ઐતિહાસિક ભૂગોળ : ભૂતકાળની ભૌગોલિક સ્થિતિ. કોઈ પણ પ્રદેશનો ભૌગોલિક અભ્યાસ અથવા કોઈ પણ ચોક્કસ સમયે પ્રદેશની સ્થિતિ અથવા ભૂતકાળમાં તેની સ્થિતિ અથવા તે પ્રદેશની બદલાતી ભૌગોલિક પરિસ્થિતિ અથવા બદલાતા સમયમાં તે પ્રદેશની સ્થિતિ. પ્રાકૃતિક અને માનવભૂગોળમાં તેનો અભ્યાસ કરીને દુનિયાની સમકાલીન પરિસ્થિતિનો ખ્યાલ આપવામાં આવે છે. ઈ. પૂર્વે પાંચમી સદીમાં હીરોડોટસ નામના ભૂગોળવેત્તા ઉદાહરણ આપતાં નાઈલ નદી દ્વારા ડેલ્ટા કઈ રીતે નિર્માણ પામ્યા તે સમજાવે છે. આજે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભૂગોળના ર્દષ્ટિકોણથી તેનો અભ્યાસ કરવામાં આવે છે.
સત્તરમી સદી સુધી આ વિષય ઉપર વધુ ખેડાણ થયું ન હતું. ઐતિહાસિક ભૂગોળ વિષયનો પાયો નાંખનાર ફિલિપ કલુવર હતા. તેમણે ‘જર્મનીની ઐતિહાસિક ભૂગોળ’ પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમાં તે પ્રદેશના સંદર્ભમાં સમયનું મહત્વ સમજાવ્યું હતું.
યુરોપના ભૂગોળવેત્તાઓના મત પ્રમાણે ઇતિહાસ અને પુરાતત્ત્વના ભાગ સ્વરૂપે જ આ વિષયશાખા નિર્માણ પામી છે. સૈકાઓ જૂની ઐતિહાસિક ઘટના માટે તે સમયની ભૌગોલિક પરિસ્થિતિને તેઓ જવાબદાર લેખે છે.
ઓગણીસમી સદીમાં બ્રિટનમાં આ વિષયનું મહત્વ વધ્યું હતું. તેથી ત્યાંની અનેક યુનિવર્સિટીઓમાં આ વિષયનું જ્ઞાન આપવાનું શરૂ થયું હતું.
વીસમી સદી પહેલાં બનેલી ઐતિહાસિક ઘટના માટે બદલાયેલી ભૌગોલિક પરિસ્થિતિની અસર સમજાવી ઇતિહાસમાં ભૂગોળના જ્ઞાનને પાયારૂપ મહત્વનું ગણવામાં આવ્યું.
જાણીતાં ભૂગોળવેત્તા કુ. એલન ચર્ચિલ સેમ્પલ ઇતિહાસમાં તે સમયના પર્યાવરણને જવાબદાર લેખે છે. ફ્રેડરિક રટઝેલ પણ આ વિચાર સાથે સહમત થયા છે. હારિયન એચ. બારોસ પણ એલન સેમ્પલના વિચારને અનુમોદન આપે છે. યુ.એસ.ના ઇતિહાસવિદ્ ફ્રેડરિક જેક્સન ટર્નરે સૌપ્રથમ વાર યુનિવર્સિટીમાં યુ.એસ.ની ઐતિહાસિક ભૂગોળના વિષયની શરૂઆત કરી. આ અભ્યાસથી દેશની સરહદો શા માટે બદલાઈ, ક્યારે, તેના માટે વ્યવસ્થાતંત્ર કઈ રીતે જવાબદાર હતું વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો.
1930 પહેલાં ભૂગોળ વિષયનું મહત્વ હતું અને તેથી ભૂગોળ વિષયનો વિકાસ થયો હતો. કોઈ પણ પ્રદેશના ઇતિહાસમાં તે સમયની ભૌગોલિક સ્થિતિને સમજવી આવશ્યક છે. 1950થી 1960 દરમિયાન ભૌગોલિક સંશોધનમાં સમકાલીન સ્થિતિની સમજનો ઉપયોગ કરીને આ વિષયને સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. 1970માં ઐતિહાસિક ભૂગોળના સંશોધનમાં પદ્ધતિસર અભ્યાસ થઈ શકે તે માટે વિવિધ વિચારસરણીને સમજીને વિવિધ ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.
1970માં ‘ઐતિહાસિક ભૂગોળ’ પત્ર પ્રગટ કરવામાં આવ્યું. 1973માં બ્રિટનના ભૂગોળવેત્તાઓએ ઐતિહાસિક ભૂગોળ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી છે. 1979માં અમેરિકાના ભૂગોળવેત્તાઓએ ભૂગોળ વિષયને અસર કરતાં પરિબળોનો પદ્ધતિસર અભ્યાસ શરૂ કર્યો છે. તે વિકસતા અભ્યાસનો વિષય છે.
નીતિન કોઠારી