ઑક્સાઇડ : ઑક્સિજનનાં અન્ય તત્વ સાથેનાં દ્વિઅંગી (binary) સંયોજનો. સીધી કે આડકતરી રીતે હિલિયમ, નિયૉન અને આર્ગોન સિવાયનાં બધાં જ તત્વો ઑક્સાઇડ આપે છે. મોટાભાગની ધાતુઓના ઑક્સાઇડ આયનિક હોય છે; દા. ત., મૅગ્નેશિયમ ઑક્સાઇડ સોડિયમ કલૉરાઇડનું બંધારણ અપનાવે છે. અધાતુઓના તથા નિર્બળ ધાતુઓના ઑક્સાઇડ સહસંયોજક પ્રકારના હોય છે, જેમાં સ્વતંત્ર અણુઓ(દા. ત., CO2)થી માંડીને ત્રિપરિમાણીય બૃહદ અણુઓ [દા. ત., (SiO2)n] જોવા મળે છે. સામાન્ય રીતે ઑક્સાઇડ સફેદ હોય છે; સંક્રાંતિ તત્વોના ઑક્સાઇડ રંગીન હોય છે.
ઘણી અધાતુઓ અને સક્રિય ધાતુઓના ઑક્સાઇડ, ઑક્સિજન સાથેની સીધી પ્રક્રિયાથી મળે છે. ધાતુઓના હાઇડ્રૉક્સાઇડ, કાર્બોનેટ તથા નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનથી પણ ધાતુઓના ઑક્સાઇડ મેળવી શકાય. કેટલીક અધાતુઓ અને નિર્બળ ધાતુઓના ઑક્સાઇડ નાઇટ્રિક ઍસિડ વડે તેમનું ઉપચયન કરીને મેળવી શકાય.
C + O2 → CO2; CaCO3 → CaO + CO2
Sn + 4HNO3 → SnO2 + 4NO2 + 2H2O
ઑક્સાઇડનું વર્ગીકરણ તેમના ગુણધર્મ અનુસાર નીચે પ્રમાણે કરાય છે :
(i) ઍસિડિક ઑક્સાઇડ : અધાતુઓના સહસંયોજક ઑક્સાઇડ સામાન્ય રીતે ઍસિડિક હોય છે અને પાણીમાં ઓગાળતાં ઍસિડ આપે છે. તેમને ઍસિડ એનહાઇડ્રાઇડ કહી શકાય. તે વાદળી લિટમસને લાલ કરે છે અને બેઝનું તટસ્થીકરણ કરીને ક્ષાર આપે છે; દા. ત., N2O5 નાઇટ્રોજન પૅન્ટૉક્સાઇડ અથવા નાઇટ્રિક એન્હાઇડ્રાઇડ.
N2O5 + H2O → 2HNO3
(ii) બેઝિક ઑક્સાઇડ : ધાતુઓ બેઝિક ઑક્સાઇડ આપે છે. X-કિરણ વડે અભ્યાસ કરતાં તેમાં સ્વતંત્ર ઑક્સાઇડ આયન O2– માલૂમ પડે છે. પાણીમાં ઓગળતાં બેઝ/આલ્કલી આપે છે.
CaO + H2O → Ca(OH)2
તે લાલ લિટમસને વાદળી કરે છે અને ઍસિડનું તટસ્થીકરણ કરીને ક્ષાર આપે છે. દ્રાવ્ય ઑક્સાઇડને બેઝિક એન્હાઇડ્રાઇડ કહી શકાય.
(iii) ઉભયધર્મી (amphoteric) ઑક્સાઇડ : આ ઑક્સાઇડ ઍસિડ સાથે બેઝ તરીકે અને બેઝ સાથે ઍસિડ તરીકે વર્તે છે.
ZnO + 2HCl → ZnCl2 + H2O
ZnO + 2NaOH + H2O → Na2Zn(OH)4 સોડિયમ ઝિંકેટ – સંકીર્ણક્ષાર.
(iv) તટસ્થ ઑક્સાઇડ : ઍસિડ કે બેઝ સાથે ઑક્સાઇડ પ્રક્રિયા કરતા નથી અને લિટમસ પ્રત્યે તટસ્થ હોય છે. દા.ત., H2O, N2O, CO.
(v) પેરૉક્સાઇડ : આ ઑક્સાઇડમાં આયન હોય છે અને ઍસિડ સાથે હાઇડ્રોજન પેરૉક્સાઇડ આપે છે; દા. ત., BaO2.
BaO2 + H2SO4 → BaSO4 + H2O2.
(vi) સુપર ઑક્સાઇડ : આ ઑક્સાઇડમાં આયન હોય છે; દા. ત., KO2. KO2 પાણી સાથે KOH અને O2 આપે છે તેથી તે ઉચ્છવાસમાંથી બહાર આવતી હવામાંથી ઑક્સિજન મેળવવા તથા કાર્બન ડાયૉક્સાઇડ શોષી લેવા માટેના સાધનમાં ઉપયોગી છે.
2KO2 + 2H2O (શ્વાસમાંના) → 2KOH + O2 + H2O2
(vii) મિશ્ર સબઑક્સાઇડ કે સંયુક્ત (compound) ઑક્સાઇડ : કેટલાક ઑક્સાઇડ બે ઑક્સાઇડના સંયોજનરૂપ હોય છે અને તેમને સંયુક્ત ઑક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે; દા. ત., Fe3O4 = FeO, Fe2O3; Mn3O4 = MnO, MnO2. સંક્રાંતિ તત્વોના ઑક્સાઇડ આવી વર્તણૂક દર્શાવે છે.
(viii) સબઑક્સાઇડ : આ ઑક્સાઇડમાં સામાન્ય ઑક્સાઇડ કરતાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે; દા. ત., કાર્બન સબઑક્સાઇડ C3O2 જેનું બંધારણ O = C = C = C = O તરીકે દર્શાવાય છે.
ઘણા ઑક્સાઇડ એવા બનાવાયા છે જેમાં તત્વનું ઉચિત પ્રમાણ હોતું નથી; જેમ કે; ફેરસ ઑક્સાઇડ. તેની બનાવટ અનુસાર FeO0.90 થી FeO0.95 સંઘટન ધરાવે છે.
બે ભિન્ન ધાતુઓ ઑક્સિજન સાથે સંયોજાઈને ત્રિઅંગી (ternary) ઑક્સાઇડ આપે છે. તેમનું સામાન્ય સૂત્ર AB2O4 દર્શાવી શકાય. ફેરાઇટ્સ આ પ્રકારનો ઑક્સાઇડ છે. આ બધાં સંયોજનોના વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મો રસપ્રદ અને ઉપયોગી હોઈ તેમનો ઘનિષ્ઠ અભ્યાસ થયેલો છે.
કુદરતમાં મળી આવતાં ખનિજોમાં ઑક્સાઇડ ખનિજો અગત્યનું સ્થાન ધરાવે છે. લોખંડ અને ઍલ્યુમિનિયમ તેમનાં ઑક્સાઇડ ખનિજોમાંથી મેળવે છે.
કેટલાંક કાર્બનિક સંયોજનો પણ ઑક્સાઇડ આપે છે; દા. ત., એમાઇન, ફૉસ્ફીન અને સલ્ફાઇડ અનુક્રમે એમાઇન ઑક્સાઇડ (R3N+−O– ……), ફૉસ્ફીન ઑક્સાઇડ (R3PO) અને સલ્ફૉક્સાઇડ (RSO2 R…..) આપે છે.
આ સંયોજનો કાર્બનિક સંશ્લેષણમાં ઉપયોગી છે. ઓલેફિન ઑક્સાઇડ ચક્રીય ઈથર છે. (દા. ત., ઇથિલીન ઑક્સાઇડ.)
ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ