ઑંગ સાન, સૂ ચી (જ. 19 જૂન 1945, રંગૂન, મ્યાનમાર) : 1991ના શાંતિ માટેનાં નોબેલ પારિતોષિક વિજેતા, મ્યાનમાર(બ્રહ્મદેશ)ના વિરોધપક્ષ લોકશાહી માટેના રાષ્ટ્રીય સંઘ(National League for Democracy)નાં સર્વોચ્ચ નેતા તથા મ્યાનમારના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રતાપી અને સર્વમાન્ય લોકનેતા ઑંગ સાનનાં પુત્રી. તેમનાં માતા શ્રીમતી ઑંગ સાન ભારત ખાતે મ્યાનમારનાં એલચી હતાં તે અરસામાં સૂ ચીનું શાળાકૉલેજનું શિક્ષણ દિલ્હીમાં થયું હતું.
મ્યાનમારમાં 1962થી 1985 સુધી લશ્કરી સેનાપતિ ને વિન સર્વસત્તાધીશ સરમુખત્યાર તરીકે રહ્યા હતા. 1985માં તેમની સામે લોકચળવળ થતાં તેમને સત્તા છોડવી પડી હતી. મે, 1989માં જ્યારે ચૂંટણીઓ યોજવામાં આવી ત્યારે સૂ ચીની સરદારી નીચે વિરોધ પક્ષે 80 % મતો મેળવીને જ્વલંત વિજય હાંસલ કર્યો હતો અને દેશમાં લોકશાહી સ્થાપવાની ઊજળી તક સાંપડી હતી.
પરંતુ સત્તાધારી પક્ષે ઊગતી લોકશાહીને કચડી નાખી દેશને લશ્કરી શાસનની એડી નીચે મૂક્યો હતો. 1989થી સૂ ચીને તેમના ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા અને 2003માં તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં. 1990માં નૉર્વેનાં માનવીય હક્ક પારિતોષિકથી અને 1993માં જવાહરલાલ નહેરુ પુરસ્કારથી તેમને સન્માન્તિ કરાયાં. તેમના પતિ ડૉ. માઇકેલ એરિસ બ્રિટનના નાગરિક છે અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપનનું કાર્ય કરે છે. તેમને બે બાળકો છે.
માનવ-અધિકારોની જાળવણી, લોકશાહીનું સંગોપન અને દેશની જુદી જુદી જાતિઓ વચ્ચે સહકાર અને સંવાદિતા સાધવાનું દુષ્કર કાર્ય તેઓ અહિંસક રીતે કરી રહ્યાં છે. આ દિશામાં કામ કરવામાં તેઓ અપૂર્વ હિંમત બતાવી રહ્યાં છે. તેમની સામે તાકવામાં આવેલી ખુલ્લી બૅયોનેટોનો સામનો કરતાં તેઓ અચકાયાં નથી. તેમણે લખેલો ‘બર્મા ઍન્ડ ઇન્ડિયા : સમ આસ્પેક્ટસ ઑવ્ લાઇફ અન્ડર કૉલોનિયાલિઝમ’ તથા ‘ફ્રીડમ ફ્રૉમ ફિયર ઍન્ડ અધર રાઇટિંગ્ઝ’ એ ગ્રંથો જાણીતા છે.
દેવવ્રત પાઠક