ઑક્ટેન-આંક : ગૅસોલીનના અપસ્ફોટરોધી (antiknock) ગુણધર્મ માપવાનો યાર્દચ્છિક માપદંડ. અંતર્દહન એન્જિનમાં હવા અને ગૅસોલીનની બાષ્પના મિશ્રણને દબાવીને તેનું વિદ્યુત-તણખા વડે દહન કરવામાં આવે છે. આ દહનમાં અનિયમિતતા થતાં ગડગડાટ થાય છે અને યંત્ર ધ્રુજારી અનુભવે છે. આ પરિસ્થિતિ અપસ્ફોટન તરીકે ઓળખાય છે અને તે એન્જિનના સિલિન્ડરમાં પેદા કરાતા દબાણ ઉપર મર્યાદા લાદે છે. ઊંચી કાર્યક્ષમતા માટે ઊંચું દબાણ જરૂરી છે. ઉપશૃંખલાયુક્ત આલ્કેનનો અપસ્ફોટન-ગુણ તેટલા જ કાર્બનયુક્ત સુરેખ શૃંખલાયુક્ત આલ્કેનની સરખામણીમાં સારો હોય છે. આઇસોઑક્ટેન(2, 2, 4-ટ્રાયમિથાઇલ પેન્ટેન)નો ઑક્ટેન-આંક 100 અને નોર્મલ (n) હેપ્ટેનનો ઑક્ટેન-આંક 0 રાખવામાં આવે છે. વિવિધ બળતણોની દહનક્ષમતા આઇસો-ઑક્ટેન અને હેપ્ટેનનાં ભિન્ન ભિન્ન પ્રમાણોવાળાં મિશ્રણો સાથે સરખાવવામાં આવે છે. આ માટે કૉ કો-ઑપરેટિવ ફ્યુએલ રિસર્ચ (CFR) એન્જિન વિકસાવવામાં આવ્યું છે; એમાં એક સિલિન્ડર હોય છે અને વિવિધ કૉમ્પ્રેશનનો ઉપયોગ શક્ય છે. અપસ્ફોટન થવાની શરૂઆત થાય છે ત્યારે આ યંત્રની મદદથી ઇંધનનો સીમાંત કૉમ્પ્રેશન-ગુણોત્તર (critical compression ratio) શોધી કાઢવામાં આવે છે. જે ઇંધનની દહનક્ષમતા 80 % આઇસો-ઑક્ટેન અને 20 % n-હૅપ્ટેનના મિશ્રણ જેવી જ હોય તે ઇંધનનો ઑક્ટેન-આંક 80 ગણાય છે.
ડીઝલ એન્જિનમાં કેરોસીન અને ઊંજણ (lubricating) તેલો વચ્ચેના ઘટકો ઇંધન તરીકે વપરાય છે. આવા બળતણની દહનક્ષમતા માપવા માટે સીટેન-આંક વપરાય છે. h-હેક્ઝાડેકેનનો સીટેન-આંક 100 અને a-મિથાઇલ નેપ્થેલીનનો સીટેન-આંક 0 ગણવામાં આવે છે.
ઍરોમેટિક હાઇડ્રૉકાર્બનનો ઑક્ટેન-આંક ઊંચો હોય છે. પેટ્રોલિયમ શુદ્ધીકરણની વિધિ એવી રીતે કરવામાં આવે છે કે જેથી ગૅસોલીનમાં ઉપશાખાવાળા હાઇડ્રૉકાર્બનનું પ્રમાણ વધુ હોય. વળી ટેટ્રાઇથાઇલ લેડ જેવા પદાર્થો ઉમેરીને ઇંધનનો ઑક્ટેન-આંક ઊંચો લાવી શકાય છે. જે ગૅસોલીનનો મૂળ ઑક્ટેન-આંક 73 હોય તેમાં દરેક 4 લિટર ગૅસોલીનમાં ટેટ્રાઇથાઇલ લેડ [Pb(C2H5)4] ઉમેરતાં નીચે પ્રમાણે સુધારો માલૂમ પડે છે :
1 મિલી.થી 82, 2 મિલી.થી 89 અને 6 મિલી.થી 93 જેટલો ઑક્ટેન-આંક થાય છે.
નિષ્કાસ (exhaust) વાયુઓમાં લેડ બહાર આવે છે; તેને કારણે પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે. આ કારણથી ટેટ્રાઇથાઇલ લેડ ઓછું વાપરવા તથા તેના વિકલ્પો શોધી કાઢવા અંગે ગંભીરતાપૂર્વક વિચારણા ચાલે છે.
જ. પો. ત્રિવેદી