આંક. આ આંક નક્કી કરવા માટે તત્વનું પરમાણુ કેટલા ઇલેક્ટ્રૉન સ્વીકારે છે કે ગુમાવે છે તે બાબત ગણતરીમાં લેવામાં આવે છે. આ માટે પ્રત્યેક સંયોજનને આયનિક પ્રકારના બંધનથી નિર્મિત થયેલું માનવામાં આવતું હોઈ ઑક્સિડેશન આંકની વિભાવના કાલ્પનિક ગણી શકાય. જોકે આ વિભાવના અત્યંત ઉપયોગી હોવાથી બહોળા વપરાશમાં છે. ઑક્સિડેશન આંક મેળવવા માટેના નિયમો નીચે પ્રમાણે છે :

(1) દરેક તત્વનો અસંયોજિત (uncombined) રૂપમાં ઑક્સિડેશન આંક શૂન્ય ગણવામાં આવે છે; દા. ત., સોડિયમ ધાતુના Na પરમાણુનો ઑક્સિડેશન આંક શૂન્ય છે.

(2) દરેક ધનાયનનો વિદ્યુતભાર અથવા સંયોજકતા તેનો ઑક્સિડેશન આંક ગણાય છે; દા. ત., ZnCl2માં Znનો ઑક્સિડેશન આંક +2 છે.

(3) દરેક એકપરમાણુક ઋણાયનમાં મૂળ તત્ત્વની સરખામણીમાં જેટલા ઇલેક્ટ્રૉન વધારે તેટલો તેનો ઋણ ઑક્સિડેશન આંક ગણાય છે; દા. ત., Clનો ઑક્સિડેશન આંક -1 છે. એક જ તત્વના બે પરમાણુઓ જોડાઈને ઋણ આયન બન્યો હોય ત્યારે વિદ્યુતભાર અને પરમાણુસંખ્યા ગુણોત્તર જેટલો ઑક્સિડેશન આંક ગણાય; દા. ત., ઑક્સાઇડ(MO)માં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક −2 છે, જ્યારે પેરૉક્સાઇડ(H−O−O−H)માં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક −1 છે.

(4) સહસંયોજક સંયોજનના અણુમાં પરમાણુ વચ્ચેના બંધના ઇલેક્ટ્રૉન વધુ વિદ્યુતઋણીય (electronegative) તત્ત્વના પરમાણુમાં ઉમેરાયેલા ગણવામાં આવે છે. ત્યારબાદ તટસ્થ પરમાણુના સંદર્ભમાં જેટલા ઇલેક્ટ્રૉન ઓછા થાય તેટલો ધન ઑક્સિડેશન આંક અને જેટલા ઇલેક્ટ્રૉન વધારે થાય તેટલો ઋણ ઑક્સિડેશન આંક ગણવામાં આવે છે; દા. ત., HClમાં બંધના બંને ઇલેક્ટ્રૉન Clમાં ગણતાં Hનો એક ઇલેક્ટ્રૉન ઓછો થયો એટલે તેનો ઑક્સિડેશન આંક +1 અને Clને એક ઇલેક્ટ્રૉન મળ્યો માટે તેનો ઑક્સિડેશન આંક −1 ગણાય. CCl4માં Cl, Cના સંદર્ભમાં વધુ વિદ્યુતઋણીય હોઈ Cના ચાર ઇલેક્ટ્રૉન ચાર Clમાં સ્થાનાન્તરિત થાય છે માટે કાર્બનનો ઑક્સિડેશન આંક +4 થાય.

(5) ઉપસહસંયોજક બંધથી ઑક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી; દા. ત., [Co(NH3)6]3+માં Coનો ઑક્સિડેશન આંક +3 છે, જ્યારે Fe(CO)5માં Feનો ઑક્સિડેશન આંક શૂન્ય છે.

(6) દરેક તટસ્થ અણુમાં તત્વોના ઑક્સિડેશન આંકનો બૈજિક સરવાળો શૂન્ય થાય છે. બહુપરમાણુક ધનાયનમાં દરેક તત્વના પરમાણુના ઑક્સિડેશન આંકનો બૈજિક સરવાળો તેના ધન વિદ્યુતભાર જેટલો એટલે કે સંયોજકતા જેટલો થાય છે. બહુપરમાણુક ઋણાયનના દરેક તત્વના ઑક્સિડેશન આંકનો બૈજિક સરવાળો તેના ઋણવિદ્યુતભાર જેટલો એટલે કે તેની સંયોજકતા જેટલો થશે :

અકાર્બનિક નામકરણની આધુનિક પદ્ધતિમાં ઑક્સિડેશન આંક રોમન આંકડાથી દર્શાવાય છે.

Fe(II)Cl2, Fe(III)Cl3, Mn(VII)O4¯

કેટલાંક સંયોજનોમાં કે આયનમાં લીટી દોરેલ તત્વનો ઑક્સિડેશન આંક તેની જોડેના કૌંસમાં દર્શાવ્યો છે :

ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ