ઑઇલર, કેલ્પિન હાન્સ ફૉન (જ. 15 ફેબ્રુઆરી 1873, ઓગ્સબર્ગ; અ. 6 નવેમ્બર 1964, સ્ટૉકહોમ) : શર્કરાના આથવણ અંગેના પ્રદાન માટે સર આર્થર હાર્ડેન સાથે રસાયણશાસ્ત્રના 1929ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. પિતા રૉયલ બેવેરિયન રેજિમેન્ટમાં જનરલ. મ્યુનિક એકૅડેમી ઑવ્ પેઇન્ટિંગમાં 1891-1893 દરમિયાન કળાનો અભ્યાસ. રંગના પ્રશ્નો, ખાસ કરીને વર્ણપટના રંગના અભ્યાસમાંથી તેઓ વિજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યા. એમિલ ફિશર અને રોઝેનહાઇમ પાસે રસાયણશાસ્ત્રનો તથા બોરબર્ગ અને મૅક્સ પ્લાન્ક પાસે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરીને 1895માં બર્લિનમાંથી ડૉક્ટરેટ મેળવી. નર્ન્સ્ટ, આર્હેનિયસ અને ફાન્ટ હૉફ પાસેથી કાર્યાનુભવ મેળવીને 1906માં સ્ટૉકહોમની રૉયલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1929માં વિટામિન ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બાયૉકેમિસ્ટ્રીના નિયામક નિમાયા.
આથવણ (fermentation), વિટામિનોનું બંધારણ, અર્બુદમાંના ન્યૂક્લિક ઍસિડનો ચિહનિત (labelled) સંયોજનો વડે અભ્યાસ વગેરે વિષયોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમણે સાબિત કર્યું કે આથવણમાં ગ્લુકોઝ અને ફૉસ્ફૉરિક ઍસિડ વચ્ચેની ઉદ્દીપકીય પ્રક્રિયાથી ગ્લુકોઝ મૉનોફૉસ્ફેટ બને છે, જેમાંથી ગ્લુકોઝ ડાઇફૉસ્ફેટ અને સક્રિય ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝમાંથી આથવણ માટેના જરૂરી પદાર્થો મળે છે.
વિશ્વની અગ્રગણ્ય વિજ્ઞાનસંસ્થાઓના તેઓ સભ્ય હતા અને કેટલીય યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરેટ એનાયત કરી હતી. તેમના પુત્ર ઉલ્ફ ફૉન ઑઇલરને 1970નું શરીરક્રિયાવિજ્ઞાન (physiology) અને મેડિસિનનું નોબેલ પારિતોષિક જુલિયસ ઍક્સલરોડ અને બર્નાર્ડ કાટ્ઝની સાથે મળ્યું હતું.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ